ગાંધીજીએ ત્રણ ‘એચ’(હેન્ડ, હાર્ટ અને હેડ)ની વાત કરી છે. ઉમાશંકર જોષીએ કહ્યું છે,’ ત્રણ વાના મુજને મળ્યા, હૈયું,મસ્તક,હાથ. ચોથું નથી માંગવું, એ વાત કદાચ સાર્થક થવાના એંધાણ શિક્ષણમાં દ્રશ્યમાન થઈ રહ્યા છે. શિક્ષણમાં માત્ર મસ્તક(મગજ)નો જ ઉપયોગ કરતા જ શીખવાય છે. બાળદેવોનાં મગજમાં ફક્ત ને ફકત માહિતીનો ખડકલો કરતા રહીએ છીએ. મતલબ હાથ પગ અને હૈયાની કેળવણી (શિક્ષણ નહીં) નહીવત. ત્યારે શનિવાર નસીબદાર કે બાળકો? સમય જણાવશે. ભાર વગરનાં ભણતરની પીપૂડી વચ્ચે દફતરનો ભાર તો વધતો જ રહ્યો છે. સહ અભ્યાસક પ્રવૃત્તિઓનાં નામે શાળાઓની મનઘડત વાતોથી વાલીઓના ખિસ્સા પર ભારણ વધતું જ રહ્યું. પણ, વ્યક્ત કોણ થાય? દરેક વાલીઓને તો પોતાનાં સંતાનોને નંબર વન બનાવવાનાં કોડ હોય!
સૌ ગુજરાતનાં કથળેલા શિક્ષણ અંગે ચોરે ને ચૌટે ચર્ચા કરતા રહ્યા પણ મક્કમતાથી વિરોધ પ્રદર્શન કરી બાળકને બચાવવા કોઈ પ્રયાસો હાથ ન ધરાયા. સદનસીબે એક પ્રયોગ અમલમાં મૂકાયો છે, દફતર વગરનો શનિવાર. આ દફતર વગરનો શનિવાર એટલે શિક્ષકની કસોટીનો શનિવાર, બાળકની અંદર રહેલી અમાપ શકિતઓને પીછાણી તેને ઉધાડ આપવાનો દિવસ. પણ કેટલીક શાળાઓ તો ડર્યા વગર શનિવારે પણ શિક્ષણને મહત્વ આપે તો નવાઈ નહીં! ટીકા લાગશે કે કદાચ નહીં ગમશે પણ શાળાઓની શ્રેષ્ઠતાની પારાશીશી તો પરિણામ છે. ઓહ,કેવી કમનસીબી! જો તંત્ર દ્વારા નિયમિત મોનિટરીંગ ન થાય,સાચા રિપોર્ટ ન લેવાય તો શ્રેષ્ઠ વિચાર હાંસિયામાં ધકેલાઈ જાય તો આશ્ચર્ય ન થશે.
સુરત – અરૂણ પંડ્યા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.