
રાજસ્થાનમાં એક જર્જરીત સરકારી શાળા ધરાશાયી થતાં સાત બાળકોના મોત થઇ ગયા છે. આ ઘટના બાદ ગુજરાત સરકારે પણ તેની તમામ આંગળવાડીની તપાસ કરી લેવી જોઇએ. કારણ કે, અગાઉ કેગના રિપોર્ટમાં ગુજરાતની આંગણવાડી અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. રાજ્યમાં 16 હજારથી વધારે આંગણવાડીઓની ઘટ છે, આંગણવાડીઓમાં શૌચાલય અને પાણી સહિતની સગવડોનો અભાવ છે અને કેટલીક આંગણવાડી જર્જરિત હાલતમાં છે તેવું રિપોર્ટ જણાવે છે.
ગુજરાતનાં સરહદી ગામોમાં પાયાની સુવિધાઓની બાબતમાં પણ ઘણી નબળી કામગીરી કરવામાં આવી છે તેવું કૅગ (કૉમ્પ્ટ્રોલર ઍન્ડ ઑડિટર જનરલ ઑફ ઇન્ડિયા)ના રિપોર્ટમાં બહાર આવ્યું છે. થોડા સમય અગાઉ ગુજરાત વિધાનસભામાં કૅગનો રિપોર્ટ રજૂ કરાયો હતો, જેમાં બૉર્ડર એરિયા ડેવલપમેન્ટ પ્રોગ્રામ (બીએડીપી)માં મોટી ગરબડ જોવા મળી છે. કેટલાંક ઉદાહરણો જોવામાં આવે તો કૅગનો રિપોર્ટ કહે છે કે બનાસકાંઠા, કચ્છ અને પાટણ જેવા જિલ્લામાં જ્યાં પાણી સગવડ ન હોય તેવી જગ્યાએ RO પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યા છે.
એટલું જ નહીં, શાળાથી 35 કિમીના અંતરે હૉસ્ટેલ બનાવવામાં આવી હોય અને તેનો કોઈ ઉપયોગ થતો ન હોય તેવા દાખલા છે. કૅગના અહેવાલમાં એવું પણ જણાવાયું છે કે બાળવિકાસ સેવાઓની યોજનાઓના અમલીકરણમાં પણ ખામી છે. ગુજરાતમાં આંગણવાડીની ભારે ઘટ છે. રિપોર્ટ મુજબ રાજ્યમાં 16,045 આંગણવાડીની ઘટ પડે છે અને મોટી સંખ્યામાં આંગણવાડીઓ ખુલ્લી અથવા કામચલાઉ જગ્યામાં ચલાવાય છે. વિધાનસભામાં રજૂ થયેલા કૅગના રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં કુલ 53,029 આંગણવાડી છે જેમાંથી 3381 કેન્દ્રો કામચલાઉ જગ્યા પર ચાલે છે અને 30 કેન્દ્રો ખુલ્લી જગ્યામાં ચલાવાય છે.
આ ઉપરાંત 8452 આંગણવાડી જર્જરિત હાલતમાં છે. એટલે કે મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે સુરક્ષિત બિલ્ડિંગો આપી નથી. આંગણવાડીમાં દર 30 બાળકો દીઠ 600 ચોરસ ફૂટની જગ્યા હોવી જોઈએ પરંતુ એક પણ આંગણવાડીમાં તેનું પાલન થયું નથી. તેના કારણે બાળકોએ ભીડમાં રહેવું પડે છે.” ગુજરાતમાં બનાસકાંઠા, કચ્છ અને પાટણ એમ ત્રણ જિલ્લાના સાત બ્લૉકમાં બીએડીપીનો અમલ કરાયો છે. 2016-17 થી 2021-22 સુધીના સમયગાળા માટેના ઑડિટમાં કૅગે જણાવ્યું છે કે સરહદ પર આવેલાં 185 ગામોમાંથી એક પણ ગામ એવું નથી જ્યાં પાયાની તમામ સુવિધાઓ હોય.
બીએડીપી પ્રોગ્રામમાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીક સૌપ્રથમ વસાહતથી 10 કિમીમાં આવેલાં તમામ ગામડાં, શહેરી અને અર્ધશહેરી વિસ્તારોને આવરી લેવાય છે. બીએડીપી માટે 2015માં માર્ગદર્શિકા ઘડવામાં આવી હતી તે પ્રમાણે સરહદી ગામોમાં રસ્તાની કનેક્ટિવિટી, શાળાઓ, રમતગમતની સગવડ, આરોગ્ય સુવિધા, વીજળી, પાણી પુરવઠો, કૉમ્યુનિટી સેન્ટર અને મહિલાઓ માટે જાહેર શૌચાલયની સગવડ હોવી જરૂરી છે. સરહદથી 10 કિમીના વિસ્તારમાં 185 ગામોમાંથી એક પણ ગામ જુલાઈ 2023 સુધીમાં સંપૂર્ણ સુવિધા ધરાવતું ન હતું. તમામ સુવિધાઓ સાથેનું ગામ કોને કહેવું તેની વ્યાખ્યા પણ જાન્યુઆરી 2023 સુધીમાં નક્કી થઈ ન હતી. આ કાર્યક્રમ સરહદી ગામોને લગતો હોવાથી બીએસએફ જે ગામોની ઓળખ કરે તેને પ્રાથમિકતા આપવી જરૂરી હોય છે.