Business

જૂના જમાનાની ફેમસ રેફ્રિજરેટર કંપનીને મુકેશ અંબાણીએ ખરીદી

ભારતીય બજાર પર 1960થી 80ના દાયકા દરમિયાન રાજ કરતી જાણીતી રેફ્રિજરેટર કંપનીને હોવાના સમાચાર જાણવા મળ્યા છે. લગભગ 5 દાયકા સુધી બજારમાં જેનો દબદબો હતો તે કંપની હવે ક્યાંય દેખાતી નથી, પરંતુ તેનું નસીબ ફરી એકવાર પલટાયું છે. દેશના સૌથી ધનિક વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ આ કંપની ખરીદી લીધી છે.

આ કંપનીનું નામ છે કેલ્વિનેટર. વાત એમ છે કે, રિલાયન્સ રિટેલે પ્રખ્યાત અમેરિકન કંપની કેલ્વિનેટરને હસ્તગત કરી છે. આ સોદો 18 જુલાઈ, 2025 ના રોજ જાહેર કરવામાં આવ્યો હતો. આ સોદો કેટલામાં થયો તે જાહેર કરવામાં આવ્યું નથી. કેલ્વિનેટર કંપની રિલાયન્સ રિટેલ સુધી પહોંચ્યા પછી હવે તેના પુનર્જન્મની શક્યતા છે.

કેલ્વિનેટર કંપની શું બનાવે છે?
કેલ્વિનેટર કંપની રેફ્રિજરેટર, વોશિંગ મશીન, એર કન્ડીશનર અને રસોડાની વસ્તુઓ બનાવે છે. 1970 અને 80 ના દાયકામાં આ કંપનીના ઉત્પાદનોની ભારતમાં ખૂબ માંગ હતી. તેના ઉત્પાદનો મજબૂત અને સારા હતા. લોકો તેના પર વિશ્વાસ કરતા હતા. 50 વર્ષ પહેલાં કેલ્વિનેટર એક ઉત્તમ બ્રાન્ડ તરીકે જાણીતું હતું.

આ મોટી ડીલ પછી રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (RRVL) ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઈશા અંબાણીએ કહ્યું, દરેક ભારતીયની જરૂરિયાતો પૂરી કરવાનું હંમેશા અમારું લક્ષ્ય રહ્યું છે. અમે ઇચ્છીએ છીએ કે દરેકને સારી ટેકનોલોજી મળે, જે તેમના માટે ઉપયોગી હોય અને ભવિષ્ય માટે તૈયાર હોય.

તેમણે કહ્યું કે કેલ્વિનેટર ખરીદવું એ અમારા માટે એક મોટું પગલું છે. આનાથી અમે દેશના લોકોને વધુ સારા ઉત્પાદનો આપી શકીશું. કારણ કે અમારી પાસે સ્ટોર્સનું મોટું નેટવર્ક છે. રિલાયન્સ તેના 19,340 સ્ટોર્સ અને ડિજિટલ પ્લેટફોર્મના નેટવર્ક દ્વારા ફરીથી કેલ્વિનેટરને દરેક ઘર સુધી પહોંચાડવાની યોજના બનાવી રહી છે. આ ઉપરાંત રિલાયન્સની ડિજિટલ કોમર્સ સ્ટ્રેટેજી, જેમાં રિલાયન્સ ડિજિટલ અને જિયોમાર્ટનો સમાવેશ થાય છે, ઓનલાઈન વેચાણને વેગ આપી શકે છે.

કેલ્વિનેટરનો ઇતિહાસ
કેલ્વિનેટર 1914 માં યુએસના નાથાનીએલ બી. વેલ્સ અને આર્નોલ્ડ એચ. ગોસ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું હતું. આ બ્રાન્ડ રેફ્રિજરેશન ટેકનોલોજીમાં પ્રણેતા હતી અને તેનું નામ વૈજ્ઞાનિક લોર્ડ કેલ્વિનના નામ પરથી રાખવામાં આવ્યું હતું. કેલ્વિનેટર 1963 માં ભારતમાં પ્રવેશ્યું અને તેના રેફ્રિજરેટર્સની વિશ્વસનીયતા અને ‘ધ કૂલેસ્ટ વન’ ટેગલાઇન સાથે ઘર-ઘરમાં જાણીતું નામ બન્યું.

કેલ્વિનેટરે 1970 અને 1980ના દાયકામાં ભારતમાં મજબૂત હાજરી બનાવી હતી, જ્યારે તે ગોદરેજ અને ઓલવિન સાથે બજારમાં અગ્રણી હતું. જોકે, 1990ના દાયકામાં LG, સેમસંગ અને વ્હર્લપૂલ જેવી વૈશ્વિક બ્રાન્ડ્સ તરફથી સ્પર્ધાને કારણે ઉદારીકરણ પછી તેણે તેની ચમક ગુમાવી દીધી હતી. 2000 ના દાયકામાં ભારતીય બજારમાં કેલ્વિનેટરની હાજરી નબળી પડી ગઈ, જોકે હવે કેલ્વિનેટરના પોર્ટફોલિયોમાં રેફ્રિજરેટર, વોશિંગ મશીન, એર કન્ડીશનર અને માઇક્રોવેવ ઓવનનો સમાવેશ થાય છે. હવે રિલાયન્સ તેને ફરીથી દરેક ઘરમાં ઉપલબ્ધ કરાવવાની યોજના બનાવશે.

Most Popular

To Top