અષાઢ વદ અમાસના દિવસે ‘દિવાસા’ નો તહેવાર ઉજવવામાં આવે છે. દક્ષિણ ગુજરાતમાં હળપતિ ધોડિયા પટેલ સમાજ દિવાસાની રંગેચંગે ઉજવણી કરે છે. સુરતમાં તાપી કિનારે હળપતિ આદિવાસીઓ ઢીંગલી ઉત્સવ ઉજવતા હતા. ઢીંગલા ઢીંગલીનો વરઘોડો કાઢવામાં આવતો અને ઢીંગલા ઢીંગલીના લગ્ન કરવામાં આવતા હતાં. સુરતમાં મુખ્ય કાપડ ઉદ્યોગ હતો. કાપડના કારખાનાઓમાં હળપતિ સમાજના લોકો લુમ્સ ચલાવતા. બોબીન મશીન પર હળપતિ સમાજની બહેનો કામ કરતી હતી. દિવાસો હળપતિ સમાજનો મુખ્ય તહેવાર હોવાથી તે દિવસે સુરતમાં કાપડના કારખાના બંધ રહેતા હતા.
સુરતમાં દિવાળી જેવો માહોલ લાગતો હતો. લોકો તાપી કિનારે ઢીંગલી ઉત્સવ જોવા જતા હતા. સગરામપુરાનાં હનુમાન શેરીમાં લોકમેળો ભરાતો હતો. આ લોકમેળો છેલ્લા ૧૦૦ વર્ષથી આજે પણ ભરાય છે. મેળામાં ચગડોળમાં બેસી બાળકો મજા માને છે. આ મેળામાં બાળકો રમકડાંની ખરીદી કરે છે અને ખાણીપીણીની મજા માને છે. દિવાસા ટાંકણે સુરતીઓ લાપસી-વેળમીનું જમણ કરે છે. દિવાસાથી દિવાળી સુધી તહેવારોની શૃંખલા ચાલુ થાય છે એટલે જ તો દિવાસાને દિવાળીનો દરવાજો પણ કહેવામાં આવે છે.
સુરત – કિરીટ મેઘાવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.