શહેરના કઠોદરા વિસ્તારની સરકારી શાળા પ્રિન્સીપલની બીજી સ્કૂલમાં બદલી થતા વિદ્યાર્થીઓ અને વાલીઓ આંદોલન છેડ્યું છે. સવારથી જ તંગદિલીનો માહોલ સર્જાયો છે. વિદ્યાર્થીઓએ રસ્તા પર સૂઈ વાહનો રોક્યા છે. જેના લીધે ચક્કાજામ થઈ ગયો છે. પોલીસ સ્થિતિને કાબૂમાં લેવા દોડી ગઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સરકારી સ્કૂલ ક્રમાંક 385ના પ્રિન્સિપલ કલ્પેશ પટેલની અચાનક બદલીનો આદેશ થયો હતો, જેના પગલે વિદ્યાર્થી અને વાલીઓમાં નારાજગી વ્યાપી ગઈ હતી. સ્કૂલની બહાર મોટી સંખ્યામાં વાલી-વિદ્યાર્થી ભેગા થયા હતા. બદલીનો આદેશ રોકવા વિદ્યાર્થી-વાલીઓએ રસ્તા પર ઉતરી ચક્કાજામ કર્યું હતું. વાલી-વિદ્યાર્થીઓને કાબુમાં લેવા પોલીસ ધસી ગઈ હતી. વાલીઓ અને પોલીસ વચ્ચે પણ ઘર્ષણ થયું હતું.
કલ્પેશ પટેલની બદલી રોકવા માંગ
પ્રિન્સીપલ કલ્પેશ પટેલની બદલીથી વિદ્યાર્થી અને વાલીઓમાં રોષ વ્યાપી ગયો હતો. કલ્પેશ પટેલને ફરી શાળામાં આચાર્ય તરીકે લાવવામાં આવે તેવા સૂત્રો પોકાર્યા હતા. શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા વિરુદ્ધ પણ સૂત્રોચ્ચારો કરાયા હતા.
બોગસ ગાર્ડ કૌભાંડને લીધે બદલી થઈ
બદલી માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા 385માં તાજેતરમાં બહાર આવેલા બોગસ ગાર્ડ પ્રકરણ અને પાલિકાને ઠગવાના કૌભાંડ જવાબદાર હોવાની ચર્ચા છે. આ કૌભાંડમાં બે આરોપીઓની ધરપકડ કરાઈ છે. કેસની તપાસ ચાલે છે. તપાસમાં કોઈ અવરોધ ઉભો ન થાય તે માટે આચાર્ય કલ્પેશ પટેલની બીજી શાળામાં બદલી કરાઈ હોવાનું જાણવા મળ્યું છે.
શું છે મામલો?
કઠોદરાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં કાગળ પર ત્રણ ગાર્ડ દર્શાવીને પગારના 3.67 લાખની છેતરપિંડી કરવામાં આવી હતી. લસકાણા પોલીસે આ છેતરપિંડીના ગુનામાં સિક્યુરિટી સુપરવાઇઝર કૌશલપ્રસાદ લટકનપ્રસાદ સિંગરોલ અને કાળુભાઈ મગનભાઈ પોશીયાની ધરપકડ કરી છે અને તેમને બે દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યા છે.