બંદીવાનો દ્વારા બહેનોને ભેટ સ્વરૂપે તુલસીના છોડ આપવામાં આવ્યા :
પોતાનો ભાઈ વહેલો ઘરે ફરી સ્વતંત્ર નાગરિક તરીકે જીવન નિર્વાહ કરે તેવી બહેનો દ્વારા પ્રાર્થના કરાઈ :
( પ્રતિનિધી )વડોદરા,તા.9
ભાઈ બહેનના પવિત્ર બંધનના પ્રેમ સમા રક્ષાબંધન પર્વની આજે ઉજવણી કરવામાં આવી રહી છે.ત્યારે વડોદરા મધ્યસ્થ જેલ ખાતે પણ સજા ભોગવી રહેલા કેદીઓને પણ પોતાની બહેનો દ્વારા રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી.જ્યારે બહેનોએ પોતાનો ભાઈ સજા ભોગવી પરત ઘરે ફરી સ્વતંત્ર નાગરિક તરીકે નિર્વાહ કરે તેવી બહેનો દ્વારા પ્રાર્થના પણ કરવામાં આવી હતી.આ વેળાએ લાગણી સભર દ્રશ્યો પણ સર્જાયા હતા.

હિન્દુ ધર્મમાં ભાઈ બહેનના પવિત્ર બંધન સમા રક્ષાબંધન પર્વની દેશ ભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે જેલોમાં સજા ભોગવી રહેલ કેદીઓ પણ આ તહેવારથી બાકાત રહે નહીં તે માટે પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ વડોદરા મધ્યસ્થ જેલ ખાતે કેદી ભાઈઓને પોતાની બહેન રાખડી બાંધી શકે તે માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

સવારે 8:00 થી બપોરના 1:00 વાગ્યા સુધી કેદી ભાઈઓને પોતાની બહેનો દ્વારા રાખડી બાંધી પોતાનો ભાઈ સજા ભોગવી પરત ઘરે ફરી સ્વતંત્ર નાગરિક તરીકે નિર્વાહ કરે તેવી બહેનો દ્વારા પ્રાર્થના પણ કરવામાં આવી હતી. જ્યારે સેન્ટ્રલ જેલ ખાતે લાગણી સભર દ્રશ્યો પણ સર્જાયા હતા.

આ અંગે વડોદરા સેન્ટ્રલ જેલના સિનિયર જેલર એમ.એન.રાઠવાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં જેલોના વડાની સૂચના અને માર્ગદર્શન મુજબ તેમજ જેલ અધિક્ષક વડોદરા મધ્યસ્થ જેલના માર્ગદર્શન હેઠળ રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે જેલમાં રહેલા બંદીવાનોને તેમની બહેનો પાસે રાખડી બંધાવવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને બહેનો દ્વારા રાખડી બાંધ્યા પછી એમની આંખોમાંથી અશ્રુ વહ્યા હતા.

જેલમાં રહેલા બંદીવાનો પણ ખરેખર સ્વતંત્ર નાગરિક તરીકે રહે એવા પ્રયત્ન જેલ પ્રશાસન દ્વારા કરવામાં આવી રહ્યા છે. બંદીવાનો તરફથી પણ બહેનોને ભેટ આપવામાં આવે છે. જે માટે બહેનોને તુલસી ના છોડ આપવાનું આયોજન કર્યું હતું. જેથી બહેનો આ છોડ પોતાના ઘરે લઈ જઈ તેનું વાવેતર કરી તેનો ઉછેર કરશે જેથી પર્યાવરણ બચાવોનો એક સુંદર સંદેશ પણ પહોંચી શકે.