ઝઘડિયાઃ ચાર દિવસ પહેલા વેલસ્પન કંપનીમાં કલરકામ કરનાર કામદાર સેફ્ટીના અભાવે નીચે પડતા કરુણ મોત નીપજ્યા બાદ ફરી શુક્રવારે થર્મેક્સ કંપનીમાં 46 વર્ષીય કામદારને નીચે પડતા તેઓનું મોત નીપજ્યું હતું. ઔદ્યોગિક વસાહતોમાં કામદાર પરિવાર માટે રોજીરોટી માટે નોકરીએ આવતા હોય ત્યારે અનાયાસે મોટી દુર્ઘટના બાદ આખરે ઘરે તેમનો મૃતદેહ આવતા ચિંતાનો વિષય બની ગયો છે.
- ઝઘડિયા GIDCમાં એક થર્મેક્સ કંપનીમાં ઊંચાઈ પરથી 46 વર્ષના કામદારનું કરુણ મોત,સલામતી પર વેધક પ્રશ્નાર્થ
- થર્મેક્સ કંપનીના વેર હાઉસમાં ગાડી પર મુકેલ હાઈડ્રોલિક પાંજરામાંથી લપસતા એક કામદારનું મોત, એકને ઇજા
તા.1લી ઓગસ્ટના રોજ સવારે 10.45 વાગ્યાની આસપાસ ઝઘડિયા GIDCમાં આવેલ થર્મેક્સ કંપનીમાં કામદાર 46 વર્ષીય મયુરકુમાર મણીલાલ પટેલરહે-કુરલા,તા-ભરૂચએ વેર હાઉસ ખાતે ગાડીમાં હાઈડ્રોલિક પાંજરામાં ઉભા રહીને સામાનનો સ્ટોક ગણતા હતા.એ વેળા અચાનક પાંજરું નામી જતા ઉપર ઉભેલા મયુર પટેલ તેમજ તેમની સાથેના નિગમભાઈ સિંહ બંને જણા નીચે પડી ગયા હતા.
પાંજરાની હાઈટ વધારે હોવાથી મયુરકુમાર પટેલને પડતા ગંભીર રીતે ઘાયલ થતા ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો. જયારે તેમની સાથેના નિગમભાઈને પણ ઈજા થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જે બાબતે ઝઘડિયા GIDC પોલીસે જાણવા ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે કે ઝઘડિયા GIDCમાં માત્ર ચાર દિવસમાં અલગ અલગ કંપનીમાં બે સ્થાનિક કામદારોનું મોત થવાની ઘટના બની છે. કામદારોને સલામતી અને સેફટીનાં પ્રશ્ન ક્યાંક બેદરકારી હોય એમ લાગે છે. જેને લઈને સ્થાનીકોમાં નારાજગી ઉદ્દભવી રહી છે.