આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય ખાતે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને ગુજરાત પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડો.કરન બારોટ દ્વારા અલગ અલગ ગંભીર મુદ્દે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઈસુદાને જાહેરાત કરી હતી કે આગામી તા. 23 જુલાઈના રોજ મોડાસામાં ખેડૂત-પશુપાલક મહાપંચાયતનું આપ દ્વારા આયોજન કરાશે, જેમાં અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન હાજર રહેશે.
આ પ્રેસ કોન્ફરન્સમાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ભાજપ સરકાર ભ્રષ્ટાચારની ચરમસીમાએ પહોંચી છે અને હવે ભાજપે ખેડૂતોને પશુપાલકોના ભોગ લેવાનું પણ શરૂ કર્યું છે. થોડા દિવસ પહેલા સાબર ડેરી ખાતે દૂધના ભાવ ફેર માંગવા ગયેલા ખેડૂતો પર ભાજપ સરકારે બેરહમીપૂર્વક લાઠીચાર્જ કરાવ્યો અને પોલીસે આ દરમિયાન એક્સપાયર ડેટના ટીયર ગેસના સેલ પણ છોડ્યા, જેના કારણે એક ગરીબ પરિવારમાંથી આવતા પશુપાલકનો મોત નીપજ્યું હતું.
અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન 23 જુલાઈના રોજ મોડાસા ખાતે ‘ખેડૂત પશુપાલક મહાપંચાયત’માં પશુપાલકોના હક અને ન્યાય માટે અવાજ ઉઠાવશે: ઈસુદાન ગઢવી
ભાજપના રાજમાં ન્યાય માટે ખેડૂતો-પશુપાલકોએ મરવું પડે છેઃ ઈસુદાન ગઢવી
અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ચૈતર વસાવાના સમર્થનમાં વિશાળ જનસભા સંબોધશે: ઈસુદાન ગઢવી
પાટીલ નવી પદ્ધતિ લાવ્યા, ડેરીઓનો નફો પશુપાલકોને આપવાની જગ્યાએ ભાજપની સભાઓમાં વાપરી નાખવામાં આવે છે: ઈસુદાન ગઢવી
ભાજપના રાજમાં ન્યાય માંગવા નીકળેલા ખેડૂતો અને પશુપાલકોને આજે મોત મળી રહ્યું છે. આ ખૂબ જ દુઃખદ ઘટના ઘટી છે. અમે એ મૃતક પશુપાલકના ઘરે પણ ગયા હતા અને તેમની પરિસ્થિતિ ખૂબ જ દયનીય હતી તે અમે જોયું. ભાજપ જ્યારથી મેન્ડેટ પદ્ધતિ લાવ્યું છે ત્યારથી સહકારી મંડળીઓમાં હેરાનગતિઓ શરૂ થઈ ગઈ છે. સી આર પાટીલે મેન્ડેડ પદ્ધતિ લાવીને ભાજપનો આખો તકતો બદલ્યો અને આખી ડેરીઓનો જો નફો હોય અને એ પશુપાલકોને આપવાનો હોય એ નફો હવે આ લોકો ભાજપની સભાઓમાં વાપરી નાખે છે જેના કારણે આ લોકો પશુપાલકોને ભાવ વધારો આપી નથી શકતા. રાત દિવસ મહેનત કરીને પશુપાલકો દૂધ ભરે છે અને નફો ભાજપના મળતીયાઓ લઈ રહ્યા છે.
ગત વર્ષે જે 19% ભાવ ફેર આપવામાં આવ્યો હતો એ 19%ની જ આ વખતે માંગ હતી પરંતુ ડેરી એ ભાવ ફેર આપ્યો નહીં. વારંવાર દર વર્ષે આ જ પરિસ્થિતિ હોય છે, તેઓ ભાવ ફેર આપતા નથી પછી આંદોલન થાય અને કોઈ નિર્દોષનું મોત થાય અને તેના પછી એ લોકો ભાવ ફેર જાહેર કરે છે. અમે માંગ કરીએ છીએ કે આગામી બે દિવસની અંદર આ જાહેરાત કરી દેવામાં આવે.
આ મુદ્દા પર મેં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી સાથે વાત કરી કે ગુજરાતમાં ખેડૂતોની સાથે સાથે પશુપાલકોની ખૂબ જ દયનીય હાલત બની ગઈ છે, તો ગુજરાતના ખેડૂતો પશુપાલકો મંડળીઓનો અવાજ બનવા માટે અરવિંદ કેજરીવાલજી આગામી 23 તારીખે મોડાસા ખાતે પશુપાલકો અને ખેડૂતો માટે મહાપંચાયતમાં હાજરી આપશે. રાષ્ટ્રીય નેતા અરવિંદ કેજરીવાલજીની સાથે સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ પધારશે. અરવિંદ કેજરીવાલજી ગુજરાતના પશુપાલકો, ખેડૂતો અને ગુજરાતના નાગરિકોની ખૂબ જ ચિંતા કરી રહ્યા છે માટે તેઓ ગુજરાત પધારી રહ્યા છે.
અમારી માંગ છે કે જે પશુપાલકો પર ખોટા કેસ કરવામાં આવ્યા છે તે તમામ કેસો પરત ખેંચવામાં આવે. અમારી બીજી માંગ છે કે જે પશુપાલકની મોત થઈ છે તેમના ન્યાય માટે એક નિવૃત્ત હાઇકોર્ટના જજની અધ્યક્ષતામાં એક તપાસ સમિતિ રચવામાં આવે અને આ સમગ્ર ઘટનાની ઊંડી તપાસ કરવામાં આવે અને હકીકત બહાર લાવવામાં આવે કે કયા ભાજપના નેતાઓએ આદેશ કર્યો હતો. જે પણ અધિકારીઓ અને આદેશ દેનાર કોઈ નેતા હોય તો તમામ લોકો પર હત્યાનું ગુનો નોંધવામાં આવે. અમારી ત્રીજી માંગ છે કે પશુપાલકોને તાત્કાલિક ધોરણે ભાવ ફેર આપવામાં આવે. અમારી ચોથી માંગ છે કે સરકાર દ્વારા મૃતક પશુપાલકના પરિવારને એક કરોડની આર્થિક સહાય કરવામાં આવે અને સાબર ડેરી દ્વારા પણ મૃતક પશુપાલકના પરિવારને એક કરોડની આર્થિક સહાય કરવામાં આવે.
બીજી મહત્વપૂર્ણ બાબત કે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આદિવાસી સમાજના અનેક સવાલો ઉઠાવ્યા અને મનરેગા જેવા હજારો કરોડોના કૌભાંડને પણ ખુલ્લા પાડ્યા છે. જેના કારણે હવે ભાજપ સરકારે તેમના વિરુદ્ધ ખોટા કેસોમાં ધારાસભ્ય ચૈતર વસાવાને ફસાવી દીધા અને જેલમાં મોકલી દીધા. જેના કારણે હાલ સમગ્ર આદિવાસી વિસ્તારમાં લોકો ભાજપ સરકાર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીનો વિરોધ કરી રહ્યા છે. તો હવે ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં અને આદિવાસી સમાજનો અવાજ બનવા માટે 24 જુલાઈના રોજ ડેડીયાપાડામાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજકે અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી ભગવાન સાહેબ જંગી જનસભાને સંબોધિત કરશે.