સુરત: સુરત એરપોર્ટ પર CISFની વિજિલન્સ ટીમની સજાગતાને પગલે 28 કિલો સોનાની પેસ્ટ સાથે કુલ 23 કિલો દાણચોરીનું સોનુ પકડાયું છે. સુરત એરપોર્ટ પર તૈનાત સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF)ના કર્મચારીઓએ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટના આગમન દરમિયાન સોનાની દાણચોરીના મોટા પ્રયાસને સફળતાપૂર્વક નિષ્ફળ બનાવ્યો છે. એરપોર્ટનાં સૂત્રોના જણાવ્યા મુજબ વિજિલન્સ ટીમે સુરેશ અને ડોલી નામની બે વ્યક્તિની અટકાયત કરી છે.
- CISF વિજિલન્સની ટીમે દાણચોરીનો વધુ એક પ્રયાસ વિફળ બનાવ્યો
- 20 જુલાઈની રાત્રે સુરત પહોંચેલી એર ઈન્ડિયાન એક્સપ્રેસની દુબઈ-સુરત ફ્લાઈટમાં બે પેસેન્જરની અંગઝડતીમાં 27 કિલો સોનાની પેસ્ટ મળી આવી
20 જુલાઈ, 2025ના રોજ, સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટના આંતરરાષ્ટ્રીય આગમન વિસ્તારમાં નિયમિત દેખરેખ અને વર્તણૂકીય પ્રોફાઇલિંગ ફરજ દરમિયાન, CISF વિજિલન્સ ટીમનાં અધિકારીઓ, જવાનોને એર ઇન્ડિયા એક્સપ્રેસ દુબઈ – સુરત ફ્લાઇટ IX-174 દ્વારા દુબઈથી આવી રહેલા બે મુસાફરનું વર્તન શંકાસ્પદ જણાયું હતું. ફ્લાઇટ લગભગ 22:00 વાગ્યે સુરત એરપોર્ટ પર લેન્ડ થઈ હતી.
વિજિલન્સ ટીમના અધિકારીઓ, કર્મચારીઓ દ્વારા શેર કરવામાં આવેલી ચોક્કસ અને સમયસર ગુપ્ત માહિતીના આધારે, સુરત કસ્ટમ એર ઇન્ટેલિજન્સ અધિકારીઓએ વિગતવાર તપાસ માટે મુસાફરોને અટકાવ્યા હતા અને બંને પેસેન્જરના સામાનની સંપૂર્ણ તપાસ કર્યા પછી, કસ્ટમ અધિકારીઓ દ્વારા તેમના શરીર પર ચાલાકીપૂર્વક છુપાવવામાં આવેલી લગભગ 28 કિલો સોનાની પેસ્ટ મળી આવી હતી.
વધુ તપાસ માટે 28 KG સોનું જપ્ત કરવામાં આવ્યું છે. CISFની સક્રિય કાર્યવાહીએ દાણચોરીની પ્રવૃત્તિને સફળ રીતે શોધવા અને અટકાવવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. CISF રાષ્ટ્રીય સુરક્ષા સુનિશ્ચિત કરવા અને દેશની તમામ નાગરિક ઉડ્ડયન સુવિધાઓ પર સતર્કતા જાળવવા માટે તેની પ્રતિબદ્ધતામાં હંમેશા સતર્ક રહે છે.
કસ્ટમ, DRI અને ઇડી. જેવી રેવન્યૂ એજન્સીઓની સક્રિયતા વચ્ચે CISF વિજિલન્સ ટીમે મેદાન માર્યું
સુરત એરપોર્ટ પર CISF વિજિલન્સ ટીમની સજાગતાને પગલે દુબઈથી સુરત આવેલી એરઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટમાં આવેલા બે પેસેન્જર પાસે 28 કિલો સોનાની પેસ્ટ સાથે કુલ 23 કિલો સોનુ પકડાયું છે, નવાઈની વાત એ છે કે, સુરતમાં
કસ્ટમ, DRI અને ઇડી જેવી રેવન્યુ એજન્સીઓની ઓફિસો ધમધમતી હોવા છતાં રેવન્યુ એજન્સીઓને દુબઈથી સોનાની દાણચોરીની વિગત મળી ન હતી. એને બદલે એરપોર્ટ પરિસરની સુરક્ષા વ્યવસ્થાની જેની જવાબદારી છે, એ એજન્સીએ ત્રણ એજન્સીના નાક નીચેથી કસ્ટમ વિભાગની ટીમને સાથે રાખી સોનું પકડતા ત્રણેય એજન્સીઓના અધિકારીઓ માટે વિચિત્ર સ્થિતિ ઊભી થઈ છે.
CISF વિજિલન્સ 28 કિલો સોના સાથે બંને શકમંદને કસ્ટમને સોંપ્યા, કસ્ટમ પછી ઇડી, DRI પણ તપાસમાં જોડાશે
CISF વિજિલન્સે 28 કિલો સોના સાથે બંને શકમંદને કસ્ટમને સોંપ્યા છે. નિયમ મુજબ કસ્ટમ ઇમિગ્રેશન વિભાગ દુબઈથી 28 કિલો સોનું લાવનાર સુરેશભાઈ અને ડોલી નામની વ્યક્તિઓની પૂછપરછ કરી રહ્યું છે. 28 કિલો સોનાની પેસ્ટ એટલે કે, 23 કરોડના સોનાની દાણચોરીનો મામલો હોવાથી બંને શકમંદ સોનું દુબઈથી કોની પાસે મેળવી સુરત લાવ્યા?
સુરતમાં આ સોનાની ડિલિવરી તેઓ કોને આપવાના હતાં? સોનાની હેરફેર માટે હવાલાથી નાણાંની વ્યવસ્થા કોણ કોણ કરવાનું હતું? એ મામલે કસ્ટમની તપાસ અને કોર્ટ કાનૂની પ્રક્રિયા પૂર્ણ થાય એ પછી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને ડિરેક્ટોરેટ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)ની ટીમ તપાસમાં જોડાશે. આ પ્રકરણ મની લોન્ડરીંગ, હવાલા સાથે સંકળાયેલું હોવાથી દુબઈથી સુરત સોનાની દાણચોરીનું મોટું સ્કેમ બહાર આવશે.
સુરત એરપોર્ટ પર K9 સ્ક્વોડ માટે નવનિર્મિત ડોગ કેનલનું ઉદ્દઘાટન
સુરત એરપોર્ટ ASG ખાતે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળના (CISF)ના K9 સ્ક્વોડ માટે નવનિર્મિત ડોગ કેનલનું ઉદ્દઘાટન સુરત એરપોર્ટના ડિરેક્ટર આનંદકુમાર એન. શર્માના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ASG સુરતના કમાન્ડન્ટ/CASO કુમાર અભિષેકની હાજરીમાં ઉજવણી કરવામાં આવી હતી.
ઉદ્દઘાટન સમારોહ પછી K9 સ્ક્વોડને ઔપચારિક રીતે નવા કેનલમાં ખસેડવામાં આવ્યું હતું. નવી કેનલ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે, જે K9 કૂતરાઓને વધુ સારી રહેઠાણ, સ્વચ્છ વાતાવરણ અને ઉચ્ચ સ્તરની ઓપરેશનલ તૈયારી પૂરી પાડશે. આ માળખાગત સુવિધા ડોગ સ્ક્વોડના કલ્યાણ અને કાર્યક્ષમતામાં નોંધપાત્ર સુધારો સુનિશ્ચિત કરશે. ASG સુરત દ્વારા આ પહેલ સુરક્ષા વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે.