National

પૂણેમાં હિંસાઃ શિવાજી મહારાજની પ્રતિમાની તોડફોડના વિરોધમાં મસ્જિદ પર પત્થરમારો

પૂણેઃ પૂણેમાં બે જૂથો વચ્ચે હિંસા ફાટી નીકળી છે. શિવાજી મહારાજની પ્રતિમાની તોડફોડ કરવાના મામલે મસ્જિદ પર પત્થરમારો થયો છે. બે જૂથો આમને સામને આવી ગયા છે. વાહનો સળગાવવામાં આવી રહ્યાં છે. સમગ્ર શહેરમાં તણાવની સ્થિતિ ઉદ્દભવી છે.

મહારાષ્ટ્રના પૂણેમાં આજે શુક્રવારે 1 ઓગસ્ટના રોજ હિંસા ફાટી નીકળી છે. અહીં દૌંડ તાલુકા સ્થિત યવત રેલવે સ્ટેશનના કેમ્પસમાં નીલકંઠેશ્વર મંદિરમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા છે. આ પ્રતિમાને ગઈ તા. 26 જુલાઈના રોડ તોડવામાં આવી હતી. જેના લીધે સ્થાનિક લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો.

આ ઘટનાના વિરોધમાં ગઈકાલે ભાજપના ધારાસભ્ય ગોપીચંદ પડલકરે યવતમાં કાર્યકરો સાથે બેઠક યોજી હતી અને રેલી કાઢી હતી. દરમિયાન આજે યવતમાં એક મસ્જિદ પર પથ્થરમારાનો બનાવ બન્યો હતો. આ પથ્થરમારાને કારણે વિસ્તારમાં તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ હતી. અથડામણ બાદ ઘટનાસ્થળે ભારે પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે.

હિન્દુ સંગઠનોનું કહેવું છે કે આ ઘટના બે સમુદાયો વચ્ચે તણાવ પેદા કરવાના હેતુથી જાણી જોઈને કરવામાં આવી છે. છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તોડવાની ઘટનાથી સમગ્ર હિન્દુ સમાજની ભાવનાઓને ઠેસ પહોંચી છે. આ કૃત્ય સામે કડક કાર્યવાહીની માંગણી સાથે યવત ગામ અને આસપાસના વિસ્તારના ગ્રામજનોએ ગામ સંપૂર્ણપણે બંધ રાખ્યું હતું અને જાહેરમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું.

હિન્દુ સંગઠનોનો આરોપ છે તે પ્રતિમા તોડવાની ઘટના બે સમુદાયો વચ્ચે નફરત ફેલાવવા માટે જાણી જોઈને કરવામાં આવી છે. આ ઘટનાના વિરોધમાં યવત અને આસપાસના ગામોમાં વિરોધ પ્રદર્શન થયા છે અને ગામ સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યા છે. લોકો કસૂરવારો સામે સખ્ત કાર્યવાહીની માંગણી કરી રહ્યાં છે.

પૂણેના એસપી સંદીપ સિંહ ગિલે કહ્યું કે, યવત ગામમાં બપોરે 12થી 12.30 વાગ્યા દરમિયાન પોલીસને જાણકારી મળી હતી કે એક યુવકે પોતાના વોટ્સએપ અને ફેસબુક પર વાંધાજનક સ્ટેટસ પોસ્ટ કર્યું છે. આ ફરિયાદ બાદ યુવકને પોલીસ સ્ટેશન લાવ્યા હતા અને તેની પર કાર્યવાહી શરૂ કરાઈ હતી. ત્યાર બાદ કેટલાંક ગ્રામજનો પોલીસ મથકે પહોંચ્યા હતા.

પોલીસની ટીમે ગામમાં શાંતિ બનાવી રાખવા ગામના અગ્રણીઓ સાથે બેઠકો શરૂ કરી છે. જોકે, યુવકનો મેસેજ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ચૂક્યો છે. તેથી લોકોની લાગણીને ઠેસ પહોંચી છે. તેથી લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. કેટલાંક યુવકોએ કેટલીક ઈમારતોને નુકસાન પહોંચાડવા પ્રયાસ કર્યો. આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. પોલીસે પેટ્રોલિંગ શરૂ કર્યું છે. હાલ સ્થિતિ નિયંત્રણમાં છે.

Most Popular

To Top