Columns

ઉત્તરાખંડની આફત કુદરતસર્જિત નથી પણ વિકાસની દોટમાં માનવસર્જીત છે

ઉત્તરકાશી જિલ્લામાં મંગળવારે બપોરે ધારાલી અને સુખી ટોપમાં વિનાશક વાદળ ફાટવાથી ઓછામાં ઓછાં પાંચ લોકોનાં મોત થયાં છે અને ૧૦૦ થી વધુ લોકો ગુમ થયાં છે. આ ઘટનાએ ફરી એક વાર ભારતીય હિમાલયમાં કુદરતી આફતોની વધતી જતી તીવ્રતા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. નિષ્ણાતો કહે છે કે બેકાબૂ વિકાસને કારણે આ ક્ષેત્રનો વિનાશ થઈ રહ્યો છે. પર્યાવરણવિદો અને વૈજ્ઞાનિકો ચેતવણી આપતા રહે છે કે આબોહવામાં પરિવર્તન, જંગલોનો નાશ અને અનિયંત્રિત વિકાસના પ્રોજેક્ટો હિમાલયના પટ્ટામાં કુદરતી આફતોને વધારી રહ્યા છે. વાદળો ફાટવાની ઘટનાઓ, તળાવો ફાટવાની ઘટનાઓ અને ભૂસ્ખલનની વધતી જતી ઘટનાઓ આ પ્રદેશમાં ટકાઉ વિકાસ અને આપત્તિ માટેની તૈયારીની તાત્કાલિક જરૂરિયાત છતી કરે છે.

ઉત્તરાખંડમાં વાદળ ફાટવું, પૂર આવવું અને પાયમાલી થવાની ઘટના જાણે નિયમિત થઈ ગઈ છે. વર્ષ ૨૦૧૩માં કેદારનાથમાં મહાવિનાશક પૂર આવ્યું તે સમયે સમગ્ર ઉત્તરાખંડમાં ૫૮૦ લોકોનાં મોત થયાં હતાં અને ૬,૦૦૦ જેટલાં લોકો ગુમ થયાં હતાં ત્યારથી એક પછી એક આફતો આવતી જ રહી છે. ૨૦૨૧ના ફેબ્રુઆરીમાં ચમોલીમાં હિમપ્રપાતને કારણે પૂરથી ૨૦૦ થી વધુ લોકોનાં મોત થયાં હતાં અને બે જળવિદ્યુત પ્રોજેક્ટનો નાશ થયો હતો. ઓક્ટોબર ૨૦૨૧ માં ભારે કમોસમી વરસાદના કારણે ઉત્તરાખંડમાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયાં હતાં અને પુલો ધોવાઈ ગયા હતા, જેમાં ઓછામાં ઓછાં ૪૬ લોકો માર્યા ગયાં હતાં.

૨૦૨૩ના જાન્યુઆરીમાં હિમાલયના જોશીમઠમાં જમીન ધસી પડતાં સેંકડો લોકો બેઘર બની ગયાં હતાં. સેંકડો ઇમારતોમાં ભયાનક તિરાડો પડી ગયા બાદ જોશીમઠ શહેરમાંથી લગભગ ૨૦૦ લોકોને સ્થળાંતર કરવામાં આવ્યાં હતાં. નિષ્ણાતોએ આ માટે વિસ્તારમાં અનિયંત્રિત બાંધકામ અને ટનલ ખોદવાનું કારણ આપ્યું હતું અને ચેતવણી આપી હતી કે નીચેની જમીન અસ્થિર બની ગઈ છે. ૨૦૨૩ના નવેમ્બરમાં ઉત્તરાખંડમાં નિર્માણાધીન એક રોડ ટનલ ધરાશાયી થઈ ગઈ, જેના કારણે ૧૭ દિવસ સુધી ૪૧ કામદારો અંદર ફસાઈ ગયાં હતાં. આખરે બધાને બચાવી લેવામાં આવ્યાં, પરંતુ આ ઘટનાએ નાજુક હિમાલયી ભૂપ્રદેશમાં સલામતીનાં ધોરણો પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા હતા.

ધારાલીની દુર્ઘટના એવા વિસ્તારમાં ભારે વરસાદને કારણે થઈ હોવાની શંકા છે જે પહેલાંથી જ અસ્થિર ઢોળાવ અને તેથી ભૂસ્ખલન માટે સંવેદનશીલ છે. છેલ્લા એક વર્ષ દરમિયાન ઉત્તરકાશીનાં અનેક નાગરિક જૂથોએ ધારાલીની દક્ષિણે આવેલા NH-34 પર હિના અને ટેકલા વચ્ચે બાયપાસના પ્રસ્તાવિત બાંધકામનો વિરોધ કર્યો હતો. લોકોએ સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત સમિતિને પત્ર લખીને બાયપાસ માટે ૬,૦૦૦ દેવદાર વૃક્ષો કાપવાની યોજનાનો વિરોધ પણ કર્યો હતો. માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય અને સરહદી માર્ગ સંગઠને ધારસુથી ગંગોત્રી વચ્ચે નદીના પટને પહોળો કરવાનું કામ હાથ ધર્યું છે અને ધારાલી આ રૂટ પર આવે છે. ધારસુથી ગંગોત્રી સુધીના નદીના પટ પર ભટવારી બ્લોકનું મુખ્ય મથક આવેલું છે. અહીંનો ઢાળ ઘણા સમયથી સરકી રહ્યો છે અને વૈજ્ઞાનિકોએ આ અંગે અભ્યાસ પણ કર્યો છે.

હાર્સિલ જવાનો રસ્તો સાંકડો છે અને અગ્નિકૃત ખડકોથી બનેલો છે, જે તેને અત્યંત ખતરનાક બનાવે છે. નિષ્ણાતોએ તેને પહોળો કરવાને બદલે ખડકને અર્ધ-સુરંગના રૂપમાં આકાર આપવાનું સૂચન કર્યું હતું. તેમણે રસ્તો પહોળો કરવા પર ઘણી કડક શરતો લાદી હતી અથવા તેને બિલકુલ પહોળો ન કરવાની ભલામણ કરી હતી. માર્ગ પરિવહન વિભાગના કોન્ટ્રાક્ટરો દ્વારા કોઈ શરતોનું પાલન કરવામાં આવ્યું નહોતું.  ઉત્તરકાશીમાં પૂર અને હિમપ્રપાતનું મુખ્ય કેન્દ્ર ધારાલી નાજુક ભાગીરથી ઇકો-સેન્સિટિવ ઝોન (ESZ) માં આવેલું છે અને નિષ્ણાતો માને છે કે નદીના પૂરના વિસ્તારો પર બાંધકામ જેવી અનિયંત્રિત પ્રવૃત્તિઓ આ આપત્તિને વધુ ગંભીર બનાવવામાં ફાળો આપે છે.

ભાગીરથી ઇકો-સેન્સિટિવ ઝોન ગંગોત્રી અને ઉત્તરકાશી શહેર વચ્ચે ૪,૧૫૭ ચોરસ કિલોમીટરનો વિસ્તાર ધરાવે છે અને તેને ૨૦૧૨ માં ગંગા નદીના ઇકોલોજી અને તેના ઉદ્ગમસ્થાનની નજીકના જળવિભાજનને સુરક્ષિત રાખવા માટે સૂચિત કરવામાં આવ્યો હતો. ભાગીરથી નદી ગંગાના મુખ્ય પ્રવાહોમાંની એક છે. તે દેવપ્રયાગમાં અલકનંદા નદી સાથે જોડાય છે અને ગંગા નદી બનાવે છે. ESZ ટેગ આ પ્રદેશને અનિયંત્રિત વિકાસ સામે સલામતી જાળ પૂરી પાડે છે. કેન્દ્રના ચાર ધામ ઓલ-વેધર હાઇ વે પ્રોજેક્ટના નિર્માણને કારણે આ પ્રદેશના પર્યાવરણને ભરપાઈ ન કરી શકાય તેવું નુકસાન થઈ રહ્યું છે. 

ફોર લેન હાઈ વે બનાવવા માટે હિમાલયમાં લાખો વૃક્ષોનો સંહાર કરવામાં આવી રહ્યો છે. આ વૃક્ષો માટીને પકડી રાખતાં હતાં અને ભૂસ્ખલન સામે રક્ષણ પૂરું પાડતા હતા. કેન્દ્ર સરકાર કોઈ પણ ભોગે પર્યટન ઉદ્યોગનો વિકાસ કરવા માગતી હોવાથી પર્યાવરણને થઈ રહેલા નુકસાનની ઉપેક્ષા કરવામાં આવી રહી છે, જેને કારણે તથાકથિત કુદરતી આફતો વધી ગઈ છે. આ પ્રોજેક્ટો બાંધવાને કારણે પેદા થયેલાં પર્યાવરણીય જોખમોને કારણે સરકારને કાનૂની પડકારોનો સામનો કરવો પડ્યો હતો પણ સુપ્રીમ કોર્ટે લાંબી સુનાવણી પછી તેને શરતી મંજૂરી આપી હતી. હવે પર્યાવરણ રક્ષા માટેની શરતોનું પાલન નથી થતું પણ ફોર લેન હાઈ વેનું કામ સડસડાટ આગળ વધી રહ્યું છે.

સેન્ટ્રલ વોટર કમિશનના હિમાલયન ગંગા ડિવિઝનના બુલેટિન મુજબ ત્રણ અલગ અલગ સ્થળો ધારાલી, સુખી ટોપ (હર્ષિલ અને ગંગનાની વચ્ચે) નજીકના વિસ્તાર અને હર્ષિલ આર્મી કેમ્પ  વિસ્તારમાં વરસાદને કારણે પૂર અને કાટમાળના પ્રવાહનો અનુભવ થયો હતો. જો કે, ભારતીય હવામાન વિભાગનો ડેટા દર્શાવે છે કે ઉત્તરકાશી કે આસપાસના જિલ્લાઓમાં અસામાન્ય ભારે વરસાદ પડ્યો નથી. મંગળવારે સાંક્રી ખાતે મહત્તમ ૪૩ મી.મી. વરસાદ નોંધાયો હતો. આ સંયોગોમાં ધારાલી ગામમાં આવેલા વિનાશક પૂરનું કારણ શરૂઆતમાં શંકાસ્પદ વાદળ ફાટવાને બદલે ગ્લેશિયર તૂટી પડવા અથવા હિમનદીનું તળાવ ફાટવાને કારણે હોઈ શકે છે, એમ ઉપગ્રહની છબીઓ અને હવામાનવિષયક માહિતીનું વિશ્લેષણ કરતા નિષ્ણાતોએ જણાવ્યું છે.

ઉપગ્રહની છબીઓમાં આપત્તિસ્થળની ઉપર મોટી હિમનદીઓ અને ઓછામાં ઓછાં બે હિમનદી તળાવો સ્થિત હોવાનું દેખાય છે. આવી એક હિમનદી ધારાલીમાંથી વહેતી ખીર ગઢ નદીની સીધી ઉપર આવેલી છે. આ હિમનદી અથવા તળાવોમાંથી એકમાંથી અચાનક પાણી છોડવાથી ૨૦૨૧માં ચમોલીમાં થયેલી રૈની આપત્તિ જેવા જ ભારે પૂરો આવી શકે છે. તે ઘટનામાં હિમપ્રપાતને કારણે બે હાઇડ્રો પાવર પ્લાન્ટનો નાશ થયો હતો અને ૨૦૦ થી વધુ લોકો માર્યા ગયાં હતાં.

ઉત્તરાખંડમાં ૧,૨૦૦ થી વધુ હિમનદી તળાવો છે, જેમાંથી ઘણાં નીચેના ભાગમાં આવેલાં લોકો માટે ગંભીર જોખમ ઊભું કરે છે. વાડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલયન જીઓલોજી અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અનુસાર આમાંથી ઓછામાં ઓછાં ૧૩ તળાવોને ઉચ્ચ જોખમી તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે, જેમાં પાંચને અત્યંત જોખમી ગણવામાં આવ્યાં છે. ઉત્તરાખંડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પીયૂષ રૌતેલાએ જણાવ્યું હતું કે આવી આફતો ત્યારે થાય છે જ્યારે ઊંચાઈ પર પાણી એકઠું થાય છે અને અચાનક પાણી છોડવામાં આવે છે. માત્ર ભારે વરસાદ આવી આફતનું કારણ બની શકે નહીં. ધારાલીની દુર્ઘટના પણ હિમનદીનાં તળાવમાંથી પાણી છોડવાને કારણે ઘટી હોય તેવી સંભાવના છે.

આબોહવામાં આવી રહેલું પરિવર્તન વિશ્વભરના પર્વતીય પ્રદેશોમાં વરસાદની પેટર્નમાં મોટા ફેરફારો લાવી રહ્યું છે. વધતા તાપમાનને કારણે ભારે હવામાનની ઘટનાઓ દરમિયાન ખાસ કરીને ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા વરસાદમાં પરિવર્તિત થઈ રહી છે. આ પરિવર્તન વધુ વારંવાર અને તીવ્ર વરસાદી તોફાનો તરફ દોરી જાય છે, જેના કારણે પૂર, ભૂસ્ખલન અને માટીના ધોવાણનું જોખમ વધે છે. નોંધનીય છે કે ગ્લોબલ વોર્મિંગમાં દરેક ૧ સેલ્સિયસના વધારા સાથે ઊંચાઈવાળા વિસ્તારોમાં સરેરાશ વરસાદમાં આશરે ૧૫ ટકાનો વધારો થવાની ધારણા છે. આ પરિસ્થિતિમાં ઉત્તરાખંડનો જે રીતે વિકાસ કરવામાં આવી રહ્યો છે તે ખતરનાક છે. આ વિકાસ બાબતમાં ફેરવિચારણા નહીં કરવામાં આવે ત્યાં સુધી આવી આફતો આવતી જ રહેશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top