Godhra

ગોધરામાં ૨૮મી અખિલ મધ્ય ગુજરાત ઝોનલ સ્પર્ધા યોજાઈ

આ સ્પર્ધામાં ૦૬ જિલ્લાના ૧૧૦થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો

ઝોનલ સ્પર્ધાના વિજેતાઓ દેહરાદૂન ખાતે યોજાનાર સ્પર્ધામાં ભાગ લેશે

ગોધરા: સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ કનેલાવ, ગોધરા ખાતે જિલ્લા રમત વિકાસ અધિકારી પ્રતાપ પસાયા અને તેમની નિષ્ણાત કોચિંગ ટીમ દ્વારા ૨૮મી અખિલ મધ્ય ગુજરાત ઝોનલ સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, મહિસાગર, વડોદરા અને આણંદ જિલ્લાના વન વિભાગના કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ રમતોત્સવમાં આર્ચરી, એથ્લેટિક્સ, સ્વિમિંગ, બેડમિન્ટન, ટેબલ ટેનિસ, વોલીબોલ જેવી વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધાના અધ્યક્ષ તરીકે નાયબ વન સંરક્ષક, છોટાઉદેપુર, જ્યારે કન્વીનર તરીકે મદદનીશ વન સંરક્ષક, બોડેલીએ ફરજ બજાવી હતી. નસવાડી, બોડેલીના નોડલ ઓફિસર અને અન્ય રેન્જ ફોરેસ્ટ ઓફિસરો (RFOs) એ પણ નોડલ ઓફિસર તરીકે તેમની ભૂમિકા નિભાવી હતી.


આ રમતોત્સવમાં કુલ ૧૧૦ ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં વિજેતા બનેલા ખેલાડીઓ હવે દેહરાદૂન ખાતે યોજાનાર સ્પર્ધામાં મધ્ય ગુજરાત ઝોનનું પ્રતિનિધિત્વ કરશે.

ઉલ્લેખનીય છે કે ગોધરાના કનેલાવ ખાતે અત્યાધુનિક સુવિધાથી સજ્જ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે યોજાયેલ અખિલ મધ્ય ગુજરાત ઝોનલ સ્પર્ધામાં ભાગ લીધેલ ૬ જિલ્લાના વનવિભાગના કર્મચારીઓને સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ કનેલાવ દ્વારા નિવાસ, ભોજન અને મેદાન સાથે અન્ય સ્પર્ધા દરમિયાન જરૂરી શ્રેષ્ઠ સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી. જે માટે તમામ જિલ્લાના વનવિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ કનેલાવ, ગોધરાની સરાહના કરી હતી અને સ્પર્ધા દરમિયાન કરવામાં આવેલ આયોજનને બિરદાવ્યું હતું.

આ પ્રસંગે નાયબ વન સંરક્ષક આર.બી. સોલંકી, મદદનીશ વન સંરક્ષક જે.કે. સોલંકી (કન્વીનર) અને જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી પ્રતાપ પસાયાએ વિજેતા ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા અને તેમને શુભેચ્છાઓ તથા અભિનંદન પાઠવ્યા હતા.

Most Popular

To Top