સોમવારે થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં એક લોકપ્રિય ફૂડ માર્કેટમાં સામૂહિક ગોળીબાર થયો હતો. આ ઘટનામાં હુમલાખોર સહિત છ લોકોના મોત થયા હતા. તેમાંથી ચારની ઓળખ સુરક્ષા ગાર્ડ તરીકે થઈ છે. આ હત્યાકાંડને અંજામ આપ્યા બાદ હુમલાખોરે પોતાને પણ ગોળી મારી લીધી હતી.
અહેવાલ મુજબ લોકપ્રિય ફૂડ માર્કેટમાં આ ઘટનામાં માર્યા ગયેલા ચાર સુરક્ષા ગાર્ડ એક જ બજારમાં કામ કરતા હતા. આ ઘટના બેંગકોકના ઓર ટોર કોર માર્કેટમાં બની હતી, જે ચતુચક માર્કેટથી થોડે દૂર છે.
બેંગકોકના ડેપ્યુટી પોલીસ વડા વોરાપટ સુખથાઈએ જણાવ્યું હતું કે પોલીસ આ ઘટના પાછળના હેતુની તપાસ કરી રહી છે. અત્યાર સુધી આ સામૂહિક ગોળીબારનો મામલો છે. પરંતુ એ પણ તપાસ કરવામાં આવી રહી છે કે શું આ ગોળીબારનો થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચેના વર્તમાન સરહદ વિવાદ સાથે કોઈ સંબંધ છે કે નહીં?
પોલીસ હાલમાં મૃતક હુમલાખોરની ઓળખ શોધવાનો પ્રયાસ કરી રહી છે. રાષ્ટ્રીય પોલીસ વડા કિટ્રાટે જણાવ્યું હતું કે તપાસ માટે તાત્કાલિક આદેશો આપવામાં આવ્યા છે. પોલીસ અધિકારીઓ હુમલાના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં વ્યસ્ત છે. તમને જણાવી દઈએ કે થાઈલેન્ડમાં ભૂતકાળમાં પણ બંદૂક હિંસાની ઘટનાઓ બની છે. મે મહિનામાં જ એક 33 વર્ષીય વ્યક્તિએ ગોળીબાર કર્યો હતો જેમાં ત્રણ લોકોનાં મોત થયા હતા.