સુરત મહાનગર પાલિકા સંચાલિત સીટી બસ અને બીઆરટીએસ બસો દ્વારા છાશવારે સર્જાતા અકસ્માત સામાન્ય થઈ ગયા છે. આજે શુક્રવારે સવારે શહેરના અમરોલી બ્રિજ પર મહિલા કોર્પોરેટરની કાર બીઆરટીએસની અડફેટે ચડી હતી. બસે ટક્કર મારતા રસ્તા પર ભારે હોબાળો મચ્યો હતો. જોકે, આખરે સમાધાન થઈ ગયું હતું. મહિલા કોર્પોરેટરના પતિએ બીઆરટીએસ બસનાં ચાલક વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરવાને બદલે નુકસાનની રકમ અંગે બંધબારણે સમાધાન કરી લેવામાં આવ્યું હતું.
શહેરમાં માતેલા સાંઢની જેમ દોડતી સીટી ભસ અને બીઆરટીએસ બસોનાં દ્વારા જીવલેણ અકસ્માતોના સમાચાર સામાન્ય થઈ ચુકયા છે. મોટા ભાગનાં કિસ્સાઓમાં સિટી બસ અને બીઆરટીએસ બસનાં ચાલકો દ્વારા ઓવર સ્પીડ અને ગફલતભરી રીતે વાહન હંકારતા અકસ્માતો થતાં હોય છે. આ સ્થિતિમાં લોકોમાં પણ ભારે રોષ જોવા મળતો હોય છે. જો કે, હવે સુરત શહેરમાં સામાન્ય વાહન ચાલકો તો ઠીક પણ ખુદ કોર્પોરેટરોની ગાડીઓ પણ સલામત નથી તેવું ચિત્ર ઉપસ્યું છે.
ગત રોજ સવારે અમરોલી બ્રિજ ખાતે પસાર થઈ રહેલ મહિલા કોર્પોરેટરની સ્વીફ્ટ કારને પાછળથી આવી રહેલી બીઆરટીએસ બસે જોરદાર ટક્કર મારતાં કાર આગળ પસાર થઈ રહેલ ટેમ્પો સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેને પગલે કારને ભારે નુકસાન થયું હતું.
આશ્ચર્યની વાત એ છે કે, બીઆરટીએસ બસનાં ચાલકની ગંભીર બેદરકારી હોવા છતાં મહિલા કોર્પોરેટરના પતિ દ્વારા બીઆરટીએસ બસનાં ચાલક વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. મહિલા કોર્પોરેટરન પતિએ અકસ્માતને પગલે કારમાં થયેલા ભારે નુકસાન અંગે વળતર મેળવવા માટે એજન્સીનાં સંચાલકોનો સંપર્ક કર્યો હતો. વાટાઘાટને અંતે ચોક્કસ રકમમાં સમાધાન થઈ જતાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી.
બીજી તરફ રસ્તા પરથી પસાર થઈ રહેલાં વાહન ચાલકોમાં ચર્ચાએ જોર પકડ્યું હતું કે, ખુદ મહિલા કોર્પોરેટરની ગાડીને અકસ્માત કરતાં બીઆરટીએસનાં બસ ચાલક વિરૂદ્ધ ફરિયાદ કરવાને બદલે સમાધાનકારી વલણ અપનાવવાને કારણે જ આવા ચાલકો બેફામ બની રહ્યા છે.