Godhra

ગોધરાના ટુવાથી મહેલોલ તરફ જતો મુખ્ય માર્ગ ખખડધજ હાલતમાં હોવાથી વાહન ચાલકો ત્રાહિમામ

શ્રાવણ માસમાં દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓને મુશ્કેલીનો સામનો કરવાનો વારો

પ્રતિનિધિ ગોધરા તા.31
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ ટુવાથી મહેલોલ-વેજલપૂર તરફ જતો મુખ્ય માર્ગ હાલ ખખડધજ હાલતમાં છે. જેના કારણે વાહનચાલકો અને ખાસ કરીને શ્રાવણ માસમાં દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓ પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. આ માર્ગ પર ઠેર ઠેર પડેલા મસમોટા ખાડાઓ અકસ્માતોને નોતરી રહ્યા છે જેને લઈ સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

ગોધરાથી આશરે ૧૪ કિલોમીટર દૂર આવેલું ટુવા તેના પૌરાણિક ગરમ પાણીના ઝરણાં અને ધાર્મિક મહત્વ માટે જાણીતું છે. મહાભારતકાળથી જોડાયેલી ભીમકુંડની દંતકથા અને ઔષધીય ગુણધર્મો ધરાવતા પાણીને કારણે અહીં ગુજરાતભરમાંથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ આવે છે. ખાસ કરીને શ્રાવણ માસ દરમિયાન શિવભક્તોનો અવિરત પણે અહીં જોવા મળે છે.

વડોદરા, હાલોલ, કાલોલ અને વેજલપુર તરફથી આવતા શ્રદ્ધાળુઓ માટે ટુવા પહોંચવા માટેનો આ માર્ગ મુખ્ય કડી સમાન છે. આ ઉપરાંત, ટુવા-મહેલોલ માર્ગ આશરે ૧૦ જેટલા આસપાસના ગામોને જોડતો રસ્તો છે.
પરંતુ ચોમાસાની શરૂઆતની સાથે જ આ માર્ગ પરની સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. ઠેર ઠેર ઊંડા અને પહોળા ખાડાઓ પડી ગયા હોવાથી વાહનચાલકો માટે ભયાવહ સાબિત થઈ રહ્યા છે. વરસાદી પાણી ભરાઈ રહેતા આ ખાડાઓની ઊંડાઈનો અંદાજ મેળવવો મુશ્કેલ બને છે જેના કારણે દ્વિચક્રીય વાહનચાલકો અવારનવાર અંદર પડે છે અને ગંભીર અકસ્માતોનો ભોગ બને છે. ફોર-વ્હીલર વાહનોને પણ ખાડાઓના કારણે ટાયર ફાટવા, સસ્પેન્સનને નુકસાન થવું જેવી ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. શ્રદ્ધાળુઓ જેઓ દૂર-દૂરથી દર્શનાર્થે આવે છે તેમને પણ આ ખરાબ રસ્તાના કારણે ભારે હાલાકી વેઠવી પડે છે. વૃદ્ધો અને બાળકો માટે તો આ માર્ગ પરથી પસાર થવું યાતના સમાન બની ગયું છે. આ ખરાબ રસ્તાના કારણે વાહનોને નુકસાન થવાની સાથે અકસ્માતોનું જોખમ પણ વધે છે સમય અને ઇંધણનો વ્યય થાય છે. સ્થાનિક ગ્રામજનો અને વાહનચાલકોની તાત્કાલિક ધોરણે આ માર્ગનું સમારકામ કરવામાં આવે અને વાહનચાલકો તેમજ શ્રદ્ધાળુઓને પડતી હાલાકી દૂર થાય તેવી પ્રબળ માંગણી ઉઠી છે

Most Popular

To Top