સુરત: (Surat) આગામી તા.28મી ફેબ્રુઆરીએ ગુજરાતમાં રાજ્યવ્યાપી સ્તરે યોજાનારી ચૂંટણીને (Election) અનુલક્ષીને આજરોજ શુક્રવારે સાંજે 5 કલાકે ચૂંટણી પ્રચારના પડઘમ શમી ગયા હતા. રાજકીય પક્ષો તથા ઉમેદવારોને તેમનો ચૂંટણી પ્રચાર થંભાવી દેવાની ફરજ પાડવામાં આવી હતી. રવિવારે સુરત જિલ્લા પંચાયતની (Jilla Panchayat) કુલ 34 બેઠકો માટે યોજાનારા મતદાનમાં 89 હરીફો વચ્ચે જંગ ખેલાશે. 34 બેઠકો પૈકીની બે બેઠક, કામરેજ અને પીંજરત પર ભાજપના ઉમેદવાર સામે કોઇ હરીફ નહીં રહેતા અગાઉ બન્ને બેઠકો પર ભાજપાના ઉમેદવારોને બિનહરીફ વિજેતા ઘોષિત કરી દેવાયા છે.
જિલ્લા પંચાયત ઉપરાંત સુરત જિલ્લામાં આવેલી તાલુકા પંચાયતોની (Taluka Panchayat) કુલ 176 બેઠકો માટે 465 ઉમેદવારો મેદાનમાં છે. તાલુકા પંચાયતની વિવિધ 8 બેઠકો પર અગાઉ ઉમેદવારની પ્રક્રિયા દરમિયાન ભાજપના ઉમેદવારો સામે કોઇ હરીફ નહીં રહેતા તમામ આઠ બેઠકો પર ભાજપના ઉમેદવારોને બિનહરીફ ઘોષિત કરવામાં આવી ચૂક્યા છે. બિનહરીફ જાહેર થયેલી બેઠકોમાં ચોર્યાસી તાલુકા પંચાયતની હજીરા સીટ, ચોર્યાસી તાલુકા પંચાયતની કવાસ સીટ, ઓલપાડ તાલુકા પંચાયતની અરીયાણા, દાંડી, કદરામા, ઓલપાડ અને પીંજરત સીટ તેમજ બારડોલી તાલુકા પંચાયતની ખોજ સીટનો સમાવેશ થાય છે. કોરોનાની મહામારીને કારણે મતદાન મથકો પર ખાસ કોડ ઓફ કન્ડક્ટ લાગુ કરીને મતદાન કરાવવામાં આવશે.
સુરત જિલ્લામાં 210 મતદાન મથકો સંવેદનશીલ, 57 અતિસંવેદનશીલ જાહેર
સુરત જિલ્લામાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીના મતદાન માટે કુલ 1157 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. મતદાન મથકો પર આવતીકાલે મતદાન સામગ્રી સમેત પોલિંગ સ્ટાફ તેમજ સુરક્ષા અધિકારીઓ પહોંચી જશે. સુરત જિલ્લામાં કુલ 1157 મતદાન મથકો પૈકી 210 મતદાન મથકોને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે 56 મતદાન મથકોને અતિસંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે. આ બંને પ્રકારના મતદાન મથકો પર ચૂસ્ત પોલિસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવશે.
માંગરોળ તાલુકામાં 50 ટકા જેટલા મતદાન મથકો સંવેદનશીલ ઝોનમાં મૂકાયા
સુરત જિલ્લામાં માંગરોળ તાલુકામાં સૌથી વધુ 39 મતદાન મથકોને સંવેદનશીલ તેમજ 46 મતદાન મથકોને અતિસંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે. માંગરોળમાં કુલ 161 મતદાન મથકો છે. જેમાંથી 50 ટકા મતદાન મથકો સંવેદનશીલ કે અતિસંવેદનશીલ સ્ટેટસમાં મૂકાયા હોઇ, માંગરોળ તાલુકામાં મતદાન પૂર્વેથી જ ઘનિષ્ઠ પોલીસ બંદોબસ્ત મૂકી દેવામાં આવશે. એ સિવાય ઉમરપાડા તાલુકામાં કુલ 78 મતદાન મથકો પૈકી 19 સંવેદનશીલ અને 17 અતિસંવેદનશીલ મતદાન મથક તરીકે ઘોષિત કરવામાં આવ્યા છે. જ્યારે માંડવી, મહુવા, બારડોલી, પલસાણા, કામરેજ, ઓલપાડ, ચોયાર્સી તાલુકા પંચાયતોમાં એકપણ મતદાન મથક સંવેદનશીલ જાહેર કરાયું નથી.