Comments

બંધારણમાં સ્વીકૃત “બંધુત્વ”ની ભાવનાનો વ્યવહારમાં અમલ કરવાની જરૂર છે

ઑગસ્ટ એ આઝાદીની લડતનો મહિનો છે. ૧૫ ઑગસ્ટે વધુ એક સ્વતંત્રતા દિવસ ઉજવાશે. કોઈ પણ લડતમાં જેમ સામ-સામા લડનારા હોય છે તેમ લડતમાં સાથ આપનારા સાથીદારો પણ હોય છે. લડત પછી આ સાથીઓને સાથે રાખવા જરૂરી છે. માટે જ સ્વતંત્ર ભારતના બંધારણના આમુખમાં લોકશાહીની આત્મારૂપ અગત્યના માનવ મૂલ્યો રજૂ કરાયા છે. જેમાં સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ મુખ્ય ત્રણ છે. ફ્રાંસની રાજ્ય ક્રાંતિ વખતે પણ આ ત્રણ આદર્શો ચર્ચામાં આવ્યા હતા.

આપણે જાહેર જીવનમાં રાજકીય ચર્ચાઓમાં બંધારણના મુલ્યો તરીકે સ્વતંત્રતા અને સમાનતાની જેટલી ચર્ચા કરીએ છીએ તેટલી બંધુત્વની ચર્ચા કરતા નથી. આજના ખાનગીકરણ અને વ્યાપારીકરણના યુગમાં સંબંધોમાં પણ નફા ખોટ ગણતો થઇ ગયો છે અને જ્ઞાતિ જાતિના ધર્મના સ્વાર્થમાં ઘણી વખત આપણે ભાન ભૂલી જઈએ છીએ ત્યારે બંધુત્વની ભાવના વધુ સબળ બને તે માટે કામ કરવાની, તેની વ્યાપક ચર્ચા કરવાની જરૂર છે.

ભારતીય સંસ્કૃતિમાં “વસુધૈવ કુટુમ્બકમ”નો વિચાર વેદકાળથી છે. આ સમગ્ર વિશ્વને એક કુટુંબ માનો તો તેમાં રહેતા સૌ એક જ પરિવારના સભ્યો જ થયા અને એકબીજાના ભાઈ બહેન જ થયા. બંધારણની કલમ 51 અ મુજબ નાગરિકોના કર્તવ્યમાં સ્વીકારાયું છે કે દેશના તમામ નાગરીકો ભાષા, ધર્મ અને જાતિના વાડામાંથી ઉપર ઉઠીને એક બીજા પ્રત્યે પ્રેમ અને સદભાવ રાખે મતલબ કે એક બીજાના ધર્મ જાતી વ્યવસાય ભાષાનું સન્માન કરે અને એક બીજાને સુખ દુઃખમાં મદદ રૂપ થાય. ભાતૃત્વ અને પરિવાર ભાવના એ શબ્દો આમ તો સરળ છે અને તેનો બહુ સહજતાથી લેખમાં અને પ્રવચનમાં ઉપયોગ થઇ શકે છે પણ તે ખરા અર્થમાં નિભાવવા અઘરા છે. આજના ગણતરીના જમનામાં કુટુંબના, લોહીના સંબંધવાળા પરિવારજનો આ ભાવના નથી પાળતા તો બીજા ધર્મ, જાતિના લોકો માટે ક્યાંથી પાળે? ભારતમાં વેદકાળમાં આશ્રમ વ્યવસ્થામાં એક નિયમ હતો કે શક્તિ મુજબ કામ કરવું અને જરૂરીયાત મુજબ વપરાશ કરવો.

આ જ ભાવના આપણી કુટુંબ વ્યવસ્થાના પાયામાં હતી. જરા ધ્યાનથી જુઓ સયુંક્ત કુટુંબમાં વૃદ્ધો અને બાળકો કમાણી કરતા નથી, યુવાવર્ગ મહેનત કરે છે કમાણી કરે છે અને સૌનું ગુજરાન ચલાવે છે. આજે જે વૃદ્ધો છે તેમને યુવાન હતા ત્યારે કામ કરેલું અને આજે જે કામ કરે છે તે યુવાનો તે સમયે બાળકો હતા. હવે આજે જે બાળકો છે તે કાલે યુવાન થશે અને આજના યુવાનો વૃદ્ધ થશે તેમનું પાલન કરશે. આ આદર્શ સતત જળવાય તો જ આ વ્યવસ્થા સુચારુ રૂપે ચાલે આમાં ક્યાય કોઈ નિયમ તોડે તો આખી વ્યવસ્થા હલબલી ઉઠે.

બીજું ઉદાહરણ જુઓ. ઘરમાં ગાડી, સ્કૂટર, ટીવી, પેન, ખોરાક જેવી અનેક વસ્તુઓ કોણ ખરીદે છે તે જોવાતું નથી. તે સૌની માલિકીની છે અને સૌ પોતાની જરૂરીયાત મુજબ તેનો ઉપયોગ કરે છે. જ્યારથી ઘરમાં વસ્તુઓની વ્યક્તિગત માલિકી અને વપરાશ નિયંત્રિત થાય છે ત્યારથી ઘરમાં કકળાટ વધે છે. મારું સ્કૂટર તારે નહીં અડવાનું, આ ટીવી અમે લાવ્યા છીએ તમારા માટે નથી. આખા ઘરને હું એકલો ઓછો ખવડાવું. આવા વાક્યો વધે અને પરિવાર ભાવના ઘટે બસ આજ રીતે દેશના બંધુત્ત્વને પણ સમજો. એક બીજાને મોકલશું આપો એક બીજાના ગમા અણગમાનો વિચાર કરો સાથે સાથે બીજાને ખાવા મળ્યું? બીજાને સારવાર મળી, બીજાની તક આપણે તો નથી છીનવી લીધી ને?

ભાઈ હોવાનો મતલબ છે ભાઈના ક્ષેમ કુશલની ચિંતા કરવી, તેને થયેલો અન્યાય પોતાને થયેલો અન્યાય ગણવો. પરિવારમાં કોઈ અવસાન થાય અને સૌ ને દુ:ખ થાય તેવું જ દુ:ખ દેશમાં દુર્ઘટના બને અને નિર્દોષ મૃત્યુ પામે ત્યારે આપણને થવું તે ભાતૃત્વ. આ સંદર્ભે વિચારીએ તો દેશમાં ભાતૃત્વની ભાવના ઘટતી જાય છે. પરિવાર ભાવનાની ઉણપ વર્તાય છે. મારે શું? મને શું મળેની બજારુ વિચારધારા મોટી થતી જાય છે. ગરીબો અને વંચિતોને શિક્ષણ ના મળે, આરોગ્યની સુવિધા ના મળે, ન્યાય ના મળે તો સમાજના ઉચ્ચ મધ્યમ વર્ગનું રુવાડુય ફરકતું નથી.

કાશ્મીરથી કન્યાકુમારી, ગુજરાતથી આસામ સુધી ભારત એક છે તેમ કહેવું સહેલું છે પણ તેમાં રહેતા ભારતીઓ એક પરિવારના સભ્યો છે તેવું આપણા જાહેર વર્તનમાં દેખાતું નથી .ઉલટાનું આપણે એક બીજાના બજેટ પડાવી લઈએ છીએ. નોકરીઓ છીનવી લઈએ છીએ. અખબારો ચેનલો ક્યાં રાજ્યના કેટલા મંત્રી બન્યા તેવા સમાચાર અગર સ્થાને છાપે છે તેમાં ભાતૃત્વ ક્યાં મોટું થાય. ખાનગીકરણ અને વધુ પડતી વેપાર વૃત્તિ એ જાહેર સેવાઓમાં લુંટ ચાલુ કરી છે જાણે ભાઈ જ ભાઈ ને છેતરી રહ્યો છે. આ રાષ્ટ્રના સંસાધનો જ્યારે સૌના હિત માટે વપરાય ત્યારે ખરી ભાતૃત્વની ભાવના વિકસી કહેવાય. આશા રાખીએ આ દિશામાં કાઈ વિચારાય.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top