મહિલાઓને વિવિધ યોજનાઓની માહિતી અપાઈ
પ્રતિનિધિ ગોધરા તા.07
કમિશનર, મહિલા અને બાળ વિકાસ વિભાગના માર્ગદર્શન હેઠળ ગોધરા તાલુકાના અંબાલી ખાતે ‘નારી વંદન સપ્તાહ’ અંતર્ગત ‘મહિલા કર્મયોગી દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મહિલાઓના સશક્તિકરણ માટેના કાયદાઓ અને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

આ પ્રસંગે, અધિકારીઓએ વ્હાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજના, અને મહિલા સ્વાવલંબન યોજના જેવી મહત્વની યોજનાઓ વિશે જાણકારી આપી હતી. મહિલાઓને ઘરેલુ હિંસા અધિનિયમ અને કામકાજના સ્થળે જાતીય સતામણી અધિનિયમ ૨૦૧૩ અંગે પણ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન, ICDS વિભાગ દ્વારા પોષણયુક્ત આહાર વિશે મહિલાઓને વ્યવહારિક જાણકારી આપવા માટે વાનગી નિદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે, વ્હાલી દીકરી યોજના અંતર્ગત લાભાર્થીઓને ‘વધામણા કીટ’, ગર્ભવતી અને ધાત્રી માતાઓને મચ્છરદાની અને કિશોરીઓને હાઈજીન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.