બળાત્કારના કેસમાં હસનના ભૂતપૂર્વ સાંસદ પ્રજ્વલ રેવન્નાને આજીવન કેદની સજા કોર્ટે ફટકારી છે. કોર્ટે 1 ઓગસ્ટના રોજ ભૂતપૂર્વ સાંસદને બળાત્કાર, જાતીય શોષણ, ધાકધમકી અને ડિજિટલ ગુનાઓના ગંભીર કેસમાં દોષિત ઠેરવ્યા હતા. આજે કોર્ટે બે કેસમાં આજીવન કેદ અને અન્ય કેસોમાં કુલ 11 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ સમગ્ર રકમ પીડિતાને વળતર તરીકે આપવામાં આવશે. સજા આજે તા. 2 ઓગસ્ટથી અમલમાં આવી છે.
પ્રજ્વલ રેવન્ના સામે નોંધાયેલા બળાત્કારના કેસમાં કોર્ટમાં સાડીને એક મહત્વપૂર્ણ પુરાવા તરીકે રજૂ કરવામાં આવી હતી . એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે ભૂતપૂર્વ સાંસદે ઘરેલુ નોકરાણી પર એક વાર નહીં પરંતુ બે વાર બળાત્કાર કર્યો હતો. પીડિતાએ આ ઘટનાનો વીડિયો પણ રેકોર્ડ કર્યો હતો અને તેની પાસે સાડી પણ હતી, જેને તેણે પુરાવા તરીકે રાખી હતી. તપાસ દરમિયાન સાડી પર રેવન્નાના શુક્રાણુના નિશાન મળી આવ્યા હતા, જેનાથી કેસ વધુ મજબૂત બન્યો હતો. આ સાડીને કોર્ટમાં નિર્ણાયક પુરાવા તરીકે રજૂ કરવામાં આવી હતી.
પ્રજ્વલ રેવન્ના વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (IPC) અને IT એક્ટની અનેક કલમો હેઠળ આરોપો ઘડવામાં આવ્યા હતા. કોર્ટે હવે સજાની જાહેરાત કરી છે.
તપાસ ટીમે 123 પુરાવા એકત્રિત કર્યા
મૈસુરના કેઆર નગરની એક ઘરેલું સહાયકની ફરિયાદ પર પ્રજ્વલ રેવન્ના વિરુદ્ધ સીઆઈડી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો હતો. એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે પૂર્વ સાંસદે પીડિતા પર બળાત્કાર કર્યો હતો અને આ કૃત્યનો વીડિયો પણ રેકોર્ડ કર્યો હતો. આ કેસની તપાસ સીઆઈડીની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા કરવામાં આવી હતી, જેણે લગભગ 2,000 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. તપાસ દરમિયાન, ટીમે કુલ 123 પુરાવા એકત્રિત કર્યા હતા.
સાત મહિનામાં ટ્રાયલ પૂર્ણ થઈ
આ તપાસ CID ઇન્સ્પેક્ટર શોભા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી. આ કેસની સુનાવણી 31 ડિસેમ્બર 2024 ના રોજ શરૂ થઈ હતી, જેમાં કોર્ટે 23 સાક્ષીઓની જુબાની નોંધી હતી. આ ઉપરાંત, કોર્ટે વિડીયો ક્લિપ્સના ફોરેન્સિક રિપોર્ટ અને સ્થળના નિરીક્ષણ રિપોર્ટની પણ સમીક્ષા કરી હતી. ટ્રાયલ માત્ર સાત મહિનામાં પૂર્ણ થઈ હતી અને બંને પક્ષોની દલીલો સાંભળ્યા પછી, સ્પેશિયલ જજ સંતોષ ગજાનન ભટ્ટે પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો.
રેવન્નાએ શું કહ્યુ?
જનતા દળ (સેક્યુલર) પાર્ટીમાંથી હસન લોકસભા ક્ષેત્રના પૂર્વ સાંસદ 34 વર્ષીય પ્રજવલ્લા રેવન્નાને કોર્ટે દોષિત ઠેરવ્યા બાદ પ્રતિક્રિયા સામે આવી છે. રેવન્નાએ કહ્યું કે, તેની એકમાત્ર ભૂલ રાજકારણમાં ઝડપથી આગળ વધવાની હતી. જનતા દળ સેક્યુલરના સસ્પેન્ડેડ નેતા અને ભૂતપૂર્વ સાંસદ રેવન્ના પર તેમના ફાર્મ હાઉસમાં કામ કરતી મહિલાએ બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. આ સાથે તેની સામે વધુ ત્રણ કેસ નોંધાયા હતા.