એક યુવાન વિદ્યાર્થી જીવનમાં સફળ થવા માગતો હતો. ખૂબ મહેનત કરે પણ સફળતા મળે નહિ. કોઈ ને કોઈ કારણે નિષ્ફળતા જ મળે. આમ વારંવાર નિષ્ફળ જતાં તે યુવાન ખૂબ નિરાશ થઇ ગયો હતો. શું કરવું તેને કંઈ સમજાતું ન હતું. પોતાના એક સ્નેહી મિત્રની સલાહથી તે એક વિખ્યાત વૃદ્ધ સાધુને મળવા ગયો. યુવાને સાધુને જઈને પ્રણામ કર્યા અને પછી તરત જ પૂછ્યું, “ગુરુદેવ, હું કેટલીય વાર પ્રયત્ન કરું છું, પણ હમેશાં મારી હાર થાય છે.હમેશાં કોઈ ને કોઈ કારણે નિષ્ફળતા જ મળે છે.મને સમજાતું નથી કે હું શું કરું? શું હું કદી સફળ થઈ શકીશ નહીં?” વૃદ્ધ સાધુએ હળવા સ્મિત સાથે કહ્યું, “ચાલ, મારી સાથે નદી કિનારે લટાર મારવા. તેઓ યુવાનને લઇને નદી કાંઠે ગયા. નદીનું વહેણ ખૂબ જ વધારે હતું.
ચાલતા ચાલતા વૃધ્ધ સાધુએ નદીકિનારાથી થોડે દૂર એક પથ્થર પાણી વચ્ચે હતો તેની તરફ આંગળી ચીંધીને કહ્યું, “યુવાન, આ પથ્થર જો. જ્યાં છે ત્યાં જ છે.નદીના પાણીની ગતિ તેને આગળ કેમ લઇ જઈ શકતી નથી?’ યુવાને કહ્યું, “સાધુ મહારાજ, કારણ કે આ પથ્થર ભારે છે અને સ્થિર છે.” થોડા આગળ ચાલ્યા બાદ સાધુએ હવે યુવાનને નદીના પ્રવાહ સાથે તરતું એક પાન બતાવ્યું અને પૂછ્યું “આ પાન કેમ તરે છે?” યુવાને કહ્યું, “કારણ કે એ હલકું છે અને પ્રતિકાર નથી કરતું અને વહેણ સાથે આગળ તરતું રહે છે.”
વૃધ્ધ સાધુએ કહ્યું, “આપણા જીવનનું પણ એવું જ છે. જો તું હમેશાં સ્થિર અને અડગ રહીશ અને દરેક નિષ્ફળતાની સામે પથ્થરની જેમ કઠોર બનવાની કોશિશ કરીશ, અક્કડ બની રહીશ અને કોઈ પરિવર્તન સ્વીકારીશ નહિ તો તું જીવનના પ્રવાહ સાથે આગળ વધી શકીશ નહિ પણ જયારે તું જીવનની સ્થિતિઓને સ્વીકારી, નાની નાની ભૂલોમાંથી શીખીશ અને પ્રતિકાર કર્યા વગર જીવનની સ્થિતિ અને સંજોગો અનુસાર આગળ વધીશ ત્યારે તું તારી મંજિલ સુધી પહોંચી શકીશ.”
યુવાને કહ્યું, “સાધુ મહારાજ, હું પાનની જેમ તરવા તૈયાર છું, દરેક બદલાવ સ્વીકારવા તૈયાર થઈ જાઉં છતાં મને સફળતા નહિ મળે તો.” સાધુએ કહ્યું, “યુવાન હંમેશા યાદ રાખજે કે નિષ્ફળતા એ અંત નથી, એ તો સફળતાની શરૂઆત છે.નકારાત્મક વિચારો છોડી તું માત્ર પ્રયત્નો ચાલુ રાખજે. વિજય તને અવશ્ય મળશે. જીવનમાં સફળ થવા માટે શીખવાની, ઢળવાની અને આગળ વધવાની તીવ્ર ઇચ્છા જરૂરી છે. દરેક હાર આપણને કંઈક શીખવે છે. સફળતા ધીરજ અને સતત પ્રયત્નનું ફળ છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.