Charchapatra

શિક્ષણ પદ્ધતિમાં 180 ડિગ્રી પરિવર્તનથી પણ લોકો રાજી થશે

ગુજરાતમાં શિક્ષણ પદ્ધતિમાં 360 ડિગ્રી પરિવર્તન માટેની રચાયેલી કમિટીએ પોતાનો અહેવાલ સુપ્રત કર્યો છે. શિક્ષણ સાથે સંકળાયેલાઓ તથા વાલી અને વિદ્યાર્થીઓ પણ એવું ઈચ્છે છે કે 360 ડિગ્રીને બદલે 180 ડિગ્રી પરિવર્તન શિક્ષણ પદ્ધતિમાં આવશે તો પણ લોકો રાજીના રેડ થઈ જશે. ગુજરાતની વર્તમાન શિક્ષણ પદ્ધતિથી બધા જ વાકેફ છે. અમદાવાદની તાજેતરની વિમાન દુર્ઘટના અને ગંભીરા બ્રિજ તૂટી પડ્યા પછી તંત્ર જે રીતે ગાઢ નિંદ્રામાંથી જાગીને કામે લાગ્યું છે તે જ રીતે દરેક જિલ્લાના પ્રાથમિક શિક્ષણના અધિકારીશ્રી અને જિલ્લા શિક્ષણધિકારીશ્રી દ્વારા વાસ્તવિક પરિસ્થિતિ શું છે તેનો સાચો અહેવાલ મેળવવામાં આવે તે ખૂબ જ જરૂરી છે.

દરેક જિલ્લામાં નિવૃત્ત આચાર્યોની તાલુકા વાઇઝ કમિટી બનાવીને ગ્રાઉન્ડ લેવલે જે પરિસ્થિતિ છે તેનો વિગતવાર અહેવાલ મેળવવો જોઈએ. આપણા રાજ્યમાં જ નહીં સમગ્ર દેશમાં રોડ અને બ્રિજ તથા એજ્યુકેશનમાં પણ તાત્કાલિક સર્વગ્રાહી તપાસની આવશ્યકતા છે. શિક્ષણ ક્ષેત્રમાં જો વ્યાપકપણે ગેરરીતિઓ ચાલી રહી હોય તો તે અંગે સત્વરે પગલાં લેવાની જરૂર છે. જો આપણે આપણા દેશની પેઢીનું ઉજવળ ભવિષ્ય ખરેખર જોવા માગતા હોય તો ગુજરાતની શાળા અને કોલેજોમાં આજકાલ શું ચાલી રહ્યું છે એની સર્વગ્રાહી તપાસ કરવાની ખૂબ જ જરૂર છે. શિક્ષણ એ સૌથી શક્તિશાળી હથિયાર છે જેનાથી તમે વિશ્વને બદલી શકો છો. વિશ્વની વાત તો દૂર રહી પરંતુ ફક્ત ભારતને બદલવા માટે પણ કોઈપણ સરકાર શિક્ષણના ક્ષેત્રને અવગણે તો તે ચાલી શકે નહીં.
નવસારી   – ડૉ. જે. એમ. નાયક- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

પર્યાવરણની ગતિ કે અવગતિ
દર વર્ષે લાખ્ખોના ચોમાસા પહેલાં રોપા તો રોપાય છે અને બીજે છેડે એસએમસી દ્વારા સરકારી બાંધકામના બહાને આડે આવતા ઝાડો કાપવામાં આવે છે.  રોપા રોપવાના કરભારણ તો તમારા અને મારા કરવેરામાંથી જ ચૂકવાય છે. એક વાર રોપણ થયા પછી દેખભાળ અને રાજરખાવ માટે કોન્ટ્રાક્ટ અપાય છે પણ તેમાં ચાલતી લાલિયાવાડી કોણ રોકશે? કુમળા છોડો પાણીના અભાવે અકારણે મૂરઝાય છે કે કરમાય છે. ગરમીની સિઝનમાં શાતા આપતાં ઝાડો હાઈ વેના આડા આવતાં કપાય છે. પછી શું?
અડાજણ – અનિલ શાહ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top