Columns

ભગવાનનું પ્લાનિંગ

ભગવાન મંદિરમાં એક જગ્યાએ ઊભા ઊભા થાકી ગયા. દેવદૂત કહે છે, ‘‘પ્રભુ, આપ આરામ કરો. હું મૂર્તિ બનીને બધાને દર્શન આપીશ.” ભગવાન માની જાય છે પણ દેવદૂતને કહે છે, ‘‘જે લોકો પ્રાર્થના કરવા આવે તું ચુપચાપ બધું સાંભળી લેજે. કંઈ બોલતો નહિ. હું બધાની માંગ પહેલેથી જાણું જ છું અને મેં બધા માટે પહેલેથી પ્લાનિંગ કરી લીધું છે.” મંદિરમાં સૌથી પહેલાં દર્શન કરવા એક અમીર બિઝનેસમેન આવે છે, પ્રાર્થના કરે છે, ‘‘હે પ્રભુ, નવી ફેક્ટરીમાં મને ખૂબ નફો થાય એવી કૃપા કરજો,” નીચે નમીને પ્રણામ કરે છે ત્યારે તેનું પર્સ નીચે પડી જાય છે.દેવદૂત જુએ છે પણ ચૂપ રહે છે.

હવે મંદિરમાં એક ગરીબ માણસ આવે છે. આંખોમાં આંસુ સાથે પ્રાર્થના કરે છે, ‘‘હે પ્રભુ, મદદ કર. ઘરમાં મારાં છોકરાં બે દિવસથી ભૂખ્યાં છે. હવે તારો જ આશરો છે.” ગરીબ માણસ નીચે નમીને પ્રણામ કરે છે ત્યારે તેની નજર નીચે પડેલા પૈસાથી ભરેલા પર્સ પર જાય છે અને ઈશ્વરકૃપા સમજી તે પર્સ લઇ જતો રહે છે. દેવદૂત જોતો રહે છે. હવે દર્શન કરવા એક નાવિક આવે છે. તે પ્રાર્થના કરે છે, ‘‘પ્રભુ, હું જહાજ લઈને લાંબી સાગરખેડ પર જાઉં છું. યાત્રામાં કોઈ અડચણ ન આવે એવું કરજો.” ત્યારે  પેલો બિઝનેસમેન પોલીસ લઈને આવે છે અને પોલીસ નાવિક પકડી લે છે. હવે દેવદૂત બોલી પડે છે અને બધી વાત પોલીસને કરે છે. હવે પોલીસ ગરીબ માણસને પકડીને જેલ કરે છે. પર્સ બિઝનેસમેનને આપી દે છે. નાવિકને છોડી દે છે.

દેવદૂતે ભગવાનને બધી વાત કરી. ભગવાને કહ્યું, ‘‘તેં બધાનું કામ બગાડ્યું છે. વેપારી ખોટાં કામ કરી બહુ પૈસા કમાય  છે પણ પાપ કરે છે , અનાયાસે ગરીબને મદદ થવાથી તેનાં પાપ ઓછાં થાત, ગરીબ માણસનાં છોકરાં ભૂખ્યાં ના રહેત અને જે નાવિક યાત્રા પર જવાનો હતો ત્યાં તોફાન આવવાનું છે. જો તે જેલમાં રહેત તો બચી જાત. તેં મારા પ્લાનિંગમાં ગરબડ કરી.” જીવનમાં જે થાય છે તેમાં ભગવાનનું પ્લાનિંગ હોય છે તે યાદ રાખો. કોઈ તકલીફ આવે તો ઉદાસ ન થાવ. જે થાય છે તે સારા માટે થાય છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top