Columns

ઉપરાષ્ટ્રપતિ જગદીશ ધનખડે અચાનક રાજીનામું આપવાનો નિર્ણય કેમ કર્યો?

રાજકારણમાં કોઈ રાજીનામું શબ્દના સાચા અર્થમાં રાજીનામું નથી હોતું પરંતુ નારાજીનામું હોય છે. ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીશ ધનખડે અચાનક પોતાના હોદ્દા પરથી નારાજીનામું આપ્યું તેને કારણે શાસક પક્ષના પેટનું પાણી હલ્યું નથી પણ વિપક્ષને આંચકો લાગ્યો છે. જગદીશ ધનખડે રાષ્ટ્રપતિને ઉદ્દેશીને જે પત્ર લખ્યો તેમાં પોતે સ્વાસ્થ્યના કારણે રાજીનામું આપી રહ્યા હોવાનું લખ્યું છે. જગદીશ ધનખડને કોઈ હાર્ટ એટેક નથી આવ્યો કે તેમનું સ્વાસ્થ્ય એટલી હદે કથળી નથી ગયું કે તેમણે અચાનક રાજીનામું આપવું પડે.

જગડીશ ધનખડે સોમવારે મોડી સાંજે રાજીનામું આપ્યું તે દિવસે તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ જણાતા હતા અને તેમણે રાજ્યસભાની કાર્યવાહીમાં સભાપતિ તરીકે પોતાની ભૂમિકા પણ સ્ફૂર્તિપૂર્વક નિભાવી હતી. સોમવારે સાંજે ૬.૦૦ વાગ્યા સુધી તેમના રાજીનામાનો કોઈ અણસાર નહોતો અને ૯.૦૦ વાગ્યે તેમણે રાજીનામું આપી દીધું હતું. સાંજે ૬.૦૦ અને ૯.૦૦ વાગ્યા વચ્ચે એવું શું બન્યું કે તેમણે આટલા મહત્ત્વના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું તે અટકળનો વિષય છે. ભારતના કોઈ ઉપરાષ્ટ્રપતિએ કોઈ પણ દેખીતા કારણ વગર રાજીનામું આપી દીધું હોય તેવી આ પહેલી ઘટના છે. અગાઉ ઉપરાષ્ટ્રપતિની વરણી રાષ્ટ્રપતિ તરીકે થઈ હોય તે કારણસર જ તેમણે રાજીનામું આપ્યું છે.

જગદીપ ધનખડ ૭૪ વર્ષના છે. તેમણે ઓગસ્ટ ૨૦૨૨માં ઉપરાષ્ટ્રપતિપદ સંભાળ્યું હતું અને તેમનો કાર્યકાળ ૨૦૨૭ સુધીનો હતો. આ પહેલાં તેઓ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ હતા. તેમના કાર્યકાળ દરમિયાન તેમનાં સ્પષ્ટ નિવેદનો અને વિપક્ષ સાથેના તણાવ ઘણી વખત હેડલાઇન્સમાં આવ્યા હતા. વિપક્ષે રાજ્યસભામાં પણ તેમના પર પક્ષપાતનો આરોપ લગાવ્યો હતો અને તેમને પાણીચું આપવાનો પ્રસ્તાવ પણ સદનમાં લાવવામાં આવ્યો હતો. હવે આ જ વિપક્ષો જગદીશ ધનખડના રાજીનામા બાબતમાં કોઈ રમત રમાઈ ગઈ હોવાનો આક્ષેપ કરી રહ્યા છે અને તેમના પ્રત્યે સહાનુભૂતિ પણ વ્યક્ત કરી રહ્યા છે. જગદીશ ધનખડનું રાજીનામું ચોમાસું સત્રના પહેલા દિવસ પછી આવ્યું છે. જો તેમણે રાજીનામું આપવાનો નિર્ણય અગાઉથી કરી રાખ્યો હોય તો ચોમાસું સત્ર શરૂ થાય તેના આગલા દિવસે તેમણે રાજીનામું આપવું જોઈતું હતું.

હકીકતમાં જગદીશ ધનખડે રાજીનામાંના થોડા કલાકો પહેલાં જ વિપક્ષી સાંસદો સાથે મુલાકાત કરી હતી અને સંસદની કાર્યવાહી પણ ચલાવી હતી. આ સમય દરમિયાન તેમણે સ્વાસ્થ્ય સંબંધિત કોઈ ફરિયાદ વ્યક્ત કરી ન હતી. કોંગ્રેસના નેતાઓ અખિલેશ પ્રસાદ સિંહ, પ્રમોદ તિવારી અને જયરામ રમેશ સોમવારે સાંજે ૫.૪૫ વાગ્યે ઉપરાષ્ટ્રપતિ જગદીશ ધનખડને મળ્યા હતા. તેમના મતે ઉપરાષ્ટ્રપતિ સ્વસ્થ હતા. વિપક્ષનો આ દાવો પણ પ્રશ્નો ઊભા કરી રહ્યો છે. ઘણા નિષ્ણાતો જગદીશ ધનખડના ખરાબ સ્વાસ્થ્યના દાવા પર શંકા વ્યક્ત કરી રહ્યા છે. જગદીશ ધનખડ ૨૩ જુલાઈના રોજ જયપુરની મુલાકાતે જવાના હતા, જે રદ કરવામાં આવી ન હતી. જગદીશ ધનખડના રાજીનામાં પાછળ શું કોઈ મુદ્દા પર સરકાર સાથેનો સંઘર્ષ કારણભૂત હતો? શું ધનખડ ખેડૂતોના મુદ્દા પર સરકારથી નારાજ હતા? જાતજાતના સવાલો પૂછાઈ રહ્યા છે.

જગદીશ ધનખડે ઉપરાષ્ટ્રપતિપદેથી રાજીનામું આપવાનો અચાનક નિર્ણય કેમ લીધો? તેનો જવાબ સોમવારે રાજ્યસભામાં બનેલી બે સૂચક ઘટનાઓ ઉપરથી આવી શકે છે. સોમવારે સવારે જે.પી નડ્ડાએ ગૃહમાં કહ્યું હતું કે મારા શબ્દો રેકોર્ડ કરવામાં આવશે, પણ તમારા શબ્દો રેકોર્ડ કરવામાં આવશે નહીં. આ અધ્યક્ષનું સીધું અપમાન હતું. સોમવારે ગૃહની કાર્યવાહીની મધ્યમાં લગભગ ૪.૩૦ વાગ્યે વ્યાપાર સલાહકાર સમિતિ (BAC) ની બીજી બેઠક યોજાઈ હતી અને તેમાં શાસક પક્ષના પ્રતિનિધિ તરીકે માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી એલ. મુરુગન હાજર હતા.

બીએસીની બેઠકમાં ગૃહના નેતા જે.પી. નડ્ડા અને સંસદીય બાબતોના પ્રધાન કિરણ રિજિજુની ગેરહાજરીથી જગદીશ ધનખડ નારાજ હતા. સૌથી આશ્ચર્યજનક વાત એ હતી કે જગદીશ ધનખડને વ્યક્તિગત રીતે જાણ કરવામાં આવી ન હતી કે બંને મંત્રીઓ બેઠકમાં હાજરી આપશે નહીં. સોમવારે બપોરે ૧ વાગ્યાથી ૪.૩૦ વાગ્યાની વચ્ચે કંઈક ગંભીર બન્યું હશે, જેના કારણે જે.પી. નડ્ડા અને કિરણ રિજિજુ જાણી જોઈને સાંજની બેઠકમાં હાજર રહ્યા ન હતા. કોંગ્રેસના સાંસદ સુખદેવ ભગતે પણ બીએસીની બેઠકમાં જે.પી. નડ્ડા અને કિરણ રિજિજુની ગેરહાજરી પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. જે.પી. નડ્ડા દ્વારા જગદીશ ધનખડને સંદેશો આપવામાં આવ્યો હતો કે ભાજપ મોવડીમંડળનો વિશ્વાસ તમે ગુમાવી દીધો છે.

કહેવાય છે કે તેની ફરિયાદ કરવા માટે જગદીશ ધનખડે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વારંવાર ફોન લગાવ્યા હતા, પણ તેઓ ફોન પર આવ્યા જ નહોતા. છેવટે મોવડીમંડળનો મિજાજ પારખીને જગદીશ ધનખડે રાજીનામું આપી દીધું હતું. જગદીશ ધનખડ ઘણા સમયથી ન્યાયતંત્ર વિશે નિવેદનો આપી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ જસ્ટિસ વર્મા સામે મહાભિયોગની કાર્યવાહીનો ચહેરો બનવા માંગતા હતા. વિપક્ષે આ સંદર્ભમાં જગદીશ ધનખડને નોટિસ આપી હતી અને તેમણે સ્વીકારીને આ કાર્યવાહીનો શ્રેય લીધો હતો, જ્યારે શાસક પક્ષને આ બાબતના કોઈ સમાચાર મળ્યા નહીં. એવું કહેવામાં આવી રહ્યું છે કે રાજ્યસભા અધ્યક્ષને નોટિસ આપવાની કાર્યવાહી સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવી હતી અને તેનો કોઈ ફોટો પણ લેવામાં આવ્યો ન હતો.

ભાજપના સાંસદો એક બાજુ જસ્ટિસ વર્મા સામે મહાભિયોગનો પ્રસ્તાવ લાવવા માટે લોકસભાના અધ્યક્ષને નોટિસ આપવાની તૈયારી કરી રહ્યા હતા. તે માટે આશરે સો સાંસદોને રક્ષા મંત્રી રાજનાથ સિંહના ઘરે બોલાવવામાં આવ્યા હતા અને તેમની પાસે કોરા કાગળ પર સહી કરાવી લેવામાં આવી હતી. આ કાગળ લોકસભાના અધ્યક્ષને સુપરત કરવામાં આવે તે પહેલાં જગદીશ ધનખડે વિપક્ષની અરજી સ્વીકારી લીધી તેને કારણે ભાજપનું મોવડીમંડળ સખત નારાજ થયું હતું. જગદીશ ધનખડ આ મહાભિયોગની કાર્યવાહીમાં હીરો બની જાય અને બધી ક્રેડિટ લઈ જાય તેવું ભાજપનું મોવડીમંડળ નહોતું ઇચ્છતું. તે કારણે પણ તેમને રાજીનામું આપવાની ફરજ પાડવામાં આવી હોય તેવું પણ બની શકે છે.

વિપક્ષી નેતાઓ હવે જગદીશ ધનખડ પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી રહ્યા છે, પરંતુ આ એ જ નેતાઓ છે જેઓ થોડા મહિના પહેલાં જગદીશ ધનખડ પર પક્ષપાતનો આરોપ લગાવતા હતા. ગયા વર્ષે ૧૦ ડિસેમ્બરે જગદીશ ધનખડ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ રાજ્યસભાના મહાસચિવ પી.સી. મોદીને સોંપવામાં આવી હતી. આ પ્રસ્તાવ પર કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, સમાજવાદી પાર્ટી, ડીએમકે અને અન્ય વિપક્ષોના લગભગ ૬૦ સાંસદોએ હસ્તાક્ષર કર્યા હતા. વિપક્ષે જગદીશ ધનખડ પર ગૃહમાં પક્ષપાતી વર્તનનો આરોપ લગાવ્યો હતો.

જો કે, ૧૯ ડિસેમ્બરે ઉપસભાપતિ હરિવંશે ટેકનિકલ કારણોસર આ પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો, કારણ કે તેને રજૂ કરવા માટે ૧૪ દિવસની નોટિસ આપવામાં આવી ન હતી. ભારતના સંસદીય ઇતિહાસમાં પહેલી વાર ઉપરાષ્ટ્રપતિ સામે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે જો ધનખડ એટલા સારા છે તો કોંગ્રેસ પાર્ટી ડિસેમ્બરમાં તેમની સામે અવિશ્વાસ પ્રસ્તાવ કેમ લાવી? શું ધનખડ તે સમયે ખરાબ હતા અને શું તેઓ હવે સારા થઈ ગયા છે? આ કોંગ્રેસ પાર્ટીનાં બેવડાં ધોરણો દર્શાવે છે. હવે તે ફક્ત તેમના રાજીનામા પર શોક વ્યક્ત કરી રહી છે. તે સ્વાસ્થ્યનાં કારણોસર ધનખડના રાજીનામાના મુદ્દા પર પણ રાજકારણ કરી રહી છે.

ઉપરાષ્ટ્રપતિપદ પરથી રાજીનામું આપ્યા પછી જગદીશ ધનખડનું વિદાય ભાષણ પણ નહીં આપવાનું કૃત્ય અટકળોનું બજાર ગરમ કરી રહ્યું છે. અવિશ્વાસના પ્રસ્તાવ વખતે જગદીશ ધનખડની પાછળ ખડકની જેમ ઊભા રહેલા ભાજપના નેતાઓ હવે તેમના રાજીનામા પર પ્રતિક્રિયા આપી રહ્યા નથી. સોશ્યલ મિડિયા પર પણ તેઓ તેમના ભલા માટે પોસ્ટ પણ લખી રહ્યા નથી. એવી અટકળો છે કે તેઓ અચાનક વિપક્ષ પ્રત્યે જરૂર કરતાં વધુ ઉદાર બની ગયા હતા. ખાસ કરીને જે રીતે તેમણે જસ્ટિસ વર્મા સામે મહાભિયોગ ચલાવવાના વિપક્ષના પ્રસ્તાવને ઝડપથી સ્વીકારી લીધો હતો, તેને કારણે તેઓ ભાજપની નારાજગીનો ભોગ બન્યા હતા.– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top