વ્યારા : સોનગઢમાં ઐતિહાસિક, પુરાણમાં સ્થાન મેળવનાર પ્રવાસધામ તરીકે વિકસેલું દોણનાં જંગલમાં વર્ષોથી પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેલા ભગવાન ભોલેનાથનાં ગૌમુખ મંદિર પર કબ્જો જમાવવા મહારાષ્ટ્રના કેટલાંક ટીખળખોરોએ થોડાક સમયથી ધમપછાડા શરૂ કર્યા છે. મંદિરની દાન પેટીને બેલ્ડીંગ કરી બિનઅધિકૃત કબ્જો જમાવ્યો છે.
જેને લઈ વાતાવરણ તંગ બને તેવી સ્થિતિ નિર્માણ થવા જઈ રહી છે, સ્થાનિક આદિવાસીઓનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે ત્યારે કાયદો વ્યવસ્થા ખોરવાય તે પહેલાં સઘન બંદોબસ્ત સાથે વહિવટીતંત્ર આને ગંભીરતાથી લે તે જરૂરી બન્યું છે.
- દાન પેટી અને મંદિર સહિતનાં કેટલાંક વિસ્તારમાં કબ્જો જમાવ્યો, સીસીટીવી કેમેરા પણ તોડી નાખ્યાં
- તંત્ર સહયોગ નહીં આપે તો ગુજરાતમાંથી ગૌમુખ ગુમાવવાનો વારો આવશે
- કાયદો વ્યવસ્થા ખોરવાય તે પહેલાં સઘન બંદોબસ્ત સાથે તંત્રની ગંભીરતા જરૂરી
મહારાષ્ટ્રનાં માથાભારે ઇસમોએ તોડફોડ કરી નશાખોરોની કરતુતો કેમેરામાં કેદ ન થાય માટે અહીંનાં સીસીટીવી કેમેરા પણ તોડી નાખ્યાં છે. પરંતુ સ્થાનિક કક્ષાએ આવા ટીખળખોરો સામે કોઇ ફોજદારી પગલાં લેવાયા નથી. આ મંદિર મહારાષ્ટ્રનાં આવા માથાભારે તત્વોનાં હાથમાં ન જાય માટે ગૌમુખનાં ગુજરાતનાં ટ્રસ્ટીઓ તંત્ર સામે કાકલુદી કરતાં જોવા મળ્યા હતા.
જોકે, હજુ સુધી વહિવટીતંત્રની આ મામલે કોઇ નક્કર કાર્યવાહી સામે આવી નથી. મહારાષ્ટ્ર સરકારે મંદિરની બાજુમાં એક તરફનો ભાગ કબ્જે કરી બગીચો બનાવ્યો હતો. ત્યાં રમત ગમતના સાધનો પણ ગોઠવી દીધા હતા. અમુક દુકાનો પણ ઉભી કરી દીધી હતી. ગૌમુખને વિકસાવવા માટે વન વિભાગે લાખો રૂપિયાનાં ખર્ચે અહીં પ્રવાસીઓ માટે રોકાવવાનું સ્થળ તેમજ અન્ય સુવિધાઓ પણ ઉપલબ્ધ કરી છે.
મહારાષ્ટ્રનું સરકારી તંત્ર પણ માથાભારે ઇસમોની પડખે
દોણ સહિતનાં કેટલાંક લોકો નિર્દોષ ભાવે મંદિરની સેવા કરી રહ્યા છે. દર રવિવારે અને શિવરાત્રી કે ચોમાસામાં તેમજ તહેવારમાં દક્ષિણ ગુજરાતનાં હજ્જારો શૃધ્ધાળુઓ અહીં દર્શનાર્થે ઉમટી પડે છે. સરકારી ગ્રાંટ ફાળવી પ્રવાસન ધામ તરીકે આ વિસ્તાર વિકસાવાયો છે.
ગૌમુખ મંદિરને દાતાઓ દ્વારા દાનની રકમ વધુ જમા થતી હોય ત્યારે કેટલાંક ટીખળખોરે મહારાષ્ટ્રમાં ગૌમુખ મંદિર હોવાનું કહીં પોતાનાં હીટલરશાહી વલણ અને માથાભારે તત્વોને સાથે રાખી પોતાની દાનત બગાડતા દાન પેટીને બેલ્ડીંગ કરી સીલ કરી દીધી છે. જોકે, આ ગૌમુખ મંદિરનો વર્ષોથી દોણ- ગૌમુખ (ગુજરાત)ના ટ્રસ્ટના કબ્જો રહ્યો છે. જોકે, મહારાષ્ટ્રનું સરકારી તંત્ર પણ આવા માથાભારે ઇસમોનાં પડખે રહી વીજ કનેક્શનની કામગીરી કરતું જોવા મળ્યું છે.