સુરત: ઉત્તરપ્રદેશના અમરોહા જિલ્લામાંથી બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને મળવાની ઈચ્છા સાથે ઘર છોડીને નીકળેલી બે સગીર બહેનોને સુરત રેલવે પોલીસે સુરત રેલવે સ્ટેશન પરથી શોધી કાઢી હતી. આ બંને બહેનોઓએ 1300 કિલોમીટરની સફર કરીને સુરત પહોંચી હતી. સુરત રેલવે પોલીસે તેમનું કાઉન્સેલિંગ કરી, પરિવાર અને ઉત્તરપ્રદેશ પોલીસની મદદથી તેમને સુરક્ષિત રીતે પરિવાર સાથે પુનઃમિલન કરાવ્યું હતું.
- 12 અને 15 વર્ષની બહેનો શાહરુખના પુત્રને મળવા ઘરે કહ્યા વિના ટ્રેનમાં બેસી ગઇ
- સુરત રેલવે પોલીસે બંનેને હેમખેમ શોધી કાઢી પરિવાર સાથે મિલન કરાવ્યું
- બંને યુ ટ્યુબ ઉપર આર્યનખાનના વીડિયો જોતી હોવાથી મળવા માટે યુપીથી મુંબઇ જવા નીકળી હતી
ઉત્તરપ્રદેશના અમરોહા નગર પોલીસ સ્ટેશન તરફથી સુરત રેલવે પોલીસને માહિતી મળી હતી કે, ટ્રેન નંબર 22544 લાલકુવાગંજ-બાંદ્રા એક્સપ્રેસના જનરલ કોચમાં બે કિશોરીઓ કોઈને જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગઈ છે. આ માહિતીના આધારે સુરત રેલવે પોલીસ ઇન્સ્પેક્ટર એચ.ડી. વ્યાસના માર્ગદર્શન હેઠળ શી-ટીમના પોલીસ કર્મચારીઓએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. ટ્રેન પર પહોંચીને તેમણે બંને કિશોરીઓને શોધી કાઢી અને તેમને ચાઈલ્ડ કોર્નરમાં લાવ્યા હતા.
પ્રાથમિક પૂછપરછ દરમિયાન, કિશોરીઓએ જણાવ્યું કે, તેઓ યુટ્યુબ ઉપર આર્યન ખાનના વીડિયો નિયમિતપણે જોતી હતી. આર્યન ખાનને મળવાની તીવ્ર ઈચ્છાથી તેઓ 21 જુલાઈના રોજ ઘરની બહાર રમતા-રમતા નીકળી ગઈ હતી અને ટ્રેનમાં બેસી ગઈ હતી. તપાસ દરમિયાન એક કિશોરી 15 વર્ષની અને બીજી 12 વર્ષની હોવાનું જાણવા મળ્યું હતું.
સુરત રેલવે પોલીસે કિશોરીઓના પિતાનો સંપર્ક કર્યો અને તેમનું યોગ્ય કાઉન્સેલિંગ કર્યું હતું. ઉત્તરપ્રદેશ પોલીસ અને કિશોરીઓના પિતા સુરત આવ્યા બાદ, બંને સગીર બહેનોને તેમના પરિવારને સુપરત કરવામાં આવી હતી.