Dakshin Gujarat

બની બેઠેલાં નેતાઓના પાપે વલસાડમાં શાકભાજી માર્કેટના સ્થળાંતરનો મુદ્દો ગૂંચવાયો

વલસાડ: વલસાડ શાકભાજી માર્કેટના સ્થાળાંતરનો મુદ્દો ટલ્લે ચઢ્યો છે. જેના માટે બે જુથો રોજ નવા નવા મુદ્દા લાવી વહીવટી તંત્રને રજૂઆત કરી તેમનો સમય પણ બગાડી રહ્યા છે. એપીએમસીમાં જગ્યાની ફાળવણી માટે ડ્રો થયા બાદ પણ મામલો ઉકેલાયો નથી. ત્યારે આ બજાર શહેરના જુદા જુદા વિસ્તારમાં ખસેડાય તો મામલાનો ઉકેલ થઇ શકે છે. જે વિસ્તારમાં ખાલી જગ્યા હોય, ત્યાં થોડા થોડા વેપારીઓને જગ્યા ફાળવી આખું બજાર છુટું છવાયું બનાવી શકાય છે.

  • વલસાડ શાકભાજી માર્કેટનો મુદ્દો બની બેઠેલા નેતાઓ ટલ્લે ચઢાવી રહ્યા છે
  • શહેરના જુદા જુદા વિસ્તારમાં ફેરિયાઓને વહેંચી દેવામાં આવે તો સમસ્યા હલ થઇ શકે છે

વલસાડ શાકભાજી માર્કેટના નવા મકાનના નિર્માણ માટે આખી જગ્યા ખાલી થાય એ જરૂરી બન્યું છે. આ જગ્યા ખાલી કરવા કોઇ માંગતું નથી. જેના માટે બે જુથ પડી ગયા છે. પાલિકાના માજી પ્રમુખ રાજુ મરચાંનું જુથ અને બીજું વેપારી ચીન્ટુનું જુથ. આ બંને જુથો પોતા પોતાનું રાજકારણ રમી રહ્યા છે અને સ્થાનાંતરનો મુદ્દો ટલ્લે ચઢાવી રહ્યા છે.

ત્યારે આ માર્કેટ ડ્રો સિસ્ટમ વડે શહેરના જુદા જુદા વિસ્તારમાં ફેલાવી દેવાય તો મામલાનો ઉકેલ આવી શકે છે. વલસાડ નગરપાલિકાની શહેરમાં અનેક સ્થળોએ ખાલી જગ્યા છે. આ જગ્યામાં માર્કેટના વેપારીઓને હંગામી ધોરણે ખસેડી દેવાય તો મામલો હલ થઇ શકે છે. જેના માટે ડ્રો સિસ્ટમ પણ લાવી શકાય એમ છે. જે વેપારીને જે જગ્યા મળે એ જગ્યાએ તેમણે જવાનું નક્કી રહે અને ધંધો પણ કરી શકે છે.

પાલિકાની અનેક જગ્યાઓ ખાલી
વલસાડ નગરપાલિકા હસ્તકની અનેક જગ્યાઓ ખાલી પડી છે. તિથલ રોડ પર લુહાણા સમાજ હોલની ગલીના નાકેની મોટી જગ્યા ખાલી પડી છે. કેટલીક લારીઓ અને ફેરિયાઓને અહીં મુકી દેવાય તો તિથલ રોડના રહીશોને મોટી રાહત મળી શકે છે. એ જ રીતે ભાગડાવડા ગામમાં, નાનકવાડા ગામમાં પણ થોડી જગ્યા ફાળવી શકાય છે. જુના વલસાડમાં પણ છીપવાડ સહિતના વિસ્તારમાં ખાલી જગ્યા અથવા મહોલ્લામાં થોડી જગ્યા ફાળવી કેટલાક ફેરિયાઓને અને લારીવાળાઓને ત્યાં ખસેડી શકાય છે. જેમાં મુખ્ય રોડની બાદબાકી કરી શકાય છે.

મોટી સોસાયટીઓમાં પણ શાકભાજી અને ફળવાળાને જગ્યા ફાળવી શકાય
વલસાડ નગરપાલિકા દ્વારા શહેરની મોટી સોસાયટીવાળાઓ સાથે વાત કરીને નિયત સમય માટે તેમની સોસાયટીના નાકે અથવા સોસાયટીમાં કોઇને નડતર રૂપ ન બને એ રીતે બે થી ત્રણ લારી કે ફેરિયાઓને બેસાડવાનો કિમયો પણ વિચારાઇ રહ્યો છે. જેમાં શાકભાજી સાથે ફ્રૂટની લારી વાળાઓને પણ અહીં જગ્યા ફાળવી શકાય છે. જેના માટે મોટી મોટી સોસાયટી અને એપાર્ટમેન્ટ સંચાલકો સાથે બેઠક કરી તેમની સમસ્યાનો પણ હલ નિકળી શકે છે.

Most Popular

To Top