Godhra

પ્રેમસંબંધ મામલે યુવક યુવતીને માર મારવાનો વીડિયો વાયરલ, શહેરા પોલીસે ૧૦ આરોપીને ઝડપી પાડ્યા

બે યુવકોને ઝાડ સાથે બાંધીને માર મારવામાં આવ્યો હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો

પ્રતિનિધિ ગોધરા તા.01
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના તાડવા ગામે પ્રેમસંબંધના કારણે બે યુવકોને ઝાડ સાથે બાંધીને માર મારવામાં આવ્યો હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયોમાં યુવતીઓને પણ માર મારવામાં આવતો હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પંચમહાલ ગોધરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક આર.વી. અસારી અને પંચમહાલ ગોધરાના પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીએ તાત્કાલિક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે આ ઘટના શહેરા પોલીસ સ્ટેશન વિસ્તારના તાડવા ગામે બની હતી. વાયરલ વીડિયોમાં દેખાતા યુવકોની ઓળખ રયજીભાઈ ઉર્ફે રયલો પુનાભાઈ નાયક અને પિન્ટુ ભલાભાઈ નાયક બંને રહે. મીઠાપુર, તા. શહેરા તરીકે થઈ હતી. રયજીભાઈએ શહેરા પોલીસ સ્ટેશનમાં આવી પોતાની ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદમાં જણાવાયું હતું કે, રયજીભાઈ અને સાહેદનો વીડિયોમાં દેખાતી બે યુવતીઓ સાથે પ્રેમસંબંધ હતો અને તેઓ ઘરેથી ભાગીને મહેમદાવાદ, ખેડા ખાતે મજૂરી કરવા ગયા હતા. આ વાતની જાણ થતાં બંને યુવતીઓના સંબંધીઓ અર્જુનભાઈ ગોરાભાઈ નાયક ગામ તાડવા, ઈશ્વરભાઈ છગનભાઈ નાયક ગામ દરૂણીયા, મહેશભાઈ દેવાભાઈ નાયક ગામ મીઠાપુર અને તાડવા ગામના દસેક જેટલા અન્ય લોકો ઈકો ગાડી નંબર GJ-23 BL 3150 લઈને મહેમદાવાદ પહોંચ્યા હતા. ત્યાંથી તેઓએ બળજબરીપૂર્વક યુવક-યુવતીઓને ગાડીમાં ખેંચીને તાડવા ગામે લાવવામાં હતા.

તાડવા ગામે પહોંચ્યા બાદ તેમને આંબલીના ઝાડ સાથે દોરડાથી બાંધીને અપશબ્દો બોલવામાં આવ્યા હતા. સાથે તેમને ગડદાપાટુ અને લાકડાના ડંડા વડે બેફામ માર મારવામાં આવ્યો હતો. આ ઉપરાંત, તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવી હતી અને આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ બનાવવામાં આવ્યો હતો.

શહેરા પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ ઝડપી કાર્યવાહી કરીને આ કેસમાં સંડોવાયેલા કુલ ૧૦ આરોપીઓની ધરપકડ કરી છે. ગુનામાં વપરાયેલી ઈકો ગાડી નંબર GJ-23 BL 3150 પણ પોલીસે કબજે કરવામાં આવી છે.

Most Popular

To Top