ઓગણીસમી સદીની શરૂઆતમાં આ લખાય છે ત્યારે 110 વર્ષ પહેલા દુષ્કાળની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. પીવાના પાણી તંગી હોવાથી માનવીના હોઠ પણ સુકાતા જતા હતા. ત્યારે માનવ વસવાટે પોતાની તરસ છીપાવવા માટે સ્થળાંતર કરીને કીમ નદીના કિનારે વસવાટ કર્યો. એ સમયે ધૂળની ડમરીઓ દેખાતી હતી. ત્યારે કુંભારોની પણ મહદ અંશે વસતી હતી. નાનકડું ગામડું પણ ગ્રામજનોએ ત્યાં ગદાધારી મોરીવાળા હનુમાનજીની મૂર્તિ એક નાના વડના થડમાં સ્થાપિત કરેલી. અને એમ માનવામાં આવે છે કે હાલમાં જ્યાં દક્ષિણામુખી મોરીવાળા હનુમાનજીનું મંદિર છે ત્યાં દેવાધિદેવ શિવમંદિર પણ હતું. જેને લઈને હાલમાં વડના વિશાળ ઝાડ નીચે શિવલિંગ અને નંદી પણ છે. એ સમયે મુસ્લિમ રાજાએ મંદિર પર આક્રમણ કરી નાશ કરવામાં આવ્યું હોય એમ જાણવા મળે છે.

ગુજરાતમાં કોઈ ખૂણો બાકી ન હોય અને વિશ્વભરમાં સૌથી વધુ હનુમાનજી મંદિરો આવેલાં છે. પણસોલી ગામમાં સ્થળાંતર બાદ વસવાટ કરતા ગ્રામજનોમાં અગાઉ વિચાર ઉદભવ્યો કે આપણે તો ગામ છોડી પણસોલી ગામે આવતા હોય ત્યારે આપણા દેવ પવનસુતને છોડીને આવ્યા છીએ. તો આપણે આપણા ગામમાં હનુમાનજીની મૂર્તિ હાલ ગામમાં લીમડા પાસે ચોરા નજીક લાવી સ્થાપિત કરીએ, જેમાં વડીલોએ પણ રાજીપો વ્યક્ત કર્યો હતો. એ સમયે આધુનિક સાધનોનો અભાવ હતો. ગામની ઘરેડમાં માત્ર બળદ ગાડાની વ્યવસ્થા હતી. જેથી ઉચ્ચ કોટીના બળદો અને સારાં ગાડાં લઈને ગામમાં લાવવા માટે તૈયાર કરીને નીકળ્યા. સાથે ગામના આધ્યાત્મિક વડવાઓ પણ વિશાળ વટ વૃક્ષ નીચે મૂકેલી હનુમાનજીની મૂર્તિ લેવા ગયા. સૌએ અથાક પરિશ્રમ અને ખૂબ જ મહેનત કરી બળદ ગાડામાં મૂર્તિ તો મૂકવામાં આવી, પણ બળદગાડું ગામના રસ્તા ભણી લાવતાં 8થી 10 ગાડાંનાં પૈડાં, લાકડાંનો ધરો (આંક), શાટ (સાટું) અને ધોરિયો પણ ભાંગી ગયો. હનુમાનજીની મૂર્તિ લાવતાં બળદગાડાંને એકસાથે તકલીફો ઊભી થતાં એ વખતના લોકોને પરસેવો પડી ગયો. એ વખતે સૌને થયું કે ભગવાન કસોટી કરે છે. આ તકલીફો વચ્ચે પણ મક્કમ નિર્ધારથી આ મૂર્તિ ગામના લીમડા ચોરા સુધી લાવીને સ્થાપિત કરી. એ વખતે મહામહેનતે ગ્રામજનોમાં પોતાના ગામમાં દેવ આવતાં વધામણા અને હરખ હતો.
થોડા સમય બાદ ગામમાં વિકરાળ સ્થિતિ ઊભી થઇ. ગામમાં માનવ અને પશુઓમાં જીવલેણ રોગોનું સંકટ ઊભરી આવ્યું. રોજબરોજ જીવલેણ રોગોનો આપત્તિ પહાડ આવી પડતાં એ વખતે નોધારા બની ગયા. મુશ્કેલી આવે ત્યારે જ પ્રભુના દરબારમાં જઈને આંખમાં આંસુ સારવા માંડ્યા. આવી આફતરૂપ ઘટનાએ ગામના વડીલોએ મનોમંથન કરવા માંડ્યા. અચાનક જીવલેણ રોગ આવવાના આત્મચિંતન કરવા લાગ્યા. સૌ ગ્રામજનોએ વિચારવિમર્શ કરી આવી પડેલા સંકટનું નિવારણ કરવા રસ્તો શોધી રહ્યા હતા. જેને લઈને ગામમાં લાવેલા સંકટ મોચક હનુમાનજી મૂર્તિ પાસે જઈને વાળીને બે ચિઠ્ઠી નાંખી, જેમાં તમારે અહીં રહેવું છે કે તમારા અસ્સલ સ્થાને જવું છે. જેમાંથી એક ચિઠ્ઠી ઉપાડીને જોતાં તેમાં લખેલું હતું કે “અસ્સલ જગ્યાએ જવું છે.” આ ઘટના બાદ વડવાઓ અને ગ્રામજનો ભેગા મળીને સહમત થયા કે હનુમાનદાદાને તેમના મૂળ અસ્સલ સ્થાને જ મૂકી આવીએ. જેને લઈને તૂટેલું બળદગાડુંને જોતાં મૂર્તિ ખૂબ જ ઓછી મહેનતે ખૂબ સહજતાથી અસ્સલ જગ્યાએ પહોંચી ગઈ અને એ વખતે માનવીઓ અને પશુઓને પણ જીવલેણ રોગો આવતા અટકી ગયા. આ એક અનોખો અનુભૂતિ અને ગ્રામજનોને ચમત્કાર લાગ્યો. આ સ્થાને જ ગ્રામજનોએ આ જ જગ્યાએ વર્ષ-1976-77માં મંદિર બનાવીને શાસ્ત્રોક્ત વિધિથી પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી. આજે તો દર વર્ષે શ્રાવણ મહિનામાં અને હનુમાનજયંતીએ હનુમાન ભક્ત ઠેકઠેકાણેથી આવતા હોય છે. આ મંદિરે નિયમિત પૂજા અને આરતી થાય છે.
જાણીતા ચિત્રકાર અને વાલિયા તાલુકાના મુઠ્ઠી ઊંચેરા માનવી શાંતિલાલ સુરતી

જેનાથી તમે ઓળખાવ છો એ તમારું “ચિત્ર” કહેવાય અને જેના વડે તમે યાદ રહી જાવ એ તમારું “ચરિત્ર” કહેવાય. માનવીના જીવનચરિત્ર કોઈક જાણીતા ચિત્રકારના ગ્રીન માઈન્ડમાં બેસી જાય અને આબેહુબ ચિત્ર બનાવતા હોય છે. મૂળ તો વાલિયા તાલુકાના કોંઢ ગામના જાણીતા ચિત્રકાર 83 વર્ષના શાંતિલાલ વલ્લભભાઈ સુરતી નોખા માનવી છે. તેમનો જન્મ દેશની આઝાદી પહેલા તા.20મી ઓક્ટોબર-1942ના રોજ થયો હતો. તેમને બાળપણથી ચિત્રકલા (પેઈન્ટીગ) સાથે તબલાં, હાર્મોનિયમ સાથે સમયાંતરે એક્યુપ્રેશર, આયુર્વેદિક નુસ્ખા અને હાસ્ય કલાકાર તરીકે તેમના રોજિંદો વ્યવહાર બની ગયો છે. પોતે પ્રાથમિક અને માધ્યમિક અભ્યાસ બાદ એ.એમ. (આર્ટ માસ્ટર), જીડીએ (પેઈન્ટિંગ ડિપ્લોમા), સંગીત પરિચય, સંસ્કૃત શાસ્ત્રી પાર્ટ-2 સહિતનો અભ્યાસ કર્યો હતો. તેમની યુવાનીમાં ચિત્ર-સંગીત શિક્ષક તરીકે વર્ષ-1963થી 1965 વાલિયા શ્રી રંગ નવચેતન વિદ્યામંદિર જોડાયા. એ વખતે હરિસિંહ મહીડા (નાના) સાથેનો ઘરોબો ખૂબ જ નિકટતાનો હતો. ત્યારબાદ વર્ષ-1965થી 1977માં ઝઘડિયા તાલુકાનું ઉમલ્લા ખાતે નવદુર્ગા હાઈસ્કૂલમાં જોડાવાનો અવસર મળ્યો. સાથે જ ત્યાં શિવભજન મંડળ અને બજારમાં નવરાત્રિ ઉત્સવ શરૂ કરીને લયબદ્ધ ગરબાની રમઝટ બોલાવતા હતા. તેમની પ્રવૃત્તિ લઈને વર્ષ-1977થી 2001 શિક્ષકથી કલા પ્રાધ્યાપક તરીકેનો જમ્પ મળ્યો. જે કલા સંસ્થા તેમની અન્ય ટ્રસ્ટીઓએ ભેગા મળી શરૂ કરી. ભરૂચની નામાંકિત કૃષ્ણલાલ મજમુદાર કોલેજ ઓફ ફાઈન આર્ટસમાં કલા પ્રાધ્યાપક જોડાઈને ત્યાં જ વર્ષ-2001માં નિવૃત્ત થયા. સાથે આધ્યાત્મિક પ્રવૃત્તિમાં ભરૂચના કેસુરમામા ચકલા સ્થિત ભૂતનાથ મહાદેવ મંદિરમાં (આ મંદિરમાં 90 વર્ષ પહેલા શ્રી રંગ અવધૂત મહારાજ 6 મહિના રહ્યા હતા) ત્યાં વર્ષ-2009થી ટ્રસ્ટી તરીકે જોડાયેલા છે. ભલે તેઓ કલાશિક્ષણના જીવ હોય તેમ છતાં અન્ય પ્રવૃત્તિમાં જિલ્લાથી લઈને રાજ્ય કક્ષાએ ઓળખ ઊભી કરી છે. ગુજરાત રાજ્યની સાંસ્કૃત પ્રવૃત્તિ, યુવા ઉત્સવ, બાળ પ્રતિભા શોધ સ્પર્ધા અને કલા ઉત્સવમાં રાજ્ય કક્ષા સુધી નિર્ણાયક તરીકેની જવાબદારી મળે છે. પેઈન્ટિંગમાં કેનવાસ ઓઈલ પેઈન્ટિંગમાં અસંખ્ય પોટ્રેઈટ (વ્યક્તિ ચિત્રો), પેપર કેનવાસ પર લેન્ડસ્કેપ (કુદરતી દૃશ્ય) અને પેન્સિલ માધ્યમમાં અસંખ્ય પેઈન્ટિંગ આબેહૂબ બનાવ્યાં છે. તેઓ પોતે છેલ્લાં 70 વર્ષથી કલાની પ્રવૃત્તિમાં પ્રવૃત્ત રહીને જીવનમાં હળવાશ મેળવે છે. વર્ષ-2000થી 2001માં લગભગ સાતેક મહિના અમેરિકાના ન્યૂજર્સીમાં જવાનો મોકો મળ્યો. તેમના નાનાભાઈ હસમુખભાઈ સુરતી પોતે અમેરિકામાં સ્થાયી થયા હોવાથી તેમની સાથે ભજન-કિર્તન, રાસ-ગરબાના જાહેર કાર્યક્રમોમાં સૌને જોનારા સૌને રસાળ બનાવી દીધા. તેમણે “સંસ્કાર માળા” પુસ્તિકા બનાવીને નાનાં બાળકોથી લઈને આબાલ વૃદ્ધોને આરોગ્યવર્ધક પ્રવૃત્તિ, સુવિચારો પ્રાર્થના અને સંસ્કૃત શ્લોકનો સમાવેશ કર્યો છે. શાંતિલાલભાઈની કામગીરી લઈને ગુજરાત ગૌરવ દિન સહિત ભરૂચની અનેક ક્લબો, સંસ્થાઓએ સન્માન કર્યું હતું. કોંઢ ગામે મળવા જેવા ચિત્રકાર શાંતિલાલભાઈ સુરતી તેમના ચિત્રકામ સહિત અન્ય પ્રવૃત્તિ માટે કહે છે કે, 40 વર્ષ કોલેજકાળમાં ચિત્રકલા માટે કામ કરવાનો મોકો મળ્યો. મૂળ તો વાલિયા સ્કૂલમાં ચિત્ર શિક્ષક તરીકે હરિસિંહ નાના અને મુળજીભાઈ સાયણીયાએ મારા વિશ્વાસથી અમને ખૂબ જ મદદ કરી. સાથે એ વખતે રાજ્યનો વિજ્ઞાન મેળો વાલિયામાં થયો ત્યારે અમે બહાર હોવા છતાં હરિસિંહ નાનાએ ભરૂચની ફાઈન આર્ટ કોલેજમાંથી અમોને બોલાવી વિજ્ઞાન ચિત્ર પ્રદર્શન અને બહારનું કલાત્મક ડેકોરેશન અમે કર્યું હતું.