National

ધરાલી બાદ કિન્નોરમાં વાદળ ફાટ્યું, બે પુલ તૂટ્યા, કૈલાસ યાત્રા સ્થગિત, 413 યાત્રાળુઓનું રેસ્ક્યું

હિમાચલ પ્રદેશમાં છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલા વરસાદે ફરી તબાહી મચાવી છે. કિન્નૌર જિલ્લામાં વાદળ ફાટવાથી બે પુલ ધોવાઈ ગયા છે. આ બંને પુલ કૈલાસ જતા પદયાત્રીઓ માટે બનાવવામાં આવ્યા હતા . પુલ ધોવાઈ ગયો હોવાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે વાદળ ફાટ્યા પછી આવેલા પૂરમાં આ પુલ થોડીક સેકન્ડોમાં કેવી રીતે ધોવાઈ જાય છે.

ભારે વરસાદને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે આ ધાર્મિક યાત્રા મુલતવી રાખી છે પરંતુ આ યાત્રા પર ગયેલા સેંકડો શ્રદ્ધાળુઓ હજુ પણ ફસાયેલા છે. ITBP એ બચાવ કામગીરી શરૂ કરી છે અને ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ, અત્યાર સુધીમાં 400 થી વધુ શ્રદ્ધાળુઓને બહાર કાઢવામાં આવ્યા છે.

ચંદીગઢ-મનાલી હાઇવે સતત ત્રીજા દિવસે બંધ
માહિતી અનુસાર, હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લામાં વાદળ ફાટવાના કારણે કિન્નર કૈલાશ યાત્રા પર જઈ રહેલા સેંકડો લોકો ફસાયા હતા. માહિતી અનુસાર ભારત-તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP) ના જવાનોએ 413 શ્રદ્ધાળુઓને સલામત સ્થળે પહોંચાડ્યા હતા. યાત્રા હાલ પૂરતી બંધ કરવામાં આવી છે. કિન્નર કૈલાશ યાત્રા માટે નોંધણી પણ બંધ કરવામાં આવી છે. દરમિયાન, રાજ્યના અન્ય ઘણા જિલ્લાઓમાં વરસાદને કારણે આજે પણ શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે. ચંદીગઢ-મનાલી હાઇવે સતત ત્રીજા દિવસે બંધ છે.

કાલકા-શિમલા NH પણ બંધ
ભારે વરસાદને કારણે, ચંદીગઢને શિમલા સાથે જોડતો કાલકા શિમલા રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ કરવામાં આવ્યો છે. પરવાનો નજીક ચક્કી મોર પર કાટમાળ પડવાને કારણે હાઇવે બંધ કરવામાં આવ્યો છે. બે દિવસથી સતત ભારે વરસાદને કારણે આ ભૂસ્ખલન થયું છે અને સવાર સુધીમાં આખો હાઇવે કાટમાળથી ઢંકાઈ ગયો હતો, જેના કારણે વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો છે. આ કારણે હાઇવે પર લાંબો જામ છે અને સેંકડો વાહનો અટવાઈ ગયા છે. વહીવટીતંત્રે લોકોને વૈકલ્પિક માર્ગો અપનાવવાની અપીલ કરી છે. તમને જણાવી દઈએ કે હવામાન વિભાગે હિમાચલ પ્રદેશમાં રેડ એલર્ટ જારી કર્યું છે.

Most Popular

To Top