સુરત: ગુજરાત રાજ્ય મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) ના પ્રમુખ, ઉપપ્રમુખની ચૂંટણી યોજવાનો નિર્ણય લેવામાં આવતાં સુરત અને તાપી જિલ્લાના 2.50 લાખ પશુપાલકોની જીવાદોરી સામાન સુમુલ ડેરીની ચૂંટણી યોજાય એવી શક્યતા જોવાઈ રહી છે. 8 ઓગસ્ટ 2025 ના રોજ સુમુલ ડેરીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મુદત પૂરી થાય છે.
- ચૂંટણી ન યોજાય ત્યાં સુધી વહીવટદાર અથવા 7 સભ્યોની વ્યવસ્થાપક કમિટીને સત્તા સોંપવા ચક્રો ગતિમાન થયા
ચૂંટણી યોજવા ચૂંટણી અધિકારીની નિમણૂક,જાહેરાત નામુ પ્રસિધ્ધ કરવાથી લઈ મતદારયાદી પ્રસિદ્ધ કરવા અને વાંધા સૂચનો મંગાવવા સુધી 76 દિવસનો સમય જરૂરી છે. એ જોતાં સુમુલમાં સરકાર 8 ઓગસ્ટ પછી વહીવટદાર તરીકે સુરતના જિલ્લા રજીસ્ટ્રારને ચાર્જ સોંપી શકે અથવા સુમુલના વર્તમાન બોર્ડ ઓફ ડિરેક્ટર પૈકી 7 ડિરેક્ટર્સની વહીવટી કમિટી આગલી ચૂંટણી ન યોજાય ત્યાં સુધી ડેરીનું સંચાલન કરવા નીમી શકે છે.
સુમુલ ડેરીની જેમ અમરેલી દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણી ન યોજાતા ડિરેક્ટર ગુજરાત હાઇકોર્ટમાં ગયા છે.તેમણે ઝડપથી ચુંટણી યોજવા અથવા વર્તમાન બોર્ડને નવી ચૂંટણી ન યોજાય ત્યાં સુધી યથાવત રાખવા દાદ માંગી છે. એવી જ રીતે સુમુલની ચૂંટણી વધુ ન લંબાય એ માટે કોંગ્રેસ પ્રેરિત એક સભ્યને અમરેલી દૂધ ઉત્પાદક સંઘની માંગણી મુજબ હાઈકોર્ટ મોકલવા લીગલ ઓપિનિયન લેવામાં આવ્યો છે.
ડો.તુષાર ચૌધરી વિપક્ષના નેતા બનતા સુમુલની ચૂંટણીમાં કોંગ્રેસ પેનલ ઉતારે એવી શક્યતા
બારડોલી બેઠકના પૂર્વ સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી તથા ગુજરાત વિધાનસભાની કાર્યવાહી માટે કોંગ્રેસ પક્ષે ખેડબ્રહ્મા બેઠકના ધારાસભ્ય ડો.તુષાર અમરસિંહ ચૌધરીને વિપક્ષના નેતા બનાવ્યા સુમુલની ચૂંટણીમાં કોંગ્રેસ પેનલ ઉતારે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
સુમુલ ડેરીમાં સત્તાના સૂત્રો કબ્જે કરવા વર્તમાન ચેરમેન માનસિંહ પટેલ અને વાઇસ ચેરમેન રાજુ પાઠક જૂથ વચ્ચે લડાઈ ચરમસીમા એ છે ત્યારે કોંગ્રેસ તાપી અને સુરત જિલ્લાની કેટલીક બેઠકો જીતી શકે એવી સ્થિતિમાં છે. જે બેઠકોમાં એ જીતી શકે એવી સ્થિતિમાં નથી ત્યાં સક્ષમ અપક્ષ અથવા ભાજપ પ્રેરિત બળવાખોરને પોતાના મત ટ્રાન્સફર કરી સમીકરણો બદલી શકે છે.