કેરીઓના બોક્સ હોવાથી આગ વધુ પ્રસરતા ત્રણ શેડમાં નુકસાન
ત્રણ ફાયર સ્ટેશનોની મદદથી આગને કાબુમાં લેવામાં સફળતા સાંપડી

( પ્રતિનિધી )વડોદરા,તા.28
વડોદરા શહેર નજીક સયાજીપુરા એપીએમસીની બાજુમાં આવેલા ફ્રુટ માર્કેટમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગતા તંત્ર દોડતું થયું હતું. તાત્કાલિક ફાયર બ્રિગેડના જવાનોએ સ્થળ પર પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી.
વડોદરા શહેર નજીક આવેલા સયાજીપુરા એપીએમસી માર્કેટની બાજુમાં ફ્રુટ માર્કેટમાં આગ લાગવાની ઘટના બની હતી. જેમાં કનૈયાલાલ લક્ષ્મીદાસ અને રાજુભાઈ નામના બે શેડ પણ આગની લપેટમાં આવી ગયા હતા. ત્રણ જેટલી દુકાનોમાં નુકસાન થયું હતું. સબ હાયર ઓફિસરે માહિતી આપતા જણાવ્યું હતું કે, કંટ્રોલરૂમમાંથી જાણ કરવામાં આવી હતી કે, એપીએમસી માર્કેટ જગદીશ ફરસાણની બાજુની ગલીમાં ફ્રુટ માર્કેટમાં આગ લાગી હોવાનો કોલ મળતા ઈઆરસી ફાયર સ્ટેશને જાણ કરાઈ હતી. આગનું સ્વરૂપ જરા વધારે હતું. ત્રણ શેડ બળીને ખાખ થયા હતા. જેથી પાણીગેટ ફાયર સ્ટેશનની મદદ લેવામાં આવી હતી અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. કોઈ જાનહાની થઈ ન હતી. કેટલાક શેડમાં ઉપર પૂઠાના ગોડાઉન બનાવેલા હતા. એમાં આગ લાગી હતી. શોર્ટ સર્કિટ હોઈ શકે તેના કારણે આગ લાગી હતી. દુકાનમાં કેરી મૂકવાના ખાલી બોક્સ મોટી માત્રામાં પડેલા હોવાથી આગ વધુ પ્રસરી હતી. જેના કારણે ત્રણ જેટલી દુકાનોમાં નુકસાન થયું હતું સદનસીબે કોઈ હાજર નહીં હોવાથી મોટી જાનહાની થતા ટળી હતી.