ભારત સરકાર એક બાજુ રોજગારીની તકો વધારવાની વાત કરી રહી છે તો બીજી બાજુ રોબોટ અને AIને કારણે દુનિયાભરમાં રોજગારીની તકો ઘટી રહી છે અને બેકારી વધી રહી છે. ભારતની સૌથી મોટી IT કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) દ્વારા ૧૨,૦૦૦ કર્મચારીઓને છટણી કરવાની જાહેરાતથી ભારતીય IT ક્ષેત્રમાં ભારે હલચલ મચી ગઈ છે. TCS હાલમાં ૬.૧૩ લાખથી વધુ લોકોને રોજગારી આપે છે. ઉદ્યોગ નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે આ પગલાંથી IT ક્ષેત્રની અન્ય મુખ્ય કંપનીઓ તરફથી પણ આવી જ કાર્યવાહી થઈ શકે છે. TCSના CEO અને MD કે. કૃતિવાસનના મતે તબક્કાવાર નોકરીમાં કાપ સમગ્ર નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન લાગુ રહેશે.
TCSના ઇતિહાસમાં સૌથી મોટી છટણી કરવાનો નિર્ણય અનેક માળખાકીય પડકારો વચ્ચે આવ્યો છે. IT ક્ષેત્રમાં નફાનું પ્રમાણ ઘટી રહ્યું છે અને AIને કારણે કર્મચારીઓમાં જે કૌશલ્ય હોવું જોઈએ તેનો અભાવ વર્તાઈ રહ્યો છે, જેને કારણે TCSના મેનેજમેન્ટને આ કઠોર નિર્ણય લેવાની ફરજ પડી છે. IT ક્ષેત્ર માંગમાં મંદી અને AI સંચાલિત વિક્ષેપ બંનેનો સામનો કરી રહ્યું છે. જે વૃદ્ધિ પહેલા ૭-૧૦%ની વચ્ચે હતી તે હવે ૩-૫%ની નજીક છે, જ્યારે ઘણા અનુભવી કર્મચારીઓ માટે ફરીથી કૌશલ્ય બનાવવું મુશ્કેલ સાબિત થયું છે. TCSનું આ પગલું ભારતના ૨૪૫ અબજ ડૉલરના IT ક્ષેત્રમાં ફેરબદલની શરૂઆત હોઈ શકે છે.
વાત કદાચ અહીં અટકશે નહીં. TCSની જાહેરાતથી વિશ્લેષકોને ડર છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ઓટોમેશનની વધતી અસરને કારણે આગામી સમયમાં આવા વધુ કિસ્સાઓ સામે આવી શકે છે. આનો અર્થ એ છે કે શક્ય છે કે TCSમાં નોકરીઓમાં કાપ ફક્ત શરૂઆત છે અને ભવિષ્યમાં IT ઉદ્યોગમાં વધુ નોકરીઓ જોખમમાં મુકાઈ શકે છે. ટીમલીઝ ડિજિટલના CEO નીતિ શર્મા કહે છે કે દરેક કંપની હવે AIની આગેવાની હેઠળના પરિવર્તન તરફ આગળ વધી રહી છે. IT ઉદ્યોગમાં કંપનીઓ તેમના હાલના અને નવા કર્મચારીઓના કૌશલ્ય વધારવા માટે ભારે રોકાણ કરી રહી છે. જે કર્મચારીઓ કંપનીના ભાવિ માળખામાં ફિટ થતા નથી અથવા તેમની ક્ષમતાઓમાં વધારો કરતા નથી તેમને નોકરી છોડવાની ફરજ પડે છે.
અત્યાર સુધી TCSમાં નોકરીને સરકારી નોકરી જેટલી જ સલામત માનવામાં આવતી હતી. પ્રોજેક્ટની ગેરહાજરીમાં TCS લોકોને બેન્ચ પર રાખતી હતી અને તેમને વિવિધ પ્રકારની તાલીમ આપીને અન્ય કામોમાં રોજગારી આપતી હતી. ૨૦૨૦માં જ્યારે ભયાનક કોરોનાને કારણે લાખો લોકોએ તેમની નોકરી ગુમાવી દીધી, તેમ છતાં પણ TCSના કોઈ કર્મચારીએ નોકરી ગુમાવી નથી. આ જ કારણ છે કે TCSમાં છટણીને વધુ ગંભીરતાથી લેવામાં આવી રહી છે.
આ મામલો ફક્ત એક છટણી પૂરતો મર્યાદિત નથી, તે ભારતીય અર્થતંત્ર સાથે પણ સીધો સંબંધિત છે અને તે ઘણા સંકેતો આપે છે. ગયા વર્ષે અમેરિકાની મોટી IT કંપનીઓએ પોતાના લાખો કર્મચારીઓને છૂટા કર્યા હતા. નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫માં મેટાએ ૧૦,૦૦૦ કર્મચારીઓ, એમેઝોને ૯,૦૦૦, ડેલ ટેક્નોલોજીસે ૬,૬૦૦, સિસ્કોએ ૪,૦૦૦, ઇન્ટેલે ૨,૦૦૦, માઇક્રોસોફ્ટે લગભગ ૨,૦૦૦ અને ગૂગલે લગભગ ૧,૦૦૦ કર્મચારીઓની છટણી કરી હતી. તે સમયે એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે ટેક કંપનીઓમાં છટણીનો દોર ભારત પર પણ અસર કરી શકે છે. હવે ભારતમાં TCS દ્વારા છટણીએ પણ આ વાતની પુષ્ટિ કરી છે.
IT યુનિયન બોડી નેસેન્ટ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એમ્પ્લોઇઝ સેનેટ (NITES) એ સોમવારે ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ સામે શ્રમ અને રોજગાર મંત્રાલયને ઔપચારિક ફરિયાદ રજૂ કરી હતી. NITES એ મંત્રાલયને આ ઘટનાક્રમ પર તાત્કાલિક ધ્યાન આપવા અને TCSને નોટિસ જારી કરીને સ્પષ્ટતા માંગવા અને TCS દ્વારા બળજબરીથી કર્મચારીઓને બહાર કાઢવા અને ગેરકાયદેસર છટણીના પ્રણાલીગત પેટર્નની તપાસ શરૂ કરવા જણાવ્યું છે. જેમને નોકરીમાંથી કાઢવામાં આવ્યા છે, તેમાંના મોટા ભાગના અસરગ્રસ્ત લોકો મધ્યમa અને વરિષ્ઠ સ્તરના વ્યાવસાયિકો છે, જેમણે ૧૦ થી ૨૦ વર્ષ સુધી કંપનીને વફાદારીથી સેવા આપી છે.
NITESના પ્રમુખ હરપ્રીત સિંહ સલુજાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે ‘‘આ સામૂહિક છટણી માત્ર અનૈતિક અને અમાનવીય નથી; તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે. TCS એ હજારો કર્મચારીઓને યોગ્ય સૂચના આપ્યા વિના અથવા સરકારને કોઈ પણ પૂર્વ સૂચના આપ્યા વિના નોકરીમાંથી કાઢી મૂકવાની યોજના બનાવી છે, જે બધા હાલના ભારતીય શ્રમ કાયદા હેઠળ ફરજિયાત છે. ભારતમાં આઇટી ક્ષેત્ર લાખો વ્યાવસાયિકોને રોજગારી આપે છે અને તે આપણા અર્થતંત્રનો આધારસ્તંભ રહ્યો છે. જો TCS જેવા કદની કંપનીને યોગ્ય પ્રક્રિયાનું પાલન કર્યા વિના મોટા પાયે છટણી કરવાની મંજૂરી આપવામાં આવશે તો તે અન્ય કંપનીઓ માટે ખતરનાક દાખલો સ્થાપિત કરશે. તે નોકરીની અસલામતી સામાન્ય બનાવશે, કર્મચારીઓના અધિકારોનું ધોવાણ કરશે અને ભારતના રોજગાર ક્ષેત્રમાં વિશ્વાસને ગંભીર નુકસાન પહોંચાડશે.’’
TCS હવે ભવિષ્ય માટે તૈયાર કંપની બનવા તરફ આગળ વધી રહી છે. કંપની AI, ક્લાઉડ અને ડિજિટલ ટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આ અંતર્ગત TCS કંપનીએ અત્યાર સુધીમાં લગભગ ૫.૫ લાખ કર્મચારીઓને મૂળભૂત AI તાલીમ આપી છે અને એક લાખથી વધુ કર્મચારીઓને અદ્યતન AI કૌશલ્ય શીખવ્યું છે, પરંતુ ઘણા વરિષ્ઠ કર્મચારીઓ આ પરિવર્તન સાથે પોતાને અનુકૂલિત કરી શક્યા નથી, તેથી તેમને બહારનો રસ્તો બતાવવામાં આવી રહ્યો છે.
TCS અને અન્ય મોટી IT કંપનીઓમાં હજારો લોકો નોકરીઓ ગુમાવી રહ્યા છે. આનાથી માત્ર ટેકનોલોજી ક્ષેત્ર જ નહીં પરંતુ બેંકિંગ ક્ષેત્ર પણ ખરાબ રીતે પ્રભાવિત થયું છે. IT ક્ષેત્રનો એક મોટો વર્ગ બેંકોના રિટેલ પોર્ટફોલિયોનો ભાગ છે, પછી ભલે તે હોમ લોન હોય, પર્સનલ લોન હોય કે ક્રેડિટ કાર્ડ હોય. જ્યારે કોઈ સોફ્ટવેર એન્જિનિયર નોકરી ગુમાવે છે, ત્યારે તેની EMIથી લઈને બેંકની બેલેન્સ શીટ સુધીની દરેક વસ્તુ પર અસર પડે છે. નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ની શરૂઆતથી બેંકિંગ ક્ષેત્રમાં શેર દીઠ કમાણી (EPS) પર દબાણ વધી રહ્યું છે. નિષ્ણાતો માને છે કે EPS ૮ થી ૧૨ ટકા ઘટી શકે છે. આનું સૌથી મોટું કારણ IT ક્ષેત્રમાં અનિશ્ચિતતા, રોજગારમાં ઘટાડો અને ગ્રાહક ખર્ચમાં સ્થિરતા છે.
મધ્યમ વર્ગનો ગ્રાહક આધાર જે અત્યાર સુધી બેંકો માટે વિશ્વસનીય હતો તે હવે સૌથી મોટું જોખમ બની રહ્યો છે. નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫ ના ડેટા દર્શાવે છે કે પાંચ લાખ રૂપિયાથી ઓછી હોમ લોનમાં ૯૦ દિવસથી વધુ સમય માટે ડિફોલ્ટ વધીને ૧.૯૫ ટકા થયો છે, જે ગયાં વર્ષ કરતા ઘણો વધારે છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે નીચલા અને મધ્યમ આવક જૂથોમાં ચૂકવણી કરવાની ક્ષમતા નબળી પડી રહી છે. બીજી તરફ ક્રેડિટ કાર્ડ ડિફોલ્ટ ૩૪,૦૦૦ કરોડ રૂપિયાને વટાવી ગયા છે. નવા ક્રેડિટ કાર્ડ જારી કરવાની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે. છેલ્લાં એક વર્ષમાં લગભગ ૨૬ ટકા ઓછા કાર્ડ જારી કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં, બેંકો હવે મધ્યમ વર્ગના ગ્રાહકોને વ્યક્તિગત લોન આપવામાં સાવધાની રાખવા લાગી છે.
ટીસીએસે કહ્યું છે કે તે અસરગ્રસ્ત કર્મચારીઓને નોટિસ પીરિયડ પગાર ઉપરાંત વધારાના સેવરેન્સ પેકેજ, આરોગ્ય વીમો અને આઉટપ્લેસમેન્ટમાં સહાય પ્રદાન કરશે. જોકે, કંપનીના દાવા મુજબ છટણીનું કારણ AI નથી પરંતુ પુનઃ કૌશલ્ય અને જમાવટની મર્યાદાઓ છે. કંપની કહે છે કે તે નવા યુગના કૌશલ્યો શીખવવા માટે તેમના કાર્યબળમાં સતત રોકાણ કરી રહી છે, પરંતુ બધી ભૂમિકાઓ નવી યોજનામાં બંધબેસતી નથી. જોકે TCS કંપનીએ એ નથી જણાવ્યું કે આ છટણીથી ભારતમાં કેટલા કર્મચારીઓ પ્રભાવિત થશે, પરંતુ ભારતમાં TCSનો સૌથી મોટો કર્મચારી બેઝ હોવાથી નિષ્ણાતો માને છે કે તેની અસર ભારતમાં પણ ચોક્કસપણે જોવા મળશે. TCS કંપની દ્વારા જે છટણીનો દોર શરૂ કરવામાં આવ્યો છે તેનો ચેપ બીજી કંપનીઓને પણ લાગવાનો છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.