Dakshin Gujarat

દક્ષિણ ગુજરાતમાં બે દિવસ ભારે વરસાદની આગાહી, દરિયો તોફાની બનશે, ઉકાઈની સપાટી વધી

સુરત: ગુજરાતમાં આગામી એક સપ્તાહ દરમિયાન સાર્વત્રિક વરસાદ વરસવાની શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે. ખાસ કરીને આગામી બે દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના 20થી વધુ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ હાલના પરિપ્રેક્ષ્યમાં ૩ સક્રિય હવામાન સિસ્ટમ્સના કારણે દક્ષિણ ગુજરાતમાં ‘બારે મેઘ ખાંગાની’સ્થિતિ સર્જાઈ શકે છે. હવામાન વિભાગ અનુસાર દરિયો પણ આગામી પાંચ દિવસ સુધી તોફાની બનશે. માછીમારોને 1 ઑગસ્ટ સુધી દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે. ખાસ કરીને તટીય વિસ્તારોમાં સતર્કતા રાખવાની અપીલ કરવામાં આવી છે.

શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા છે. વાહનચાલકોને ખાસ કરીને પાણી ભરાયેલા રસ્તાઓ પર સાવચેતીપૂર્વક વાહન ચલાવવાની સલાહ આપવામાં આવી છે. સામાન્યથી ભારે વરસાદની આગાહી સાથે નાગરિકોને ઘરમાં જ રહેવાની ભલામણ પણ ઉચ્ચારી છે.

સુરતમાં શ્રાવણના પ્રથમ દિવસથી શરૂ થયેલી મેઘમહેર યથાવત
શ્રાવણ માસના પ્રથમ દિવસથી શરૂ થયેલો વરસાદી માહોલ આજે પણ યથાવત રહ્યો હતો. સુરત શહેર અને જિલ્લામાં ઠેર ઠેર મધ્યમ વરસાદ નોંધાયો છે. સતત વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને તાપમાનમાં પણ આંશિક ઘટાડો નોંધાયો છે. આજનું મહત્તમ તાપમાન 28.8 ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન 25.8 ડિગ્રી નોંધાયું હતું. હવામાં ભેજનો પ્રમાણ 89 ટકા રહેતાં ભીના માહોલ સાથે 10 કિમી પ્રતિ કલાકની ઝડપે દક્ષિણ-પશ્ચિમ દિશાનો પવન ફૂંકાતો રહ્યો.

તાલુકામાં વિતેલા ચોવીસ કલાકમાં પડેલો વરસાદ
તાલુકા : વરસાદ (મીમી)

  • ઓલપાડ: 2 મીમી
  • માંગરોળ: 15 મીમી
  • ઉમરપાડા: 9 મીમી
  • માંડવી: 12 મીમી
  • કામરેજ: 30 મીમી
  • સુરત: 15 મીમી
  • ચોર્યાસી: 9 મીમી
  • પલસાણા: 16 મીમી
  • બારડોલી: 12 મીમી
  • મહુવા: 10 મીમી

ઉપરવાસના વરસાદથી ઉકાઈ ડેમમાં 66 હજાર ક્યુસેક પાણીની આવક, 24 કલાકમાં સપાટી એક ફૂટ વધી
સુરત: સુરત જિલ્લાના મુખ્ય જળસ્ત્રોત ગણાતા ઉકાઈ ડેમ માટે આનંદદાયક સમાચાર છે. છેલ્લા ચોવીસ કલાકમાં ઉકાઈ ડેમના ઉપરવાસમાં વિવિધ વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો છે. જેના કારણે ડેમમાં પાણીની આવકમાં ચોવીસ કલાકમાં 66 હજાર ક્યુસેક જેટલો નોંધપાત્ર વધારો થયો છે અને ડેમની સપાટીમાં લગભગ એક ફુટનો વધારો નોંધાયો છે.

ઉકાઈ ડેમના ઉપરવાસના ટેસ્કામાં 34 મીમી, ચીકલધરામાં 44 મીમી, લખપુરીમાં 13 મીમી, દેડતલાઈમાં 25 મીમી, તલાસવાડામાં 13 મીમી, હથનુરમાં 16 મીમી, ભુસાવલમાં 14 મીમી, ડામરખેડામાં 13 મીમી, વેલદામાં 12 મીમી અને ચાંદપુરમાં 19 મીમી વરસાદ નોંધાયો છે. તદઉપરાંત શાહદા ખાતે 10 મીમી, ખેતિયામાં 20 મીમી, નંદુરબારમાં 34 મીમી, સાગબારામાં 20 મીમી, અક્કલકુવામાં 15 મીમી અને ઉકાઈ ખાતે 22 મીમી વરસાદ નોંધાયો છે. નિઝર, કુકરમુંડા, ચોપડવાવ અને કાકડીમ્બામાં અનુક્રમે 16, 12, 20 અને 21 મીમી વરસાદ નોંધાયો છે.

વરસાદના પગલે હવે ઉપરવાસના જળસ્તરો પણ ઉભરાઇ રહ્યા છે. જેને પગલે પ્રકાશા ડેમમાંથી 33 હજાર ક્યુસેક અને હથનુર ડેમમાંથી 11 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આમ ઉકાઈ ડેમમાં મોટી માત્રામાં પાણીની આવક નોંધાતાં ડેમમાં 66 હજાર ક્યુસેક પાણી પ્રવેશ્યું છે.

હાલ ઉકાઈ ડેમની સપાટી 328.35 ફુટ છે, જેમાં છેલ્લા ચોવીસ કલાકમાં આશરે એક ફૂટનો વધારો થયો છે. જો આવી જ રીતે ઉપરવાસમાં વરસાદ યથાવત રહે, તો આગામી સમયમાં ઉકાઈ ડેમમાં પાણીના સંગ્રહમાં વધુ વધારો થવાની સંભાવનાઓ છે, જેના કારણે ખેડૂતો અને પાણી પુરવઠાની દૃષ્ટિએ રાહતની સ્થિતિ સર્જાઈ શકે છે.

Most Popular

To Top