વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની મુલાકાતે માલદીવ પહોંચ્યા છે. રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝ્ઝુ તેમનું સ્વાગત કરવા એરપોર્ટ પહોંચ્યા. બંને નેતાઓએ એકબીજાને ગળે પણ લગાવ્યા. મોદીની માલદીવની આ ત્રીજી મુલાકાત છે. તેઓ માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝ્ઝુના આમંત્રણ પર અહીં આવ્યા છે.
સ્થાનિક કલાકારોએ એરપોર્ટ પર પીએમ મોદીનું સ્વાગત કરવા માટે પરંપરાગત નૃત્ય પણ રજૂ કર્યું. મોદીએ અહીં ભારતીય સમુદાયના લોકોને મળ્યા અને ભારતીય મૂળના બાળકોના નૃત્ય પ્રદર્શન પણ નિહાળ્યા. આ પછી બંને નેતાઓએ દ્વિપક્ષીય મુલાકાત પણ કરી.
અગાઉ મુઇઝ્ઝુએ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઇન્ડિયા આઉટનો નારો આપ્યો હતો. ચૂંટણી જીત્યા બાદ બંને દેશો વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી હતી. તાજેતરના સમયમાં સંબંધોમાં સુધારો થયો છે. મોદી 26 જુલાઈના રોજ માલદીવના 60મા સ્વતંત્રતા દિવસના સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. આ દરમિયાન ભારત અને માલદીવ વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપનાના 60 વર્ષની ઉજવણી પણ કરવામાં આવશે.
નવેમ્બર 2023 માં મોહમ્મદ મુઇઝ્ઝુ રાષ્ટ્રપતિ બન્યા પછી કોઈ વિદેશી નેતાની આ પહેલી સત્તાવાર મુલાકાત છે. અગાઉ 2015 માં શ્રીલંકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરીસેના અને 2017 માં, ભૂતપૂર્વ પાકિસ્તાની વડા પ્રધાન નવાઝ શરીફ માલદીવના સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં મુખ્ય મહેમાન હતા.
પીએમ મોદીની હાલની દરમિયાન સંરક્ષણ અને વ્યૂહાત્મક ક્ષેત્રોમાં અનેક કરારો (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવશે. આ કરારો ભારતની “પડોશી પ્રથમ” નીતિ હેઠળ માલદીવ સાથે વિકાસ ભાગીદારીને વધુ મજબૂત બનાવશે. આ મુલાકાત દરમિયાન મોદી ભારતના સહયોગથી તૈયાર કરાયેલા કેટલાક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન પણ કરી શકે છે.
મુઇઝ્ઝુની ભારત મુલાકાતથી બંને દેશો વચ્ચેના સંબંધોમાં સુધારો થયો
2024 માં સંબંધોમાં સુધારો થયો. ઓક્ટોબર 2024 માં મુઇઝ્ઝુની ભારત મુલાકાત દરમિયાન ભારતે માલદીવ માટે $750 મિલિયનનો ચલણ સ્વેપ સોદો કર્યો. આનાથી માલદીવને વિદેશી ચલણની અછતનો સામનો કરવામાં મદદ મળી. મે 2025 માં ભારતે $50 મિલિયનનું ટ્રેઝરી બિલ રોલઓવર કરીને માલદીવની અર્થવ્યવસ્થાને વધુ મજબૂત બનાવી.
ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે બંને દેશોએ સંબંધો સુધારવા માટે સખત મહેનત કરી છે. આ મુલાકાત દરમિયાન અનેક ક્ષેત્રોમાં કરારો પર હસ્તાક્ષર થવાની અપેક્ષા છે જેમાં મુક્ત વેપાર કરાર, નવીનીકરણીય ઉર્જા, મત્સ્યઉદ્યોગ અને ડિજિટલ માળખાગત સુવિધાઓ જેવા નવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે.