મિસ્ટર કપૂર ખૂબ જ સફળ બિઝી બિઝનેસમેન હતા, એકદમ શૂન્યમાંથી સર્જન કર્યું હતું અને પોતાની સફળતા વિશે મોટીવેશનલ સેમિનારમાં ગેસ્ટ સ્પીકર તરીકે સ્પીચ આપતા અને અને મોટીવેશનલ બ્લોગ પણ લખતા હતા.
ભાગ્યે જ કોઈ પાર્ટીમાં હાજરી આપતા મિસ્ટર કપૂરે પોતે એક દિવસ સાંજે નાનકડી નજીકના મિત્રોની મહેફિલ ગોઠવી અને સમયસર બધાને આવકારવા તૈયાર હતા.
બધા મિત્રો આવી ગયા, એક મિત્રએ તો આવતાની સાથે જ પૂછ્યું, ‘બિઝી બિઝનેસમેન મિસ્ટર કપૂર તો કોઈ પાર્ટીમાં આવવાનો સમય નથી ને આજે આ પાર્ટી તેમના તરફથી શું વાત છે?’ મિસ્ટર કપૂર બોલ્યા, ‘દોસ્ત આ પાર્ટી નથી, નજીકના દોસ્તોની મહેફિલ છે જેમના માટે હું બિઝનેસમેન મિસ્ટર કપૂર નથી તેમનો મિત્ર છું. મેં પહેલીવાર આવી કોઈ ગોઠવણ કરી છે તેનું ખાસ કારણ છે.’ બધા મિત્રો કારણ જાણવા આતુર બન્યા. મિસ્ટર કપૂરે કહ્યું, ‘પાર્ટીનું કારણ છે મારે રિચાર્જ થવું છે.’ મિત્રો હસ્યા, એક મિત્રે હસતા હસતા કહ્યું, ‘દોસ્ત, મોબાઈલ કે લેપટોપને રિચાર્જ કરવાના હોય તારે રિચાર્જ થવું છે એટલે વળી શું?’
મિસ્ટર કપૂરે હસીને જવાબ આપ્યો, ‘હા આપણે બધા આપણા નાના-મોટા દરેક ઈલેક્ટ્રોનિક ગેજેટ્સને યાદ રાખીને બરાબર રિચાર્જ કરીએ છીએ પણ પોતાને રિચાર્જ કરવાનું વિચારતા પણ નથી. આ ખોટું છે, પોતાને રિચાર્જ કરતા રહેવું જોઈએ.’ એક સ્ત્રી મિત્ર બોલી, ‘શું આ રિચાર્જ થવું એટલે શું કોઈ નવી ટ્રીટમેન્ટ છે?’ મિસ્ટર કપૂરે કહ્યું, ‘હા, ટ્રીટમેન્ટ નહીં પણ મેં શોધેલી ખુદને રિચાર્જ કરવાની ટેકનીક છે. આપણે બધા બીઝી લાઈફ જીવીએ છીએ અને સતત કામના બોજા હેઠળ અને સાથે આવતા સ્ટ્રેસથી ઘેરાયેલા રહીએ છીએ. આપણે સતત દોડીએ છીએ, કંટાળીએ છીએ, થાકીએ છીએ છતાં અટકતા નથી.
દોડવાનું છોડતાં નથી અને એટલે ઘણું બધું પાછળ રહી જાય છે કદાચ આપણે પોતે પણ પોતાને શું ગમે છે? મનગમતું શું છે? કોની સાથે સમય વિતાવવો ગમે છે? એ બધું વિચારવાનો સમય જ નથી. આ થાકેલા મનને ફરી રિચાર્જ કરવાની ટેકનીક મેં શોધી લીધી છે. તે ટેકનીક છે ‘ખુદને રિચાર્જ કરો’ મિત્રોને રસ પડ્યો એક જણે પૂછ્યું, ‘શું ટેકનીક છે એમાં શું કરવાનું?’ મિસ્ટર કપૂરે કહ્યું, ‘અઠવાડિયામાં કે મહિનામાં એક દિવસ રજાનો નહીં પણ રીચાર્જનો પણ રાખવો.
શું કરવું તેનો કોઈ નિયમ કે માપદંડ નથી પણ ખુદને રિચાર્જ કરવા ખુદની અંદર જોઇને શોધવું કે તમને શું ગમે છે તે પ્રવુત્તિઓ કરવી. દાખલા તરીકે મને પ્રકૃતિ ગમે છે, મિત્રોની મહેફિલ ગમે છે, એક ગરમ કપ કોફી અને પુસ્તક વાંચવું ગમે છે. વરસાદમાં ભીંજાવું અને ગરમ મકાઈ ખાવી ગમે છે. હું મને મનગમતું કોઇપણ એક કાર્ય મારા રિચાર્જ માટે કરું છું અને એટલે જ આજની મહેફિલ ગોઠવી છે. તમને જે ગમે તે તમે કરો અને જાતને રિચાર્જ કરતા રહો.’ મિસ્ટર કપૂરની વાત બધાને સમજાઈ ગઈ અને પછી તો મિત્રોની મહેફિલ જામી અને બધા એકમેકના સાથથી રિચાર્જ થયા. મનગમતું કઇંક ખાસ નાનું મોટું કાર્ય કરો અને ખુદને રિચાર્જ કરતા રહો.