હાલમાં મહારાષ્ટ્રમાં મરાઠી જ ભાષા બાબતે આહ્વાન કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રમાં બધા જ લખાણો, દુકાનો સહિત દરેક જગ્યાએ મરાઠીનાં જ લખાનો બાબતે વ્યાવ બધતા, ગુજરાત-મહારાષ્ટ્રની સરહદે મહારાષ્ટ્રમાં આવેલા ચાર રસ્તા પરની દુકાનોમાં બોર્ડ મરાઠી સિવાયનાં લખાણો સાફ કરી નાખવામાં આવ્યા. હવે ગુજરાતનાં કોઈ વ્યસ્ક વ્યક્તિઓ રેલવેમાં મુસાફરી કરે તો તેને હિન્દી પુરતું ન આવડતું જ હોય તો મરાઠી કેવી રીતે બોલી શકે? હિન્દી એ ભારત દેશની રાષ્ટ્ર ભાષા છે.
મહારાષ્ટ્ર રાજ્યમાં જ ફિલ્મો, ટી.વી. સીરીયલ હિન્દીમાં જ બને છે અને પ્રસિધ્ધ થાય છે અને એમાં કામ કરતા અભિનેતા પણ હિન્દી ભાષા જ વાપરે છે શું તે બંધ કરી શકાશે? આ બાબતે દેશના ગૃહમંત્રીએ અસરકારક પગલા તાકીદે લેવાની જરૂર છે. મિત્રો આપણે કોઈનું નુકસાન કરી આવેગમાં આવી પાપમાં પડવાની જરૂર નથી. પ્રાંતવાદ જાતિવાદ ભાષાવાદમાં પ્રજાને લડતી રાખી રાજકારણીઓએ રાજ કરવું છે. સામાન્ય જનતાએ સંયમ જાળવવાની જરૂર છે. ક્રોધ એ વિનાશનું કારણ છે.
અમરોલી, સુરત – બળવંત ટેલર- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ખરેખર નંબર વન સુરત
સુરતે સુપર સ્વચ્છતા લીગ સર્વેક્ષણમાં સમગ્ર દેશમાં નંબર-૧ મેળવ્યો, તે આપણા સૌ માટે ગૌરવની વાત છે. પરંતુ આ એવોર્ડને અકબંધ જાળવવા માટે આપણે રસ્તે ચાલતાં જતાં નજરે પડે છે એ દૃશ્ય ખૂબ જ અકળાવનારૂં હોય છે, અને મનમાં થાય છે કે શું ખરેખર સુરતને સ્વચ્છતામાં નંબર-1 મળ્યો છે ખરો? શહેરના ઘણાં જ વિસ્તારોમાં હજુ પણ ગંદકી જોવા મળે છે, વળી ચાલુ કારમાંથી કે ચાલુ રીક્ષામાંથી માવો ખાઈને રસ્તા પર થુંકતા લોકોને જોઈને ઘૃણા ઉપજે છે.
લોકો કચરો પણ ગમે ત્યાં નાંખતા જોવા મળે છે. હજી પણ શહેરના અનેક વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય છે. સુરત મહાનગર પાલિકાના સફાઈ કામદાર આખી રાત રસ્તાની સફાઈ કરે છે અને સવાર પડતા જ લોકો કચરો નાંખવા માંડે છે. આપણે પણ શહેરને મળેલા એવોર્ડને જાળવી રાખીએ અને અવાર નવાર સુરતને આવા એવોર્ડ મળતા રહે તે માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ. કચરાગાડીમાં જ કચરો નાંખવો જોઈએ એમ મારૂ માનવું છે.
અડાજણ, સુરત- શીલા સુભાષ ભટ્ટ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.