SURAT

આજે હું મરી જઈશ કાં પત્નીને મારી નાંખીશ’, ત્રાસેલા પતિએ પોલીસ કમિશનર પાસે મદદ માંગી

સુરત : રાંદેરમાં પત્નીના માનસિક ત્રાસથી કંટાળેલા પતિએ પોલીસ કમિશનર સમક્ષ આપવિતી રજૂ કરી હતી. તેમજ પત્ની કાયદાનો દુરુપયોગ કરે છે તેવા આક્ષેપો પણ કર્યા હતા.

  • પત્નીના ત્રાસથી કંટાળેલા પતિએ સુરત પોલીસ કમિશનર પાસે મદદ માંગી

પ્રાપ્ત માહિતી મુજબ, રાંદેર વિસ્તારમાં રહેતા અભિષેક નામના યુવકે વર્ષ-2023માં આયુષી (બંનેના નામ બદલેલું) નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ દંપતી વચ્ચે સતત વિવાદો થતા રહેતા હતા. આયુષી અભિષેકના કામકાજ નહીં કરવાને કારણે નારાજ રહેતી હતી અને તેના પર અભદ્ર ટિપ્પણીઓ કરતી હતી.

આયુષીએ અભિષેક અને તેની માતા વચ્ચે અનૈતિક સંબંધો હોવાનો આક્ષેપ લગાવ્યો હતો, જેના કારણે બંને વચ્ચે તીવ્ર ઝઘડો થયો હતો. આ ઘટનાએ અભિષેકને માનસિક રીતે ખૂબ જ આઘાત પહોંચાડ્યો હતો. આયુષીએ એક જ દિવસમાં 100થી વધુ ફોન કરીને અભિષેકને માનસિક ત્રાસ આપ્યો હતો, જેના પરિણામે અભિષેકે બે વખત આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હતો.

આયુષીએ અભિષેક વિરુદ્ધ ઘરેલું હિંસાનો કેસ દાખલ કર્યો હતો, જે હાલ સુરતની ફેમિલી કોર્ટમાં ચાલી રહ્યો છે. દરમિયાન, અભિષેકે તેના વકીલને ફોન કરીને જણાવ્યું હતું કે, “આજે હું મરી જઈશ અથવા મારી પત્નીની હત્યા કરી નાખીશ.” વકીલે અભિષેકને શાંત કરીને ધીરજ રાખવા જણાવ્યું હતું અને પોલીસમાં ફરિયાદ કરવાની સલાહ આપી હતી.

અભિષેકે રાંદેર પોલીસ સ્ટેશનમાં પત્ની વિરુદ્ધ ફરિયાદ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સ્થાનિક પોલીસે કોઈ ધ્યાન આપ્યું ન હતું. આખરે, તેણે પોલીસ કમિશનર સમક્ષ પોતાની આપવીતી રજૂ કરી હતી. અભિષેકે આક્ષેપ કર્યો કે, આયુષીએ મહિલાઓની તરફેણમાં આવતા કાયદાનો દુરુપયોગ કર્યો છે. તેણે દલીલ કરી કે, જો આવું જ કૃત્ય કોઈ પુરુષે કર્યું હોત તો તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હોત અને ગુનેગારને જેલમાં નાખીને સમાજમાં દાખલો બેસાડવામાં આવ્યો હોત. અભિષેકે માંગ કરી કે તેની પત્નીને તેના પિયરમાં મોકલવામાં આવે અને યોગ્ય કાયદેસર કાર્યવાહી કરવામાં આવે.

Most Popular

To Top