આપણે ત્યાં શાળાઓ, સરકારી કચેરીઓ, કોર્ટ, કોલેજ તથા માર્કેટો અને બજારોમાં રવિવારે જાહેર રજા રાખવામાં આવે છે. રવિવાર એટલે SUNDAY . સૂર્યનો દિવસ. વિદેશમાં રોજ તડકો નીકળતો નથી એટલે રવિવારે તડકો ખાવા રજા મળે છે એવું સાંભળ્યું છે. આપણા દેશમાં તડકાનો અભાવ નથી. રવિવારે બધાને જ રજા હોય એટલે વ્યકિતગત કામ પડે ત્યારે પોતાની ઓફીસમાંથી રજા મુકીને જવું પડે. જો બધી ઓફીસો અલગ અલગ દિવસે રજા રાખે તો દરેક જણ પોતાની નોકરીમાં રજા મૂક્યા વગર બીજી ઓફીસનું અંગત કામ પતાવી શકે.
કેટલાક નોકરીવાળાને કોર્ટમાં કેસ ચાલતા હોય તો તેની બધી જ રજાઓ કોર્ટની તારીખો ભરવામાં જ વપરાય જાય. એટલે દરેક ઓફીસમાં અલગ અલગ દિવસે જાહેર રજા હોવી જોઈએ. લાયબ્રેરીમાં રવિવારે રજા હોતી નથી. પોલીસ સ્ટેશન તથા એસ.ટી અને રેલવેમાં રવિવારે રજા હોતી નથી. ખાનગી ડૉક્ટરો રવિવારે અડધો દિવસ સેવા આપે છે. વળી અલગ અલગ દિવસે રજા રાખવાથી ટ્રાફિકનું ભારણ પણ ઓછું થશે. સ્કૂલોમાં પણ આ નિયમ લાગુ પાડી શકાય. વળી જેનો તહેવાર હોય તેને રજા આપવી જોઇએ પરંતુ જેનો તહેવાર ન હોય અને એ રજા તેને બિલકુલ કામની ન હોય તે પણ ઓફીસમાં આવીને કામ કરે તો તેની વળતર રજા જમા થાય એવો નિયમ બનાવવો જોઈએ.જો મારો આ વિચાર યોગ્ય લાગ્યો ન હોય તો ચર્ચાપત્રમાં કારણ બતાવી શકે છે.
ગોડાદરા, સુરત- પ્રવિણ પરમાર– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
સાંઠગાંઠ તો નથી?
સુરતના ખાડીપૂર માટે સીધીરીતે જવાબદાર ઠરાવાતા સિંચાઈ વિભાગે ગંભીર બેદરકારી દાખવી આથી ઠેરઠેર વરસાદી પાણીનો ભરાવો થતા હાલાકી ભોગવવી પડી. હવે આ તમામ જગ્યાએ સાફસફાઈ અને પાણીના નિકાલ માટે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન એક કરોડથી ઉપરાંતનો ખર્ચ કરી વિવિધ પ્રકારની મશીનરી ભાડે લાવીને પણ આ સમસ્યાઓનો નિકાલ કરશે. જે કામગીરી ખરેખર તો સિંચાઈ વિભાગની હોવી જોઈએ? આશ્ચર્યજનક રીતે સુરત મનપા પોતાનાં ખર્ચે કરશે. આ તે કેવી પારકી સુવાવડ! માની લઈએ કે પોતાની વૉટબેંક સાચવવા બદલ રૂપિયાનો વહીવટ મનઘડંત રીતે કર્યા જ કરાય છે પરંતુ આ બધું ક્યાં સુધી?
નાગરિકોએ હવે આવા પ્રકારની વિટંબણા સામે વિરોધનો સૂર છેડવો પડશે એવુ નથી લાગતું? જે તે સંબંધિત વિભાગોની, સત્તાવાળાઓની જે કોઈ પણ નૈતિક ફરજો અને જવાબદારીઓ બનતી હોય, ત્યારે એના કાન આમળી એમની ફરજોનું સીધેસીધું ભાન કરાવવાનું કે પછી.. ઢાંકપિછોડા કરવાનાં? જો આમ જ ચાલ્યા કરશે તો મિલિભગત અને જાહેર ખર્ચાઓ બાબતની સાંઠગાંઠ અને ભાગબટાઈનું ચિત્ર જગજાહેર થયા વિના નથી રહેવાનુ. શહેરભરની જાગૃત, સાક્ષર પ્રજા હવે આવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની વેરા વસુલાત કરી મસમોટી આવક રળતી અને સામે છેડે બીનજરૂરિયાત ખર્ચાઓ કરીને વગર જોઈતો ભાર અપાય છે. નાગરિકોએ હવે જનહિતમાં અન્યાય નાગરિકધર્મની ધજાઓને જાહેરમાં રોડ રસ્તાઓ ઉપર આવીને ફરકાવવાનો સમય થઈ ગયો છે કે શું?
સોનીફળિયા, સુરત- પંકજ મહેતા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.