આ નિર્ણયથી માસિક ₹2 કરોડનો સીધો લાભ લાખો પશુપાલકોને થશે
પ્રતિનિધિ ગોધરા તા.29
પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના હજારો પશુપાલકો, જેઓ મોટા પ્રમાણમાં પશુપાલન કરી પોતાનો વ્યવસાય અને જીવન ગુજરાન ચલાવે છે, તેમની જીવાદોરી સમાન પંચામૃત ડેરી દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ જિલ્લાઓના લોકો પંચામૃત ડેરીમાં દૂધ મોકલાવીને પોતાની આવક મેળવે છે અને પોતાના દુધાળા પશુઓને વધુ દૂધ ઉત્પાદન કરવા તેમજ તેમની તંદુરસ્તી જાળવી રાખવા માટે પશુ દાણ આપતા હોય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને પંચામૃત ડેરીના ચેરમેન જેઠાભાઈ ભરવાડે ખેડૂતો અને પશુપાલકોના વ્યાપક હિતને પ્રાધાન્ય આપીને નિર્ણય કર્યો છે. તેમની દાણ ફેક્ટરીમાંથી ઉત્પાદન થતા દાણમાં પ્રતિ કિલોગ્રામ રૂપિયા 2 નો નોંધપાત્ર ઘટાડો કરવામાં આવ્યો છે.

આ નિર્ણયને કારણે પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના લાખો પશુપાલકોને સામૂહિક રીતે મહિને અંદાજે બે કરોડ રૂપિયા જેટલો સીધો આર્થિક ફાયદો થશે. ચેરમેનના આ નિર્ણયથી દૂધ પશુપાલકોને આર્થિક રીતે સક્ષમ બનવામાં મદદ મળશે જે તેમના જીવનધોરણ સુધારવામાં અને પશુપાલન વ્યવસાયને વધુ સમૃદ્ધ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.