Editorial

જો મોદી ડોનાલ્ડ ટ્રમ્પ સામે ઝૂકતા જણાશે તો ભારતના મતદારો તેમને પાઠ ભણાવશે

અમેરિકાના હ્યુસ્ટનમાં સપ્ટેમ્બર, ૨૦૧૯માં ‘હાઉડી મોદી’ કાર્યક્રમમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્યાર પછીનાં વર્ષે યોજાનારી અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ‘અબકી બાર ટ્રમ્પ સરકાર’ સૂત્ર આપ્યું હતું. હ્યુસ્ટન કાર્યક્રમ પછીનાં બીજાં જ વર્ષે વડા પ્રધાન મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પને અમદાવાદ આવવાનું આમંત્રણ આપ્યું. મોટેરા સ્ટેડિયમમાં યોજાયેલા ભવ્ય કાર્યક્રમમાં બંને નેતાઓએ એકબીજાની ખૂબ પ્રશંસા કરી હતી. ડોનાલ્ડ ટ્રમ્પે મોદીને એક મહાન દેશના મહાન નેતા પણ કહ્યા હતા. આ વર્ષની શરૂઆતમાં જ્યારે ટ્રમ્પે તેમના બીજા કાર્યકાળ માટે પદ સંભાળ્યું ત્યારે મોદી તેમને મળનારા ચોથા નેતા હતા.

આ મુલાકાતમાં પણ ડોનાલ્ડ ટ્રમ્પે તેમને મહાન મિત્ર ગણાવ્યા હતા. હવે ભારત પર ૨૫ ટકા ટેરિફની જાહેરાત કરતી વખતે ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને કોથળીમાં પાંચ શેરીનો ઘા માર્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને મિત્ર દેશ ગણાવ્યો છે, પરંતુ સાથે ફરિયાદ પણ કરી કે કોઈપણ દેશ સાથે વેપાર કરવા માટે ભારતમાં સૌથી મુશ્કેલ વેપાર અવરોધો છે. આ પહેલાં તેમણે ઘણી વખત ભારતને ટેક્સ કિંગ કહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પના આ ટેરિફને કારણે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના મિત્ર છે, એવો વહેમ ઓગળી જવો જોઈએ. આંતરરાષ્ટ્રીય રાજકારણમાં કોઈ કોઈનું મિત્ર હોતું નથી. જ્યારે દેશના સ્વાર્થની વાત આવે છે ત્યારે વેપાર વેપારને ઠેકાણે રહે છે અને મિત્રતાની વાતો હવામાં ઓગળી જતી હોય છે.

ડોનાલ્ડ ટ્રમ્પે માત્ર ભારત પર ટેરિફ વિશે વાત કરી નથી, પરંતુ રશિયા પાસેથી ખનિજ તેલ ખરીદવા પર દંડ લાદવાની પણ વાત કરી છે, જે વધુ ગંભીર બાબત છે. આનાથી મામલો જટિલ બન્યો છે. ભારતે કોની પાસેથી ખનિજ તેલ ખરીદવું અને કોની પાસેથી ન ખરીદવું, તેનો નિર્ણય અમેરિકાએ નહીં પણ ભારતે કરવાનો છે. વિદેશી અને વ્યૂહાત્મક બાબતો પર સંશોધન કરતી સંસ્થા અનંતા સેન્ટરના સીઈઓ ઈન્દ્રાણી બાગચીએ જણાવ્યું કે રશિયા સાથેના વેપારને કારણે ભારતને દંડ થશે. આ ઉપરાંત, બ્રિક્સ દેશો પર વધારાના ટેરિફની પણ ચર્ચા થઈ રહી છે. અમેરિકા દ્વારા ભારત પર વધારાનો ૧૦ ટકા ટેરિફ લાદવામાં આવ્યો છે, જેને કારણે હકીકતમાં ૩૫ ટકા ટેરિફ થશે, જેની હાનિકારક અસર ભારત અને અમેરિકાના વેપાર પર પડ્યા વિના રહેશે નહીં.

ગયાં વર્ષે ભારત અને અમેરિકા વચ્ચે ૧૨૯.૨ અબજ ડૉલરનો વેપાર થયો હતો, જેમાંથી ભારતની નિકાસ ૮૭.૪ અબજ ડૉલર હતી. એ વાત ચોક્કસ છે કે ૧ ઓગસ્ટથી અમેરિકામાં ભારતીય નિકાસ મોંઘી થશે. આ આપણા અર્થતંત્ર માટે એક મોટો ફટકો હશે. ભારતના ફાર્મા ક્ષેત્ર, જેમ્સ અને જ્વેલરી, સ્ટીલ, એલ્યુમિનિયમ અને કાપડ ઉદ્યોગોને અસર થશે. જોકે, નિષ્ણાતોમાં એ વાત પર મતભેદ છે કે ટેરિફની ભારતની નિકાસ પર ખાસ અસર નહીં પડે. ઈન્દ્રાણી બાગચી કહે છે કે ભારતીય અર્થતંત્રના કદને જોતાં આ કોઈ મોટો ફટકો નથી અને ભારત અન્ય બજારોમાં પ્રવેશ મેળવીને તેની ભરપાઈ કરશે. ભારતે બ્રિટન સાથે મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ વર્ષના અંત સુધીમાં યુરોપિયન યુનિયન સાથે પણ આવો જ કરાર થવાની અપેક્ષા છે. ચીન અને વિયેતનામ જેવા નિકાસ-આધારિત અર્થતંત્રોની તુલનામાં ભારત પર ટેરિફની અસર ઓછી હશે.

અમેરિકાએ રશિયા સાથેના વેપાર સંબંધો સમાપ્ત કરવા માટે ભારતની જેમ ચીન ઉપર પણ દબાણ વધાર્યું છે અને ચેતવણી આપી છે કે જો ચીન રશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખશે તો તે ટેરિફમાં નોંધપાત્ર વધારો કરશે. ચીનના વિદેશ મંત્રાલયે પ્રતિક્રિયા આપતા કહ્યું કે ચીન હંમેશા તેના રાષ્ટ્રીય હિતોને અનુરૂપ ઊર્જાનો પુરવઠો સુનિશ્ચિત કરશે. બળજબરી અને દબાણ દ્વારા કંઈ પ્રાપ્ત થશે નહીં. ચીન તેના સાર્વભૌમત્વ, સુરક્ષા અને વિકાસ હિતોનું નિશ્ચિતપણે રક્ષણ કરશે. ભારત તરફથી અત્યાર સુધી કોઈ સંઘર્ષાત્મક પ્રતિક્રિયા આવી નથી. અમેરિકાની અર્થવ્યવસ્થા ભારતની અર્થવ્યવસ્થા કરતાં ઘણી મોટી છે. આ કારણે રશિયા સાથેના વેપાર બાબતમાં ભારત અમેરિકા સાથે ટકરાવ ઇચ્છશે નહીં, પરંતુ રસ્તો શોધવાનો પ્રયાસ કરશે.

છેલ્લા ઘણા મહિનાઓથી બંને દેશો વચ્ચે દૂતાવાસ સ્તરે અને અન્ય ઉચ્ચ સ્તરે વેપાર કરાર બાબતમાં વાતચીત ચાલી રહી હતી, પરંતુ ટ્રમ્પે આ વાતચીતની સમાપ્તિના બે દિવસ પહેલાં જ ભારત પર ૨૫ ટકા ટેરિફ નાખવાની જાહેરાત કરી તે આશ્ચર્યજનક છે. ભારતે અત્યાર સુધી વેપાર સોદામાં તેના કૃષિ અને ડેરી ક્ષેત્રને સુરક્ષિત રાખવા માટે મજબૂત વલણ અપનાવ્યું છે અને ભવિષ્યમાં પણ તેણે આવી જ મજબૂતાઈ બતાવવી પડશે. અમેરિકાની ઇચ્છા ભારતમાં મોટા પાયે દૂધ અને દૂધની બનાવટોની નિકાસ કરવાની છે પણ અમેરિકામાં ગાયોને માંસાહાર કરાવવામાં આવતો હોવાથી ભારત આ બનાવટોની આયાત કરવા તૈયાર નથી.

જો અમેરિકાની ડેરી પ્રોડક્ટની ભારતમાં આયાત કરવામાં આવે તો શાકાહારી સમાજ તેનો વિરોધ કરે તેમ છે. ભારતનો આગ્રહ છે કે અમેરિકાથી જે ડેરી પદાર્થોની નિકાસ કરવામાં આવે તેમાં એવું સર્ટિફિકેટ હોવું જોઈએ કે દૂધ આપનારી ગાયને કોઈ માંસાહારી પદાર્થ ખવડાવવામાં આવ્યો નથી. અમેરિકામાં લગભગ તમામ ગાયોને માંસાહાર કરાવવામાં આવતો હોવાથી આવું સર્ટિફિકેટ આપવું શક્ય જ નથી. વળી અમેરિકા ભારતમાં જીએમ ફૂડની નિકાસ કરવા માગે છે, જેના માટે ભારત સરકાર તૈયાર નથી.

ભારત અમેરિકન માલ પર સૌથી વધુ ટેરિફ લાદતા દેશોમાંનો એક છે. અમેરિકાથી કરવામાં આવતી આયાત પર ભારત સરેરાશ ૧૭ ટકા ટેરિફ લાદે છે. બીજી તરફ, ૨ એપ્રિલ પહેલાં ભારતથી થતી આયાત પર અમેરિકાનો ટેરિફ ફક્ત ૩.૩ ટકા હતો. ૧૯૯૦-૯૧ સુધી ભારતમાં સરેરાશ ટેરિફ દર ૧૨૫ ટકા હતો. ઉદારીકરણ પછી, તેમાં ઘટાડો થતો રહ્યો છે. ૨૦૨૪ માં ભારતનો સરેરાશ ટેરિફ દર ૧૧.૬૬ ટકા હતો. ભારત સરકારે ૧૫૦ ટકા, ૧૨૫ ટકા અને ૧૦૦ ટકાના ટેરિફ દરો નાબૂદ કર્યા છે.

ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી રાષ્ટ્રપતિ બન્યા પછી ભારત સરકારે ટેરિફ દરોમાં ઘટાડો કર્યો છે. ભારતમાં અગાઉ અમેરિકાની લક્ઝરી કાર પર ૧૨૫ ટકા ટેરિફ હતો, જે હવે ઘટાડીને ૭૦ ટકા કરવામાં આવ્યો છે. ભારતથી અમેરિકામાં નિકાસ થતાં ઉત્પાદનો મુખ્યત્વે ભારતનાં ૩૦ ક્ષેત્રોમાંથી આવે છે, જેમાંથી છ કૃષિ ક્ષેત્રના અને ૨૪ ઉદ્યોગ ક્ષેત્રના છે. ભારતની સૌથી મોટી ઔદ્યોગિક નિકાસ ફાર્મા ઉદ્યોગની હતી, જેનું કદ લગભગ ૧૩ અબજ ડૉલરનું છે. અગાઉ ફાર્મા ઉદ્યોગને આ ટેરિફમાંથી મુક્તિ આપવામાં આવી હતી. હવે જો ફાર્મા ઉદ્યોગ પર પણ ૨૫ ટકા ટેરિફ લાદવામાં આવશે તો ભારતના ફાર્મા ઉદ્યોગને ફટકો પડ્યા વગર રહેશે નહીં.

જો ડોનાલ્ડ ટ્રમ્પ ખનિજ તેલના મુદ્દા પર આગ્રહ રાખે તો ભારત આ મુદ્દા પર નમતું જોખવા તૈયાર થઈ ગયું છે. નમતું જોખવાનો અર્થ એ છે કે હાલમાં ભારત તેની કુલ તેલ આયાતના ૪૦ ટકા રશિયા પાસેથી ખરીદી રહ્યું છે પણ ટ્રમ્પની શરતનું પાલન કરવા માટે તેને ઘટાડીને ૨૦ ટકા કરવું પડશે. ભારતના પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ આ મહિને આ અંગે સંકેત પણ આપ્યો હતો. હરદીપ સિંહ પુરીએ નવી દિલ્હીમાં આયોજિત એનર્જી ડાયલોગ ૨૦૨૫માં કહ્યું હતું કે અમે કોઈપણ પ્રકારના દબાણ હેઠળ નથી. ભારતની ખનિજ તેલની આયાતનીતિ કોઈપણ દેશ પર નિર્ભર નથી. અમે સમગ્ર મામલા અંગે કોઈપણ રીતે ચિંતિત નથી. જો કંઈક થશે, તો અમે તેને સંભાળીશું. એટલે કે, હરદીપ સિંહ પુરી કહે છે કે ભારત પાસે ખનિજ તેલનો પુરવઠો રશિયા પાસેથી ખરીદવા ઉપરાંત અન્ય વિકલ્પો પણ છે, પરંતુ સંરક્ષણ પુરવઠા અંગે ભારત શું કરશે?

આ સૌથી મોટો મુદ્દો છે. ભારત લશ્કરી સાધનોની ખરીદી અંગે ટ્રમ્પની ધમકી સામે ઝૂકશે નહીં. વાસ્તવમાં, ડોનાલ્ડ ટ્રમ્પ ઇચ્છે છે કે ભારત રશિયાને બદલે અમેરિકા પાસેથી લશ્કરી સાધનો ખરીદે. ભારત આવું નહીં કરે, કારણ કે રશિયા માત્ર લશ્કરી સાધનો જ નથી આપતું પણ તેની ટેકનોલોજી પણ આપે છે. અમેરિકા ટેકનોલોજી આપતું નથી. બીજી વાત એ છે કે ભારતના સામાન્ય લોકોનો મૂડ ખાસ કરીને ઓપરેશન સિંદૂર પછી ડોનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકા પ્રત્યે નકારાત્મક બની રહ્યો છે. લોકશાહી દેશમાં કોઈપણ સરકાર સંપૂર્ણપણે જાહેર અભિપ્રાયની વિરુદ્ધ જઈ શકતી નથી. જો ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભારતની જનતાની ભાવનાથી વિરુદ્ધ જઈને ડોનાલ્ડ ટ્રમ્પ સામે ઝૂકતા જણાશે તો ભારતના મતદારો તેમને પાઠ ભણાવ્યા વગર રહેશે નહીં.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top