શટર બંધ હોવાથી દુકાનના તાળાં તોડી ફાયરબ્રિગેડના જવાનોએ આગ પર કાબુ મેળવ્યો :
દુકાનમાં પડેલી સામગ્રી આગની લપેટમાં ખાક, બે લાખથી વધુના નુકસાનની આશંકા વ્યક્ત કરાઈ :
( પ્રતિનિધિ )વડોદરા,તા.20
વડોદરા શહેરના ફતેપુરા રાણાવાસની સામે આવેલી સોનીની દુકાનમાં એસીમાં શોર્ટ સર્કિટથી બ્લાસ્ટ થયા બાદ આગ ભભૂકી ઉઠી હતી. ધુમાડાના ગોટે ગોટા નીકળતા આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા. સ્થાનિકો દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જેથી તાત્કાલિક પાણી ગેટ ફાયર સ્ટેશનના જવાનો સ્થળ પર પહોંચ્યા હતા અને શટરના તાળા તોડી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગની લપેટમાં સોનીની દુકાનમાં રહેલો સામાન બળીને ખાખ થતા મોટા નુકસાનની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.

વડોદરા શહેરના ફતેપુરા નાણા માસની સામે આવેલી સોની ચિરાગ નારાયણ દાસ નામની જ્વેલર્સ ની દુકાનમાં રવિવારે વહેલી સવારના સુમારે આગ લાગવાની ઘટના બની હતી. મોટો ધડાકો થતા આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા. દુકાનમાંથી ધુમાડા નીકળતા લોકો દ્વારા ફાયર બ્રિગેડમાં જાણ કરવામાં આવતા પાણીગેટ ફાયર સ્ટેશનના જવાનો તાબડતોડ સ્થળ પર આવી પહોંચ્યા હતા. જોકે જ્વેલર્સની દુકાન બંધ હોવાથી માલિકને જાણ કર્યા બાદ શટરના તાળાં તોડી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

પ્રાથમિક તબક્કે એસીમાં શોર્ટ સર્કિટને કારણે બ્લાસ્ટ થયા બાદ આગ લાગી હોવાનું જણાઈ આવ્યું હતું. બનાવ અંગે પાણીગેટ ફાયર સ્ટેશનના સર સૈનિક કિરીટભાઈએ જણાવ્યું હતું કે, કંટ્રોલરૂમ માંથી કોલ મળ્યો હતો કે, ફતેપુરા રાણાવાસની સામે સોનીની દુકાનમાં આગ લાગી છે. જેથી અમે તાત્કાલિક પાણીગેટ ફાયર સ્ટેશનથી રવાના થયા હતા. આવીને જોતા શટર બંધ હતું અને અંદરથી ધુમાડા નીકળી રહ્યા હતા. જેથી શટરના લોક ખોલી અંદર જોતા શોર્ટ સર્કિટથી આગ લાગેલી હતી.

દુકાનમાં દાગીના હતા. ફાયર એક્ટીન્ગ્યુસર અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો તેમજ દાગીના મૂળ માલિકને પરત કર્યા હતા. જ્યારે બીજી તરફ આગ લાગી હોવાની જાણ થતા સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આગની આ ઘટનામાં બે લાખથી વધુનું નુકસાન થયું હોવાનું અનુમાન લગાવાયું હતું.