સાપુતારા, નવસારી: ડાંગ જિલ્લામાં કુદરતી સૌંદર્યની વચ્ચે નદી નાળાં, ઝરણાં અને નાના-મોટા જળધોધનો લ્હાવો માણવા માટે હાલમાં ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઊમટી રહ્યા છે. ત્યારે સુરક્ષાને ધ્યાને લઈ ડાંગ વહીવટી તંત્રએ પ્રવાસીઓને નદી, નાળાં કે જળધોધમાં ઊતરવા પ્રતિબંધ મૂક્યો છે. છતાં શુક્રવારે તાપી જિલ્લાના વ્યારા નજીકનાં ગામોના પ્રવાસી યુવકો ડાંગના માછળી નજીક આવેલા મિલિંદ જળધોધના ઊંડા પાણીના પ્રવાહમાં નાહવા માટે કૂદી પડતાં ડૂબી ગયા હતા. બીજી તરફ નવસારીના વેરાવળ ખાતે આવેલી સ્મશાનભૂમિ ખાતે પિતૃ તર્પણ કરવા જતાં બે યુવાન પૂર્ણા નદીમાં તણાઇ ગયા હતા. જેમાંથી એકને બચાવી લેવાયો હતો, જ્યારે બીજાનું મૃત્યુ થયું હતું. આમ બે ઘટનામાં ત્રણનાં મોત થયાં હતાં.
- જાહેરનામાનો ભંગ કરી મનમાની કરનારા પ્રવાસીઓ માટે લાલબત્તીસમાન કિસ્સો
- વ્યારાના રામપરા ગામના 8 યુવક મિલિંદ ધોધ પાસે નાહવા પડ્યા હતા
- નવસારીમાં પિતૃતર્પણ કરવા જતાં બે યુવાન પૂર્ણા નદીમાં તણાયા હતા, એકનો બચાવ
શુક્રવારે બપોરે અઢી વાગ્યાના અરસામાં વ્યારાના રામપુરાના 7થી 8 પ્રવાસી યુવકો ડાંગ જિલ્લાના માછળી ગામ નજીક આવેલા મિલિંદ ધોધ ખાતે ફરવા માટે આવ્યા હતા. અહીં યુવકો ગ્રુપમાં આવ્યા હોવાથી પાણીની ઊંડાઈની ચકાસણી કર્યા વગર મિલિંદ ધોધમાં નાહવા માટે કૂદી પડ્યા હતા.
નાહવા પડેલા કુલ 8માંથી બે યુવક ઊંડા પાણીમાં ગરક થઈ જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સાથે નાહવા પડેલા યુવકોને તેમની સાથેના બે યુવકની ભાળ ન મળતાં ગ્રામજનોને જાણ કરી હતી. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક ગ્રામજનો અને વહીવટી તંત્રની ટીમ ઘટના સ્થળ પર દોડી ગઈ હતી અને ડૂબી ગયેલા બંને યુવકની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.
આ ધોધમાં ડહોળુ પાણી અને કૂંડ ઊંડો હોવાથી ડૂબી ગયેલા યુવાનોને શોધવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, જેમાં વહીવટી તંત્રની ટીમ તથા સ્થાનિક તરવૈયાની ટીમે શોધખોળ હાથ ધરતાં મોડી સાંજે ડૂબી ગયેલા યુવકોમાં મિહિરભાઈ મહેન્દ્રભાઈ ગામીત (ઉં.વ.20) અને નિહિતભાઈ નિતેશભાઈ ગામીત (ઉં.વ.25)ની લાશ મળી આવી હતી. હાલ ડાંગ જિલ્લા વહીવટી તંત્ર અને વઘઇ પોલીસની ટીમે આ બંને યુવકની લાશનો કબજો મેળવી પી.એમ. માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
બીજી ઘટના નવસારીમાં બની હતી. પૂર્ણા નદીના કાંઠે આવેલી સ્મશાનભૂમિ ખાતે પિતૃતર્પણ કરવા માટે ગયેલા ભીખુભાઈ અને ધર્મેશભાઈ ઢીંમર વિધિ દરમિયાન પૂર્ણા નદીમાં ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ અને ટ્રાફિક પોલીસના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા બચાવ કામગીરી શરૂ કરી હતી. જો કે, એ દરમિયાન ધર્મેશભાઈનું ડૂબી જતા મોત નીપજ્યું હતું. જ્યારે ભીખુભાઈને બચાવી લેવાયા હતા. ધર્મેશભાઈ ઢીંમરનું મોત નીપજતાં પરિવારજનોમાં શોકની લાગણી જોવા મળી હતી.