ખાણ ખનીજ વિભાગની કાર્યવાહીથી ખનીજ માફિયાઓમાં ફફડાટ
પ્રતિનિધી ગોધરા તા.07
પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકાના ખાખરીયા ગામમાં ખાણ ખનીજ વિભાગે ગેરકાયદેસર રેતી વહન કરતી પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી. વિભાગે દરોડો પાડીને રેતી ભરેલા 7 ટ્રેક્ટર અને 2 ટ્રક સહિત કુલ 9 વાહનો જપ્ત કર્યા છે. આ કાર્યવાહીમાં કુલ ₹80 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો.
મળતી માહિતી મુજબ, ખાણ ખનીજ વિભાગની ટીમ રૂટિન ચેકિંગ દરમિયાન જાંબુઘોડા તાલુકામાં હતી. ત્યારે તેમને ખાનગી બાતમી મળી હતી કે ખાખરીયા ગામમાં કેટલાક લોકો રોયલ્ટી પાસ વગર ગેરકાયદેસર રીતે રેતીનું વહન કરી રહ્યા છે. આ બાતમીના આધારે વિભાગની ટીમે તાત્કાલિક દરોડો પાડ્યો હતો.આ દરોડા દરમિયાન, વિભાગે સ્થળ પરથી રેતી ભરેલા 9 વાહનો ઝડપી પાડ્યા હતા. સાથે જ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા 9 લોકોની પણ અટકાયત કરવામાં આવી છે. જપ્ત કરાયેલા વાહનો અને મુદ્દામાલને ખાખરીયા ખાતે આવેલા અંબિકા સ્ટોક ખાતે સીઝ કરીને રાખવામાં આવ્યો. આ કાર્યવાહીથી સમગ્ર પંચમહાલ જિલ્લાના ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.