Charchapatra

રાખી ધાગો કા ત્યોહાર

વર્ષો પહેલાં આપણા સુરત શહેરમાં શ્રાવણ સુદ પૂનમને પવિત્ર રક્ષાબંધનના કમનસીબ દિવસે એક અત્યંત દુ:ખદ હોડી હોનારત બની હતી અને જબરજસ્ત આઘાતથી સુરતવાસીઓ બહુ જ દુ:ખી થઈ ગયાં હતાં. ત્યારથી રક્ષાબંધનનો તહેવાર બ્રાહ્મણ સમાજ સિવાય અન્ય સમાજનાં સુરતી લોકો બીજે દિવસે એની ઉજવણી કરે છે. હજુ આજે પણ એ પરંપરા મહદ્ અંશે જ જળવાઈ રહી છે. પહેલાંના જમાનામાં મા બાપને પાંચ-સાત સંતાન હોવાથી કોઈ પણ ઘરમાં ભાઈને બહેનની ખોટ પડતી નહોતી. પરંતુ હવે સમય બદલાઈ ગયો છે.

દરેક બાપને એક કે બે સંતાન હોવાથી ભાઈને બહેનની ખોટ લાગે છે. ઘરમાં ભાઈ હોય તો બહેન નહીં હોય. બહેન કિસ્મતથી મળે છે. છતાં અરસપરસ સગાં સંબંધીમાંથી અથવા કોઈ ધર્મની બહેન મળી જાય છે. એ રીતે રક્ષાબંધનનો તહેવારનો વહેવાર સચવાઈ જાય છે. બંધા હુઆ એક એક ધાગેમેં ભાઈ-બહેનકા પ્યાર રાખી ધાગો કા ત્યોહાર, આ અત્યંત પવિત્ર તહેવાર પરાપૂર્વથી ચાલ્યો આવે છે. ‘છોટી બહેન’ અને ‘રાખી’ ફિલ્મ રક્ષાબંધનની યાદગાર હિન્દી સામાજિક ફિલ્મોની યાદ આવે છે. ‘ભૈયા મેરે રાખી કે બંધન કો નિભાના’ ‘છોટી બહેન’ના ગીતની પણ યાદ તાજી થાય છે. ‘રાખી’ ફિલ્મથી વહીદા રહેમાન અને અશોકકુમારનો અસલી જિંદગીમાં પણ ભાઈ બહેનનો મીઠો મધુરો નાતો બંધાયો હતો.
ગોપીપુરા, સુરત- જગદીશ પાનવાલા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top