ગાયનું દૂધ પણ ‘માંસાહારી’ હોઈ શકે? આ પ્રશ્ન એટલા માટે ઊભો થાય છે કારણ કે ભારત અને અમેરિકા વચ્ચેનો વેપાર કરાર આ મુદ્દા પર અટવાયેલો છે. ભારતે સ્પષ્ટપણે કહ્યું છે કે તે કોઈ પણ કિંમતે ‘માંસાહારી’ દૂધની આયાત કરી શકશે નહીં. ભારતમાં દૂધ અને તેનાં ઉત્પાદનોનો ઉપયોગ ધાર્મિક કાર્યોમાં પણ થાય છે. આવી સ્થિતિમાં ભારત સરકારે તેની ‘પવિત્રતા’ સાથે કોઈ પણ સમાધાન કરવાનો ઇન્કાર કર્યો છે. સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે વેપારમાં આ ભારતની ‘રેડ લાઇન’ છે. તે અમેરિકા સાથે કોઈ પણ પ્રકારના દૂધનો વેપાર કરશે નહીં, જેની ‘શુદ્ધતા’ અને ‘પવિત્રતા’ શંકાસ્પદ હોય.
હવે પ્રશ્ન એ છે કે દૂધ માંસાહારી કેવી રીતે હોઈ શકે?

આપણે ફક્ત એટલું જ જાણીએ છીએ કે દૂધ શાકાહારીઓ માટે ‘સંપૂર્ણ આહાર’નો એક મોટો સ્રોત છે. દૂધ ફક્ત આપણા ખોરાકનો એક ભાગ નથી પણ પૂજામાં પણ તેની ઘણી મહત્ત્વની ભૂમિકા છે. ‘શાકાહારી સિદ્ધાંત’ને બાજુ પર રાખીએ તો પણ કોઈને શંકા નથી કે દૂધ સંપૂર્ણપણે શાકાહારી નથી પરંતુ જે દૂધની અમેરિકાથી આયાતની વાટાઘાટો થઈ રહી છે તેને માંસાહારી કેમ કહેવામાં આવે છે?
આની પાછળનું કારણ એ છે કે જે ગાયમાંથી આ દૂધ મેળવવામાં આવે છે તે શાકાહારી ગાય નથી. અમેરિકામાં ગાયો ઉછેરવાની પદ્ધતિ ભારત કરતાં અલગ છે. ત્યાં ગાયો ફક્ત ઘાસ અને ભૂસું જ નથી ખાતી, જેમ આપણે ત્યાં ગાયો ખાય છે. સારા પોષણ માટે અમેરિકામાં ગાયને માંસ પણ ખવડાવવામાં આવે છે.
એક અહેવાલ મુજબ, USમાં ગાયોને એવો ખોરાક આપવામાં આવે છે જેમાં ડુક્કર, માછલી, ચિકન, ઘોડા, કૂતરા અને બિલાડીનું માંસ પણ હોઈ શકે છે. 2004ના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે ગાયોને પ્રોટીન તરીકે ડુક્કર અને ઘોડાનું લોહી પીવડાવવામાં આવે છે અને ગાયનું ટાલો પણ તેમને આપવામાં આવે છે, જેથી તે હૃષ્ટપુષ્ટ રહે. તે જ સમયે, મરઘીનાં પીંછાં અને મરઘીના મળ પણ સસ્તા ચારામાં ભેળવવામાં આવે છે. ભારત આવી ગાયોના દૂધને ‘નોન-વેજ દૂધ’ માને છે.
હવે એ સમજીએ કે, અમેરિકામાં પશુઓને અપાતું ‘બ્લડ મીલ’ શું છે?
અમેરિકામાં પશુઓને ‘બ્લડ મીલ’ આપવામાં આવે છે. ‘બ્લડ મીલ’ મીટ પૅકિંગ વ્યવસાયનું બાય-પ્રોડક્ટ હોય છે અને આને બીજા જાનવરોને ખવડાવવા માટે વપરાય છે. જાનવરોને માર્યા બાદ તેમનું લોહી ભેગું કરીને તેને સૂકવીને એક ખાસ પ્રકારનો ચારો બનાવાય છે- તેને ‘બ્લડ મીલ ‘ કહેવાય છે. પશુપાલન નિષ્ણાતોના જણાવ્યા મુજબ, આ લાઇસીન નામના એમિનો ઍસિડ (ગાય માટે પ્રોટીનમાં મળતા દસ જરૂરી એમિનો ઍસિડમાંથી એક)નો સારો સ્રોત છે. તેનો ઉપયોગ પશુપાલન વ્યવસાયમાં ખાસ રીતે થાય છે. જેમ કે, દૂધાળા પશુઓ વધુ દૂધ આપે એ માટે તેમને નિયમિત રીતે ખાવા માટે ‘બ્લડ મીલ’ આપવામાં આવે છે.
વધુમાં નિષ્ણાતોનું કહેવું છે કે, દૂધાળા પશુઓ સિવાય તેનો ઉપયોગ પશુપાલન ઉદ્યોગમાં મોટા પાયે કરવામાં આવે છે. તેનો ઉપયોગ નાઇટ્રોજન વધારવા માટે ખાતર તરીકે પણ કરાય છે. ગાયોના શરીરમાં મળતા પ્રોટીનમાં લગભગ દસ પ્રકારના જરૂરી એમિનો ઍસિડ હોય છે, જેમાંથી બે બહુ મહત્ત્વપૂર્ણ છે – લાઇસીન અને મિથિયોનાઇન. ગાયો પ્રોટીન સિવાય એમિનો ઍસિડ્સ પચાવવામાં સક્ષમ હોય છે એટલે તેમને ખાવામાં ‘બ્લડ મીલ ‘ અને મકાઈ આપવામાં આવે છે. જ્યારે ‘બ્લડ મીલ’ લાઇસીનનો સ્રોત હોય છે અને મકાઈમાં મિથિયોનાઇન હોય છે.
એક રિસર્ચમાં જાણવા મળ્યું કે આવો ચારો આપવાથી લોહીમાં લાઇસીનની માત્રા બગડે છે. તેની જગ્યાએ સોયાબીન પણ લાઇસીનનો સારો સ્રોત છે. ભારતમાં કેટલાંક ઑનલાઇન ઈ-કૉમર્સ પ્લૅટફૉર્મ પર પણ ખેતી માટે ‘બ્લડ મીલ’ વેચાય છે. ફીડિપીડિયા નામની વેબસાઇટ અનુસાર ‘બ્લડ મીલ’ બનાવવાથી કતલખાનામાં કચરો ઓછો થાય છે અને પ્રદૂષણ ઘટે છે, પરંતુ જાણકારો માને છે કે લોહી સૂકવવાની પ્રક્રિયામાં સારી એવી વીજળી ખર્ચાઈ શકે છે.
ભારતે અમેરિકાને શું કહ્યું?
આ મામલે ભારત સરકારનું વલણ ખૂબ જ સ્પષ્ટ છે. અહીંની 38% વસ્તી શાકાહારી છે. હિન્દુ ધર્મમાં પૂજામાં દૂધ અને ઘીનો ઉપયોગ થાય છે. આવી સ્થિતિમાં ભારતે તેની આયાત અંગે કેટલીક શરતો રાખી છે એટલે કે અમેરિકાએ સ્પષ્ટપણે સાબિત કરવું પડશે કે જે ગાયોનું દૂધ ભારતમાં મોકલવામાં આવશે તેમને ક્યારેય માંસ કે લોહી જેવી માંસાહારી વસ્તુઓ ખવડાવવામાં આવી નહીં હોય. ધાર્મિક અને સાંસ્કૃતિક કારણોસર આ ભારત માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે અને તે ભારતની ‘રેડ લાઈન’ પણ છે એટલે કે આમાં કોઈ સમાધાન થશે નહીં.
ભારતમાં પણ આ અંગે કડક નિયમો છે. પશુપાલન વિભાગ દેશમાં ખાતરી કરે છે કે દૂધાળા પ્રાણીઓને ક્યારેય માંસ, હાડકાં કે લોહી વગેરે ખવડાવવામાં ન આવે. સમાન નિયમોને કારણે, માંસાહારી દૂધ કે દૂધનાં ઉત્પાદનો અમેરિકાથી ભારતમાં આવી શકતાં નથી. આ ઉપરાંત, ભારતને દૂધ માટે અમેરિકા પર નિર્ભર રહેવાની જરૂર નથી.