ટાઉન પ્લાનિંગ વિભાગ સમક્ષ અનેક રજૂઆતો છતાં પગલા લેવાયા નહીં
સમસ્યાનું નિવારણ કરવાના બદલે ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીઓ ઉડાઉ જવાબ આપી અરજદારને તગેડી મૂકાતા હોવાના આરોપ
વડોદરા: શહેરના જેતલપુર સીમ વિસ્તારમાં આવેલી સુધા નગર કો-ઓપ. હાઉસિંગ સોસાયટીના પ્લોટ નં. 11ને લઈને એક ગંભીર વિવાદ સર્જાયો છે. સ્થાનિક રહીશે વડોદરા મહાનગરપાલિકા સામે આરોપ મુક્યો છે કે અહીં પાર્કિંગ માટે છૂટેલી જગ્યા પર એક વ્યક્તિ દ્વારા અનધિકૃત બાંધકામ કરવામાં આવ્યું છે અને મહાનગરપાલિકા તેના સામે પગલાં લેવા બદલે તે બાંધકામને ઈમ્પેક્ટ કાયદા હેઠળ નિયમિત પણ કરી દીધું છે. પ્રાથમિક માહિતી અનુસાર, પ્લોટ નં. 11ના માલિક ચોલબેન રમેશભાઈ પટેલ અને તેમના પુત્ર કનુભાઈ ચંદુભાઈ પટેલે વર્ષ 1981 અને 1988માં બાંધકામ માટે મહાનગરપાલિકાની મંજૂરી લીધી હતી. પ્લોટનું કુલ ક્ષેત્રફળ 597 ચો.મી. હતું. જેમાં માર્જિન જગ્યા સહિત ગ્રાઉન્ડ પ્લિન્થ અને ચાર માળના ફ્લેટ માટે પરવાનગી અપાઈ હતી. તેમજ મળેલી વિગત મુજબ વર્ષ 1990-91માં બાંધકામ પૂર્ણ થયા બાદ કમ્પ્લિશન સર્ટિફિકેટ પણ અપાયું હતું. વર્ષો પછી, ઈમારતમાં રહેણાંક માટે મંજૂર વિસ્તારોના વેચાણ બાદ, 206.10 ચો.મી.માંથી પશ્ચિમ બાજુના 70.40 ચો.મી. વિસ્તારમાં એસ.ઈ.શોપ દર્શાવતાં ત્રીજી વખત રિવાઇઝ્ડ રાજા ચિઠ્ઠી લેવામાં આવી હતી.
સ્થાનિક રહીશના જણાવ્યા અનુસાર, મંજુલાબેન ચંદુભાઈ પટેલે ફ્લેટના પશ્ચિમ બાજુ આવેલા પીલરની અંદર 70.40 ચો.મી. વિસ્તારનો માલિક હોવા છતાં, એમણે તમામ ફ્લેટ ધારકોની સહિયારી જગ્યામાંથી પાર્કિંગ માટે છૂટેલી જગ્યા પચાવી પાડી છે. આ જગ્યા પર અનધિકૃત બાંધકામ કરવામાં આવ્યું છે અને શહેરની પાલિકા દ્વારા એ બાંધકામને વિવાદિત ઈમ્પેક્ટ કાયદા હેઠળ માન્યતા આપી દેવામાં આવી છે. ફ્લેટના અન્ય રહીશો અને અરજદારે જણાવ્યું કે તેઓ છેલ્લા 10 વર્ષથી મહાનગરસેવા સદન સમક્ષ લેખિતમાં અરજી કરતા આવ્યા છે કે અનધિકૃત બાંધકામ દૂર કરવામાં આવે. છતાં અત્યારસુધી પાલિકા તરફથી કોઈ તપાસ કે કાયદેસર પગલાં લેવામાં આવ્યા નથી. અરજદારનું કહેવું છે કે આ બાંધકામ વિરુદ્ધ તેઓ વારંવાર રજૂઆત કરતા રહ્યા છે, છતાં પાલિકા તંત્ર ઉંઘી રહ્યું છે. ખાસ કરીને, જે રિવાઇઝ્ડ રાજા ચિઠ્ઠી નં. 12/1996-97માં આપેલી પરવાનગી મુજબ બહારના માર્જિન વિસ્તારમાં પાર્કિંગ માટે ખુલ્લી જગ્યા હોવી જરૂરી છે, તેને અવગણીને તેની ઉપર બાંધકામને અનુમતિ આપવી પોતાના જ નિયમોનું ઉલ્લંઘન છે. અરજદારની માગણી છે કે મંજુલાબેન દ્વારા કરાયેલા અનધિકૃત બાંધકામને જલ્દીથી દૂર કરવામાં આવે અને અગાઉ અપાયેલ રિવાઇઝ્ડ મંજૂરી સિવાયના તમામને રદ કરવામાં આવે. આ ઉપરાંત મહાનગરસેવા સદનના જવાબદાર અધિકારીઓએ પોતાની જવાબદારી નિભાવવી જોઈએ અને પારદર્શક તપાસ કરીને જાહેર જનતાના હિતમાં યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ.