સુરત: શહેર અને જિલ્લામાં વસતા રત્નકલાકાર પરિવારોના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ ફી સહાય યોજના અંતર્ગત ફોર્મ ભરવાની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. 23મી જુલાઈ છેલ્લી તારીખ રહી હતી, જેમાં કુલ ત્રણ તબક્કામાં ફોર્મ સ્વીકારવામાં આવ્યા હતા. સમગ્ર પ્રક્રિયા દરમિયાન અંદાજે 300થી વધુ શાળાઓના 55 હજારથી પણ વધુ વાલીઓએ તેમના આશરે 65,000 સંતાનો માટે ફી સહાય માટે અરજી કરી છે.
- રત્નકલાકારોના પરિવારોના આશરે 65,000 સંતાનો માટે ફી સહાય માટે અરજી કરી
- અંદાજે 300થી વધુ શાળાના 55 હજારથી પણ વધુ વાલીઓ દ્વારા સંતાનો માટે ફોર્મ ભરવામાં આવ્યા
- ત્રણ તબક્કામાં યોજાયેલા અરજી પ્રક્રિયા બાદ ડાયમંડ કંપનીઓના ભલામણ પત્ર સાથે ફોર્મ સ્ક્રૂટીની માટે મોકલાયા
મળતી માહિતી મુજબ, આ યોજના અંતર્ગત હવે દરેક અરજીકાર વાલીનો ફોર્મ સ્કૂલવાઈઝ છટણી માટે સુરતની ડાયમંડ એસોસિએશનને મોકલવામાં આવશે. અહીંથી જે તે ડાયમંડ કંપનીઓના ભલામણ પત્ર આધારે સત્ર 2024-25 માટે યોગ્યતા ધરાવતા બાળકોના ફોર્મ ચકાસવામાં આવશે.
સ્ક્રૂટીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નક્કી કરાયેલી 13,500 રુપિયા ફી હિસ્સા મુજબ આર્થિક સહાયની રકમ સીધા સંબંધિત શાળાઓના ખાતામાં જમા કરાશે. છેલ્લા ઘણા વર્ષોથી સુરતમાં રત્નકલાકાર વર્ગના લોકોનો વસ્તીગણતરીમાં મોટો હિસ્સો રહ્યો છે. રત્નકલાકારો બેરોજગાર બનતા તેમના બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ સુલભ થાય તે હેતુથી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર (DIC) દ્વારા આ યોજના અમલમાં મુકાઈ છે.
હવે, આ સહાયની રકમ વાલીઓને ઝડપી મળે અને વિદ્યાર્થીઓના ભણતર પર કોઈ વિઘ્ન ન પડે તે માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા રાજ્ય સરકાર સમક્ષ “હાયર સાઈટ ગ્રાન્ટ”ની માંગણી કરવામાં આવી છે. ગ્રાન્ટ મળ્યા બાદ સ્ક્રૂટીનીમાં મંજૂર થયેલા તમામ ફોર્મ માટે ફી ચુકવણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.