ચાલુ વર્ષે ચોમાસાની સિઝનના પહેલાં જ વરસાદમાં સુરત શહેર પાણી પાણી થઈ ગયું હતું. વરસાદના પાણી ઠેરઠેર ભરાયા હતા. બાદમાં સુરત જિલ્લામાં પડેલાં ભારે વરસાદને લીધે સુરત શહેરમાંથી પસાર થતી ખાડી છલકાઈ હતી, જેના લીધે શહેરના અનેક વિસ્તારોમાં લગભગ ચારથી પાંચ દિવસ સુધી ખાડી પૂરના પાણી ભરાયેલા હતા, જેના લીધે શાસકો અને તંત્ર પર ખૂબ માછલાં ધોવાયા હતા. લોકોએ ભારે વિરોધ કર્યો હતો. ખાડીની આસપાસ દબાણ વધી જવાના લીધે ખાડીનું વહેણ અવરોધાયું હોવાની વિગતો બહાર આવી હતી. જેને પગલે તંત્ર જાગ્યું છે અને હવે ખાડીના વહેણને નડતરરૂપ દબાણોને દૂર કરવામાં આવી રહ્યાં છે, તેના ભાગરૂપે આજે વરાછામાં 6 બિલ્ડિંગનું ડિમોલિશન કરાયું છે.
ખાડી પૂરની સમસ્યાના કાયમી ઉકેલ માટે કડક કાર્યવાહી કરવાના હેતુથી થોડા દિવસ પહેલાં એક ઉચ્ચ સ્તરીય બેઠક મળી હતી, જેમાં મનપા, કલેક્ટર કચેરીના ઉચ્ચ અધિકારીઓ સામેલ થયા હતા. આ મિટિંગમાં ખાડી કિનારેના દબાણો દૂર કરવાનું નક્કી કરાયું હતું, જેના ભાગરૂપે ડિમોલિશન ઝૂંબેશ શરૂ થઈ છે.
વરાછામાં કોયલી ખાડીના આસપાસના દબાણો દૂર કરવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરાઈ હતી. વરાછાના બુટભવાની નજીક ખાડીની આસપાસની 6 બિલ્ડિંગને તોડી પડાઈ હતી. અહીં કુલ 26 બિલ્ડિંગોનું દબાણ છે. હજુ 20 તોડવાની બાકી છે.
ડિમોલિશનની કામગીરીમાં વીજ-ગેસ કંપનીના કર્મીઓ પણ જોડાયા
સામાન્ય રીતે ડિમોલિશનની કામગીરીમાં મનપા, પોલીસ અને કલેક્ટર કચેરીના અધિકારીઓ જોડાતા હોય છે, પરંતુ આ ડિમોલિશનની કામગીરીમાં વીજકંપની ટોરેન્ટ અને ગુજરાત ગેસ કંપનીના કર્મચારીઓ પણ જોડાયા હતા. આ ડિમોલિશનની કામગીરીમાં 100થી વધુ પાલિકા કર્મી, 150થી વધુ પોલીસ કર્મીનો કાફલો જોડાયો હતો.
હજુ ત્રણથી ચાર દિવસ ડિમોલિશન કામગીરી ચાલશે
અધિકારી સૂત્રોએ કહ્યું કે, બુટભવાની વિસ્તારમાં ખાડીના એક કિનારે જવાહરનગર અને બીજી તરફ ઈશ્વર નગર આવેલું છે. બંને કાંઠા પર વર્ષોથી મિલકતો બની છે. જેના લીધે ખાડીની પહોળાઈ ઘટીને અડધી થઈ ગઈ છે. તેથી વહેણ અવરોધાતા પૂર આવે છે. જવાહરનગરમાં કાપડના કારખાના છે. અહીં ડિમોલિશનની કામગીરી આજે કરાઈ હતી. ડિમોલિશનની કામગીરીના પ્રારંભે સ્થાનિક લોકોએ વિરોધ નોંધાવ્યો હતો, પરંતુ સમજાવટ બાદ લોકોએ સહકાર આપ્યો હતો. આ ડિમોલિશનની કામગીરી હજુ ત્રણથી ચાર દિવસ ચાલશે. હજુ 20 બિલ્ડિંગ તોડવાની બાકી છે.