શહેરનાં વરાછામાંથી પસાર થતી કોયલી ખાડી પાસે ગેરકાયદેસર દબાણોને કારણે દર વર્ષે ખાડી પુરની સમસ્યાને ધ્યાને રાખીને વધુ એક વખત વરાછા ઝોન દ્વારા મોટા પાયે ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. આજે મંગળવારે તા. 5 ઓગસ્ટની સવારથી જ બુટભવાની રોડ પર ખાડી કિનારે તાણી દેવાયેલ 20થી વધુ મિલ્કતોનાં ડિમોલીશનની કામગીરીને પગલે મિલ્કતદારોમાં પણ ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
જુન મહિનાનાં પ્રારંભ સાથે જ સુરત શહેરમાંથી પસાર થતી ખાડીઓમાં થોડાપુરને પગલે નીચાણવાળા વિસ્તારોમાં વસવાટ કરતાં સેકડો પરિવારોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો. દર વર્ષે સ્માર્ટ સિટી સુરતમાં ખાડી પુરને કારણે લાખો -કરોડો રૂપિયાનું નુકસાન થાય છે. આ વર્ષે પણ ખાડી પુરનાં પાણી પાંચ દિવસ સુધી ન ઓસરતાં લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો.
વર્ષે 10 હજાર કરોડ રૂપિયાનું બજેટ ધરાવતી સુરત મહાનગર પાલિકા ખાડીપુરનાં પ્રકોપ સામે વામણી પુરવાર થતાં વહીવટી તંત્રની સાથે-સાથે શાસકો પણ દોડતા થઈ ગયા હતા. રાજય સરકાર દ્વારા પણ ખાડી પુરની સમસ્યા પર અંકુશ મેળવવા માટે હાઈલેવલ કમિટીની રચના કરવામાં આવી હતી.
મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલની અધ્યક્ષતામાં ખાડીપુર નિવારણ માટે લાંબા અને ટુંકા ગાળા અલગ – અલગ આયોજનો હાથ ધરવામાં આવ્યા છે. જે પૈકી પ્રારંભિક તબક્કામાં ખાડીઓના કિનારે ઉભા કરવામાં આવેલ ગેરકાયદેસર એપાર્ટમેન્ટ અને મિલ્કતોનાં ડિમોલીશન માટેનો તખ્તો તૈયાર કરવામાં આવ્યો હતો.
વરાછા ઝોનમાંથી પસાર થતી ખાડીઓ કિનારે ગેરકાયદેસર રહેણાંક અને ઔદ્યોગિક એકમોથી ધમધમતી મિલ્કતો વિરૂદ્ધ પણ તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી હતી. હાલમાં જ કરંજમાં કોયલી ખાડી પર જવાહર નગરમાં ઉધના ઝોન દ્વારા 50 પૈકી 6 મિલ્કતોનું ડિમોલીશન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આજે વહેલી સવારથી બુટભવાની રોડ પાસે પસાર થતી ખાડી કિનારા પર તાણી દેવામાં આવેલી 20 મિલ્કતોનાં ડિમોલીશનનો તખ્તો તૈયાર કરવામાં આવ્યો હતો.
બે વખત નોટિસ આપ્યા છતાં મિલ્કતદારો દ્વારા વસવાટ ખાલી નહીં કરતાં તંત્રે આજે સવારથી જ મિલ્કતને જમીનદોસ્ત કરવાનું શરૂ કરતાં એક તબક્કે મિલ્કતદારો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જો કે, પોલીસ બંદોબસ્તની હાજરીમાં બપોર સુધીમાં તંત્ર દ્વારા મોટા ભાગની ગેરકાયદેસર મિલ્કતોનાં ડિમોલીશનની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી હતી.