Charchapatra

સુડોકુ, ચેસ રમતનાં ફાયદા

સુડોકુ, રુબીક ક્યુબ, ચેસ વગેરે બધી જ બૌદ્ધિક રમતો છે. આ બધી રમતો રમવાથી મગજને કસરત મળે છે. જે રીતે શરીરને સ્વસ્થ રાખવા માટે શારીરિક કસરતની જરૂર છે તે મુજબ જ મગજને સ્વસ્થ રાખવા માટે માનસિક કસરત પણ ખૂબ જ જરૂરી છે. આ બધી રમત રમવાથી મગજ શક્તિ ખીલે છે, માનસિક વિકાસ થાય છે, યાદશક્તિ વધે છે, તર્ક શક્તિ વધે છે, ધીરજ ના ગુણ કેળવાય છે, ધ્યાન કરવાની શક્તિ વધે છે, એકાગ્રતા કરતા તમે શીખો છો. એકના એક સ્ટેપ ઘણી વખત ચલાવવા પડતા હોય છે માટે તમે પુનરાવર્તન કરતા પણ શીખો છો.

એ રીતે તમારી યાદ શક્તિ પણ વધે છે. નાના બાળકો જેટલુ જલ્દી આ બધી રમત શીખતા થઈ જશે, રમતા થશે તો તેઓનો માનસિક વિકાસ પણ ખૂબ જ સારો થાય છે. જે બાળક ચેસ રમે છે તેને માટે ગણિત પણ ખૂબ જ સરળ થઈ જાય છે. આ ઉપરાંત ઘરડાઓમાં અલ્ઝાઇમર નામનો રોગ થાય છે જેમાં યાદશક્તિ ચાલી જાય છે. આ બધી રમત રમવાથી મગજને કસરત મળે છે જે તમારા આ રોગને આવતો અટકાવે છે. આ ઉપરાંત આ બધી જ રમતો ને રમવાને કારણે મગજના અંતઃસ્ત્રાવ જેવા કે ડોપામિન અને એન્ડોર્ફીનનું ઉત્પાદન વધારે થાય છે જે તમને આનંદ આપે છે અને દુઃખ એનાથી ઓછું થાય છે.
સુરત     – ડૉ ચંદ્રેશ જરદોશ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top